Get The App

મ્યુ.ચૂંટણીમાં ઈન્ટરનેશનલ મુદ્દા જ ઉઠાવવા ફરજિયાત

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
મ્યુ.ચૂંટણીમાં ઈન્ટરનેશનલ મુદ્દા જ ઉઠાવવા ફરજિયાત 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- પાછલાં વર્ષોમાં એટલો ભવ્યાતિભવ્ય વિકાસ થઈ ગયો છે કે કોઈ મુદ્દો જ બાકી  નથી રહ્યો 

કાર્યકરોનું ટોળું મોટા નેતા પાસે પહોંચ્યું. 'બોસ, આ મ્યુનિસિપલ ચૂંટણીમાં કયા કયા મુદ્દા ઉઠાવવા એનું માર્ગદર્શન તો આપો.'

મોટા નેતા હસવા લાગ્યા. 'લ્યા, તમે ગલગોટિયા યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ કરીને આવ્યા છો કે શું? આ દેશમાં મુદ્દા આધારિત ચૂંટણી લડવાનું તો કેટલાંક વર્ષોથી બંધ થઈ ગયું છે.'

એક કાર્યકર કહે, 'તો પણ બોસ, મોટા નેતાઓ તો આવીને આમતેમ ભાષણ કરીને જતા રહેશે. દરરોજ શેરીઓમાં પત્રિકાઓ લઈને અમારે જ ફરવાનું હોય છે. કોઈ તો મુદ્દો આપો.'

આ વખતે મોટા નેતા જરા વ્યગ્ર થયા. 'તમે લોકો કઈ ટાઈપના કાર્યકરો  છો?  અસલી રાજકીય કાર્યકર તો એ જ ગણાય જે કશું જ ન હોય તો હવામાંથી ને  કાં તો પછી પેટાળમાંથી મુદ્દો પેદા કરે. પોતે જ સમસ્યા પેદા કરે અને પોતે જ ઉકેલ બતાવે એનું નામ સાચો રાજકારણી.'

એક કાર્યકર કહે, 'સાહેબ, આ હવા અને પેટાળવાળું રહેવા દો. હવા પરથી લોકોને પ્રદૂષણ યાદ આવી જશે ને પેટાળ પરથી ઉભરાતી ગટરો.'

બીજો કાર્યકર કહે, 'તકલીફ એ છે કે હવે કોઈ સમસ્યાનું નામ લેવાય એમ નથી. પબ્લિક સામે પૂછે છે કે આ ૨૫-૩૦ વર્ષથી તમારું જ શાસન છે હવે આ સમસ્યા માટે ૭૦ વર્ષ પહેલાંના નેતાઓને દોષ ન દેશો.'

મોટા નેતા ગુસ્સે થઈને કહે, 'લ્યા ડોબાઓ, તમે વિપક્ષી કાર્યકરો જેવી ભાષા ન વાપરો.  એકચ્યુલી, આપણે છેલ્લાં ૨૦-૩૦ વર્ષમાં એટલો બધો વિકાસ કરી નાખ્યો છે, એટલો બધો વિકાસ કરી નાખ્યો છે કે નાના-મોટાં શહેરમાં કોઈ સમસ્યા જ નથી રહી. રોડ, ગટર, પાણી, દવાખાનાં, સ્કૂલો એકદમ બધું આદર્શ પરિસ્થિતિમાં છે. જનતા આ વિકાસ જોઈને એવી છક્ક  થઈ ગઈ છે કે હવે જનતાને કોઈ માગણી સૂઝતી જ નથી.'

કાર્યકરો મોઢું વકાસીને એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈ કશું  બોલ્યું નહિ. મોટા નેતા જરા ભોંઠા પડીને કહે, 'રહેવા  દો. કેવો ભવ્યાતિભવ્ય વિકાસ થઈ ગયો છે એ વિશે બોલવા  માટે પણ તમે નાના પડો. એ તો આપણા મોટા નેતાઓ આવીને જ જનતાને સમજાવી જશે. ત્યાં સુધી તમે એમ કરો. તમે વોર્ડમાં પ્રચારમાં  ફરજિયાત ઈન્ટરનેશનલ મુદ્દાઓ જ ઉઠાવજો. પ્રજાને કહેજો કે જુઓ ઈરાન અને ઈઝરાયેલ બંને લડતાં લડતાં આપણને સલામ કરે છે, અમેરિકા તો આપણને રોજ સવાર પડે ને નવી ને નવી  મંજૂરીઓ આપે છે, ચીન આપણી જનતાના લાભાર્થે છેક  ત્યાંથી તેટલે દૂરથી સસ્તામાં સસ્તો સામાન મોકલે છે. રશિયા તો આપણે ન માગીએ તો પણ તેલ આપવા  તૈયાર છે. આ બધું ધ્યાનમાં રાખીને આપણા વોર્ડમાં કોર્પોરેટર તરીકે તમારો કિંમતી અને પવિત્ર મત અમારા ઉમેદવારને જ આપજો.'

કાર્યકરો બેશુદ્ધ થઈ એકબીજા પર ઢળી  પડયા. 

આદમનું અડપલું

જૂની કહેવતઃ દાને દાને પે લિખા હૈ ખાને વાલે કા નામ!

મ્યુ. ચૂંટણીની નવી કહેવતઃ બાંકડે બાંકડે પે લિખા હૈ 'ખાને વાલે' કા નામ!