Get The App

કંગનાનું મૌન વિશે, સલમાનનું સ્ક્રિપ્ટ અંગે સેશન

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
કંગનાનું મૌન વિશે, સલમાનનું સ્ક્રિપ્ટ અંગે સેશન 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- મુંબઈની સમીટમાં કલાકારોએ આર્ટ ફિલ્મો ટાઈપ ડાહી ડાહી વાતો કરી પણ અસલી એન્ટરટેઈમેન્ટ મળે  તેવી સમીટ યોજવી હોય તો કેટલાક આઇડિયા

મુંબઈમાં હમણાં એક સમીટમાં બહુ બધા કલાકારો ભેગા થયા અને બધાએ ઘણી ઘણી ડાહી વાતો કરી. જોકે, આ બધી વાતો તો આર્ટ ફિલ્મો જેવી ગંભીર અને થોડીક શુષ્ક હતી. તેને બદલે અસલી બોલિવુડ મસાલા એન્ટરટેઈનર જેવી સમીટ કરવી હોય તો કેટલાક સેશનના આઇડિયા આ રહ્યા. 

જેમકે, 'ફિલ્મોમાં  સ્ક્રિપ્ટનું મહત્વ' વિશે સલમાન ખાનનું એક સેશન રાખી શકાય. સલમાન સ્ક્રિપ્ટ વિશે કશુંક બોલી શકે છે એ સાંભળવા માટે પણ તેની પાછલી ફિલ્મ 'સિકંદર' કરતાં પાંચ ગણું  ઓડિયન્સ હોલમાં આવે અને ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ કરવો  પડે તેવું બની શકે. 

મુંબઈની સમીટમાં આમિર ખાનને એક કરતાં વધારે સેશન માટે બોલાવાયો હતો, પરંતુ તેેને બિચારાને બોરિંગ સબ્જેક્ટસ  પકડાવી  દેવામાં આવ્યા હતા. ેએના કરતાં આમિરને ફિલ્મોમાં 'વફાદાર પતિના રોલ ભજવવાના પડકાર' કે પછી 'હમારી થોડી- સી બેવફાઈ: એક અધ્યયન' જેવા રસપ્રદ વિષય સોંપાવા જોઈએ. 

કરણ જોહરને 'દીવા તળે અંધારું' એવા ટાઈટલ હેઠળ કયા મહાન કલાકારોનાં કયાં સંતાનોએ એક્ટિંગમાં ભોપાળું વાળ્યું છે તેનાં ઉદાહરણો સાથે પ્રવચન આપવાનું કહી શકાય. 

એકાદું સેશન મૌન રહેવાના ફાયદા વિશે  પણ થવું જોઈએ. તેના માટે કંગના રણૌતથી શ્રેષ્ઠ વક્તા કોઈ હોઈ જ ન શકે. 

જાહ્નવી કપૂરને 'સોશિયલ મીડિયાનું એડિક્શન કેમ છોડવું' તેવા કોઈ વિષય પર ભાષણ આપવા  બોલાવવી જોઈએ. જાહ્વવી  બહુ સારી રીડર છે અને તે બહુ સારું બોલી જ શકે છે. આ તો બિચારીને એરપોર્ટ ને રેસ્ટોરાં ને એવી બધી જગ્યાઓ દેખા દેવામાં સ્ક્રિપ્ટ વાંચવાનો ટાઈમ જ નથી મળતો એટલે. 

અક્ષયકુમાર 'ફિલ્મોની કમર્શિયલ સફળતા શા માટે જરુરી છે'  તેવા આર્થિક વિષય પર ફાંકડુ પ્રવચન આપી શકે તેમ છે. 

સૈફ અલી ખાનને   'ફિલ્મી ચાકુ અને વાસ્તવિક ચાકુથી થતી ઈજાઓ વચ્ચે તફાવત' વિશે કોઈ સેશન સોંપી શકાય તેમ હતું. 

પેલા અનુરાગ કશ્યપને કોઈ કશે ગણતું જ નથી એ કેમ ચાલે. તેમને 'સંયમિત વાણી, શુદ્ધ ભાષાપ્રયોગો' એવા કોઈ સબ્જેક્ટ સાથે માનભેર આમંત્રવા જોઈએ. 

પરેશ રાવલને 'મોરારજી દેસાઈની બાયોપિક વિશે મારા વિચારો' એવા  ઉમદા સબ્જેક્ટ પર પ્રવચન માટે બોલાવતાં કોણ રોકે છે? 

જોકે, આ મનોરંજક સમીટમાં એક વાતે ધ્યાન રાખવું પડશે. કોઈએ 'મૌલિક સંગીતનું મહત્ત્વ' એવો સબ્જેકટ રાખવો  નહીં. નહીંતર તેના પર પ્રવચનનો લ્હાવો  પોતાને મળે તે માટે પ્રીતમથી માંડીને અનુ મલિક સહિતના કલાકારો તબલા સારંગી લઈને મારામારી કરવા આવી જશે. 

આદમનું અડપલું

બોલિવુડના કેટલાય કલાકારોને એક હૉલમાં ભેગા કરીને કોઈ સરકારની સિનિયર સિટિઝન સ્કિમો વિશે સમજાવો...એમને પોતાની ઉંમર થઈ છે એવી ખબર પડે. 

Tags :