- અગડમ્ બગડમ્ - બાબા આદમ
- કેટલાય સીએમ વાસ્તવમાં સીએમ બન્યાની એક્ટિંગ જ કરતા હોય છે, કામ નહિ
ગુજરાતી ફિલ્મના સેટ પર બે-પાંચ એકસ્ટ્રા કલાકારો હીરો પાસે ધસી ગયા અને તેને ઊંચકી લીધો.'હમારા નેતા કૈસા હો, ફિલ્મ કે હીરો જૈસા હો.'
હીરોએ પહેલાં તો ગદગદ થવાની એક્ટિંગ કરી, પણ પછી ટયુબલાઈટ થતાં કહ્યું, 'લ્યા ડફોળો, મનોરંજન કરવાની આપણી જવાબદારી આમેય મોટાભાગના નેતાઓએ ઉપાડી લીધી છે. તેમાં હવે એ લોકો હીરો જેવા દેખાવા માંડશે તો આપણે તો એમની સભાઓમાં ખુરશીઓ ગોઠવવાનો વારો આવશે.'
એક એકસ્ટ્રા કલાકાર કહે, 'સોરી બોસ, એ તો અમારી ડાયલોગ ડિલિવરીમાં જરા ગરબડ થઈ ગઈ. ત્યાં તમિલનાડુમાં એક હીરો સીએમ થઈગયો એમ અમે ઈચ્છીએ છીએ કે તમે પણ સીએમ બનો.'
હીરો ચહેરા પરની ખુશી છુપાવવાની નબળી એક્ટિંગ કરતાં કહે, 'જવા દો, સાઉથમાં તો કલાકારો જ સિંહાસન પર બેસે એવો રિવાજ પડી ગયો છે. આપણી ઈન્ડસ્ટ્રીનાં એવાં અહોભાગ્ય ક્યાંથી?'
બીજો એકસ્ટ્રા કહે,'અરે , હોય સર? આપણે હવે ઓસ્કર લેવલની ફિલ્મો બનાવવા માંડયા છીએ તો સાઉથ લેવલનું રાજકારણ ન કરી શકીએ શું?'
ત્રીજો એકસ્ટ્રા કહે, 'સર, તમે ચૂંટણી લડો ને તો તમાન નાગરિકોને દરેક ફિલ્મના પ્રિમીયરની બે ટિકિટ ફ્રી આપવાનો વાયદો કરજો. આમેય આપણી પિક્ચરોના પ્રિમીયરો એવા બધા મફતિયાઓથી જ હાઉસફૂલ થાય છે ને. આ બધા મફતિયા તો પિક્ચર જોવા ઉપરાંત પાછા મત પણ આપશે.'
ચોથો એકસ્ટ્રા કહે, 'દરેક ફિલ્મ નહિ હો. સરની કેવળ એક્શન પિક્ચર. સરને પડદા પર એક્શન કરતા જોઈ જોઈને પબ્લિકને ભરોસો પડી જશે કે આ સીએમ તો ખરેખર એક્શન લે તેવા છે. પિક્ચરનું નામ રાખીશું, 'વીર બેલેટવાળો'...અરે ના-ના, સોરી, હવે તો 'વીર ઈવીએમવાળો.''
'કટ... કટ!' પાંચમા એકસ્ટ્રાએ બરાડો પાડયો. 'વીર ઈવીએમવાળો' એવું ટાઈટલ રાખીશું તો પબ્લિક એવું માની બેસશે કે આ સર તો ઈવીએમમાં ઘાલમેલ કરીને જીતવાવાળા છે. એના કરતાં 'વીર માઈકવાળો' ંકે 'ભાષણવીર' એવું ચાલી જશે.
છઠ્ઠો એકસ્ટ્રા કહે, 'મેં તો પાર્ટીનું નામ પણ વિચારી લીધું છે. પિક્ચર પરિવર્તન પાર્ટી. આપણે પ્રચારમાં પ્રજાને કહીશું કે અમને મત આપશો તો અમે પરિવર્તનનું પિકચર બતાવશું.'
હિરો ઉર્ફે ભાવિ સીએમ જરા શરમાતાં શરમાતાં કહે, ' પણ મને તો સરખી કાર ચલાવતાં પણ આવડતી નથી. ત્યાં હું સરકાર તો હું કેવી રીતે ચલાવીશ?'
એક એકસ્ટ્રા કહે, 'અરે સર, એવું બધું ટેન્શન નહિ લેવાનું. કોઈ એક ફિલ્મમાં સીએમનો રોલ મળ્યો છે એમ માનીને એક્ટિંગ જ કરવાની. જુઓ, આજકાલ ખરેખર કેટલાય સીએમ કે બીજા કેટલાય મંત્રીઓ ગાદી પર બેસી ગયા પછી પોતે સીએમ કે મંત્રી છે એવી એક્ટિંગ જ કરતા હોય છે. ખરેખરું કામ કરતા જ નથી.'
આ વખતે હિરો હસવાની એક્ટિંગ કરવાને બદલે ખરેખરું હસી પડયો.
આદમનું અડપલું
નેતાઓ માટે મતદાનના આગલા દિવસ સુધી મતદાર હીરો હોય છે, મતદાન પછી સાઈડ આર્ટિસ્ટ અને જો કોઈ મુદ્દે વિરોધ-અસંતોષ દર્શાવે તો વિલન!


