- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સરકારો બોલિવુડના ન્યુમરોલોજિસ્ટને કન્સલ્ટ કરી શહેરોનાં નામના સ્પેલિંગ બદલે તો સરખો વિકાસ થાય
અધિકારી ૧ : કેરલનું કેરલમ કરી નાખ્યું, માઉન્ટ આબુનું આબુરાજ કરી નાખ્યું. હવે કાંઈ બાકી રહે છે?'
અધિકારી ૨: હજુ તો બહુ બધું બાકી છે. દેશમાં કેટલાં બધાં શહેરો, ગામ, વિસ્તારો, યોજનાઓ, ટાંકીઓ, બગીચાઓ, સ્ટેડિયમો છે?અને આમ પણ આપણે નામ બદલવા સિવાય ક્યાં કાંઈ કામ જ કરીએ છીએ?
અધિકારી ૧ : ઓહો, આપણે આટલાં બધાં નવાં નામ લાવશું ક્યાંથી?
અધિકારી ૩ : મારું વિન્રમ સૂચન છે કે સરકારે બોલિવુડના ન્યુમરોલોજિસ્ટ્સને કન્સલ્ટ કરવા જોઈએ. એ લોકો કલાકારોનાં નામ અને ફિલ્મોનાં ટાઈટલમાં વધારાનો કે, આઈ, ઈ, ઓ વગેરે ઘૂસાડી દે છે અને પછી તે કલાકાર ચાલી નીકળે છે અને પછી ફિલ્મ સુપરહિટ થઈ જાય છે. આપણે પણ ગામોનાં નામનાં સ્પેલિંગ બદલી નાખીએ. જીેચિા ના સ્પેલિંગમાં આર અને એ વચ્ચે વધુ બે 'યુ' (જીેિેેચા), કે પછી આર અને ટી વચ્ચે વધારાના ચાર 'એ' નાખી દઈએ (જીેચિચચચચા),તો એ શહેરનો વિકાસ ક્યાંય આંબે.
અધિકારી ૪: નવાં નામો ખૂટી પડવાની ચિંતા ટાળવી હોય તો શહેરો વચ્ચે નામ એક્ચેન્જ કરીએ. મેંદરડાનું મુંબઈ, જામજોધપુરનું જયપુર, દહેગામનું દિલ્હી અને બાવળાનું બેંગ્લુરુ કરી નાખીએ.
અધિકારી ૧: એરિયાનાં નામ પણ બદલવાનું રાખીએ. અમરાઈવાડીનું આંબાવાડી અને બાપુનગરનું બોપલ કરીએ તો કેવું? વડોદરાવાળા આજવા રોડને જ અલકાપુરી કરી નાખે અને સુરતવાળા પાંડેસરાનું નામ પાલ કરી નાખે.
અધિકારી ૫ :એક બીજો આઇડિયા છે. આપણાં ગામોને મોટાં ઈન્ટરનેશનલ શહેરોનાં નામ આપી દઈઅ તો અનેકગણી ગતિએ વિકાસ થઈ જશે. આપણે દર ચૂંટણીએ સુરતને શાંગહાઈ બનાવવાનું વચન આપીએ છીએ તેના કરતાં ગેઝેટ બહાર પાડીને સુરતનું કાયદેસર નામ જ શાંગહાઈ કરી નાખીએ. કોપીકેટ ચીનાઓ ક્યાં કોપીરાઈટનો ક્લેમ કરવા આવવાના છે? એ રીતે માણાવદરનું મ્યુનિચ કરી દઈએ, હાંસોટનું હોંગકોંગ રાખી દઈએ, નલિયાનું ન્યુયોર્ક કરી નાખીએ, વડોદરાને વાનકુંવર બનાવી દઈએ ને સિદ્ધપુરનું સિડની કરી નાખીએ.
અધિકારી ૬ : હું તો કહું છું કે પ્રજાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવતા જ રહેતા સંસદસભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો પણ જો પાંચ વર્ષે બદલાઈ જતા હોય તો ગામોનાં નામ પણ પાંચ વર્ષે કેમ ન બદલાય. દર પાંચ વર્ષે નવા મેયર આવે અને ગામનાં નવાં નામનું પણ ઉદ્ધઘાટન કરે. પછી તો દરેક મ્યુનિસિપલ ચૂંટણીમા દરેક પક્ષ પોતે સત્તા પર આવશે તો ગામનું નામ શું રાખશે એ મુદ્દે જ પ્રચાર કરે. પાણી, રસ્તા, ગટર જેવા ફાલતુ અને બોરિંગ મુદ્દાઓ પર પ્રચારની ઝંઝટ જ નહીં.
અધિકારી ૭: આના કરતાં સરકારી ફાઈલોમાં જ્યાં જ્યાં 'વિકાસ' શબ્દ લખેલો છે તે બદલીને 'વિનાશ' કરી દઈએ તો બધા પ્રશ્નોનો ઉકેલ આવી જશે.
...ને 'નામ છે તેનો નાશ છે' ઉક્તિ સાર્થક થાય તે રીતે જ નામ બદલવાની આ ચર્ચા પણ નાશ પામી.
આદમનું અડપલું
નાગરિક શાસ્ત્રનું નામ બદલીને ભક્ત શાસ્ત્ર કરી નાખો, આખો દેશ ફુલ્લી પાસ થઈ જશે.


