- અગડમ્ બગડમ્-બાબા આદમ
- મોડાં પડેલાં ચોમાસાનો ઈન્ટરવ્યૂ: મેં તો સમયસર નહિ પહોંચવાની દેશની સંસ્કૃતિ સાચવી છે
આ વખતે ચોમાસું મોડું પડતાં બેખબરપત્રી સંશયાત્મા પેટ્રોલ-ડીઝલ બચાવી ઈલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રેન દ્વારા કેરલમ પહોંચ્યો અને ચોમાસું જાણે કોઈ વિપક્ષી નેતા હોય તેમ તેને આકરા સવાલો પૂછવા લાગ્યો.
'કેમ બોસ, આ વખતે આટલા મોડા? કેલેન્ડર જુઓ છો કે નહિ ?'
'ઓય મિસ્ટર', ચોમાસાએ જોકે, શાસક પક્ષના નેતા જેમ બેખબરપત્રીને જ ધમકાવ્યો. 'દેશમાં આટલી બધી ટ્રેનો અને ફલાઈટો રોજ મોડી પડે જ છે ને. દેશમાં કોઈ ફંકશનમાં સમયસર પહોંચવાની પ્રથા છે? સાંજે છ વાગ્યે કાવ્ય સંગ્રહના વિમોચનનો સમય લખ્યો હોય તો સાંજે સાડા છએ તો આઈસ્ક્રીમના અભિલાષી સાહિત્યપ્રેમીઓ ઘરેથી નીકળતા હોય છે. ગોધૂલિ વેળાએ હસ્તમેળાપનું મુહૂર્ત લખ્યું હોય પરંતુ ત્યારે તો હજુ કન્યા મેરેજ પહેલાંના ફોટો સેશનમાં બીઝી હોય છે, લોકો સુપેરે જાણે છે કે રિસેપ્શન સાત વાગ્યે શરુ થવાનો મતલબ એ કે નવ વાગ્યા પછી વર-કન્યા સ્ટેજ પર આવશે. તું તારી જાતને બહુ મોટો ધુરંધર ખબરપત્રી માનતો હોય તો શોધી લાવ કે આ દેશમાં કયો પ્રોજેક્ટ એની ડેડલાઈન પર પૂરો થયો છે ? મેં તો મોડા પડવાની આ દેશની સંસ્કૃતિ જ જાળવી છે સમજ્યો.'
સંશયાત્મા ટાઢો પડીને વિનમ્ર સૂૂરે કહે, 'પણ બોસ, તમને તો ખબર જ છે કે તમે સ્હેજ વહેલા મોડા થાવ તો એમાં દેશના કરોડો ખેડૂતોના જીવ ઊંચાનીચા થઈ જાય છે.'
ચોમાસું ઠઠ્ઠાના સૂરે કહે, 'માય ડિયર, મનેય ખબર છે કે આ વખતે હું વહેલાસર ટપકી પડું તો પણ કાંઈ કામનું નથી કારણ કે ખેડૂતો પાસે ડીઝલ અને ખાતર બંનેના ફાંફા છે. અને મારેય પોલિટિકલ પાર્ટીની જેમ બધા વર્ગોને સાચવવાના હોય ને. હું મોડું આવું એવી પણ કોઈની પ્રાર્થના સાંભળવાની હોય ને...'
'હેં ?' સંશયાત્મા ચોંક્યો. 'એવી પ્રાર્થના કોણે કરી?'
ચોમાસુું મસ્તીથી બોલ્યું, 'ડિયર, તમારી મ્યુનિસિપાલિટીના અધિકારીઓ..આખરે એ પણ આ પૃથ્વીલોકના માનવી જ છે ને. બધા સાથે મળીને પ્રાર્થના કરતા હતા કે હું આ વખતે થોડું મોડું આવું તો એમને મોન્સૂન પ્લાનિંગની વધુ બે-ચાર મીટિંગોમાં નાસ્તો ઝાપટવા મળે.'
સંશયાત્મા કાંઈ બોલે એ પહેલાં ચોમાસું એકદમ દોસ્તીના સૂરમાં કહે, 'યાર, સાચું કહું, આ નાસ્તા પરથી યાદ આવ્યું. આ વખતે દેશમાં તેલ અને દાળ બંને ઓછાં વાપરવાની મતલબ કે દાળવડાં ટાળવાની અપીલ થઈ છે એટલું હું જરા કન્ફ્યૂઝ હતું. એટલે મને આવવામાં મોડું થયું. પણ પછી મેં જોયું કે તમારે ત્યાં બે-ચાર દિવસ બે ગાડીઓ અને ચાર સાઈકલોનાં નાટક જોયા પછી બધા રસાલા એમના એમ છે એટલે હું સમજી ગયું કે તમે લોકો કાંઈ એમ દાળવડાં બંધ કરવાનાં નથી. એટલે પછી મેં પણ યા હોમ કરીને તમારે ત્યાં ઝંપલાવી દીધું ....'
આ વાતે તો સંશયાત્મા પણ હસી પડયો ને તે સાથે વાદળ પણ વરસી પડયું.
- આદમનું અડપલું
આફતને અવસરમાં ફેરવો, આ વખતે અલ નીનો લખેલી છત્રીઓ વેચો


