- અગડમ્ બગડમ્-બાબા આદમ
- ઘરેથી પુર્વ દિશામાં પાણી છાંટી, બુધની મંતરેલી વીંટી પહેરશો તો ફલાઈટ ટાઈમસર ઉપડશે
ફલાઈટ્સનું સમયપત્રક અમદાવાદની એએમટીએસ અને ભારતીય રેલવે કરતાં પણ અનિયમિત બની જતાં પ્રવાસીઓએ એરપોર્ટ પર દેકારો મચાવી મૂક્તાં એરપોર્ટ સત્તાવાળાઓએ કહ્યું, 'અમારા હાથમાં હવે કાંઈ નથી. અમે હવે ફલાઈટ સ્પેશ્યિલ જ્યોતિષીઓની ચેક ઈન કાઉન્ટરો પાસે જ નિયુક્તી કરી છે. ત્યાં જઈને મળો.'
પ્રવાસીઓનું ધાડું આ જ્યોતિષીઓ પાસે પહોંચ્યું. એક જ્યોતિષીએ કહ્યું, જે લોકો પાસે કુંડળી હાથવગી હોય તે મને બતાવે. હું ફટાફટ કહી દઈશ કે આજે તેમની ફલાઈટ પોણો કલાક મોડી પડશે કે સાડા ત્રણ કલાક.
એક પ્રવાસી હેબતાઈ ગયો. 'હેં ? મતલબ કે ફલાઈટ મોડી તો છે જ. '
જ્યોતિષી કહે, 'જુઓ આજકાલ કોઈ ફલાઈટ મોડી પડશે એવી સાદી આગાહી કરવામાં તો જ્યોતિષનાં કોઈ જ્ઞાનની જરુર જ નથી રહી. એ તો હવે ચોમાસામાં વરસાદ પડશે ને શિયાળામાં ઠંડી એવું અફર સત્ય છે. '
ત્યાં બીજી એરલાઈનના જ્યોતિષી કહે, 'અમારી એરલાઈને તો ખાસ સગવડ ચાલુ કરી છે. અમે તમને તમારી કુંડળી પ્રમાણે ટિકિટ બૂક કરાવવાનું શુભ મુહૂર્ત કાઢી આપશું. જેથી ફલાઈટ મોડી પડવાની કે રદ થવા જેવું નડતર ઘટવાના ચાન્સ ઓછા રહે.'
ત્રીજા જ્યોતિષી કહે, 'હું મૂલાંક પ્રમાણે કયા સીટ નંબરનું બૂકિંગ કરાવવું એ કહી શકું છું. તેનાથી તમારે બાજુવાળા પ્રવાસી સાથે કે પછી ક્રૂ મેમ્બર સાથે ઝઘડો નહિ થવાની ગેરન્ટી રહેશે. વધુમાં કોઈ એક્સીડેન્ટ વખતે એ સીટ સલામત રહેશે કે નહિ તે પણ અમે જરા પ્રિમિયમ ચાર્જ લઈને કહી આપશું.'
ચોથા જ્યોતિષી કહે, 'ચાલો, જેમને ઘરેથી ફલાઈટ પકડવા નીકળતી વખતે કઈ દિશામાં પાણી રેડવું કે પછી કયા ગ્રહનો નંગ ડાબા હાથની બીજી આંગળીએ પહેરવો તેવું કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો અમારી સેવા હાજર છે. '
પાંચમાં જ્યોતિષી કહે, 'મારી પાસે પાયલોટની જન્મકુંડળી છે. ટિકિટ બૂક કરાવતી વખતે તમે કુંડળી અપલોડ કરશો તો હું તમારી અને પાયલોટની કુંડળી મેચ થાય છે કે નહિ તે ચેક કરી આપીશ. એક કડક સૂચના છે કે કોઈ પણ લગ્નોત્સુક મુરતિયાએ એરહોસ્ટેસ સાથે કુંડળી મેચ કરી આપવાની માગણી કરવી નહિ. આ એવિએશન સર્વિસ છે, મેરેજ બ્યૂરો સર્વિસ નહીં. '
ત્યાં એક પેસેન્જરે પૂછ્યું, 'અમારી જન્મતારીખ, કુંડળી, હસ્તરેખા કે મૂલાંકના આધારે તમે એ કહી શકો ખરા કે અમને જેની પૂરતી ઊંઘ થઈ ચૂકી હોય તેવો પાયલોટ કે જેનું પ્રોપર મેઈટેનન્સ થયું હોય તેવું વિમાન મળશે કે નહિ ? '
આ પ્રશ્ન સાંભળી બધા જ્યોતિષીઓ એકસામટા રાજીનામાં આપીને રવાના થઈ ગયા.
આદમનું અડપલું
વિમાનમાં બેસવું એ હવે લક્ઝરી નથી, ટૂંક સમયમાં કદાચ સમયસર ફલાઈટ ઉપડે તેને લક્ઝરી સેવા ગણી એકસ્ટ્રા ચાર્જ લેવાનું શરુ થાય તો નવાઈ નહિ.


