હવે આવા નેતાઓને ચૂંટવા માટે પબ્લિક એકબીજાની માફી માગે

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
હવે આવા નેતાઓને ચૂંટવા માટે પબ્લિક એકબીજાની માફી માગે 1 - image


- અગડમ્ બગડમ્-બાબા આદમ

- ભાજપે શરૂ કર્યો માફી ઉત્સવ, આયાતી કોંગ્રેસીઓને માથે મારવા બદલ સંનિ કાર્યકરોની માફી માગવાનો પ્રસ્તાવ

સૌથી મોટા સાહેબે શિવાજીની પ્રતિમા તૂટી પડવા બદલ જાહેર માફી માગી લીધી તે સાથે ભાજપમાં હરખનાં ઘોડાપૂર આવ્યાં. મોટા નેતાએ કહ્યું, 'જુઓ , આપણે તો માફી માગવી પડે તેવી આફતમાંથી પણ માફી ઉત્સવ શરૂ કરવાનો અવસર  મળ્યો છે.' 

એક સંનિ કાર્યકર કહે, 'ચેરિટી બિગન્સ એટ હોમ, આપણી જ પાર્ટીમાં આયાતી કોંગ્રેસીઓને માથે મારવા બદલ સંનિ કાર્યકરોની માફી માગવાથી શરૂઆત કરો.' 

મોટા નેતા કહે ,'આ કોઈ સરકારી  કોન્ટ્રાક્ટ થોડો છે કે ઘરમેળે પતાવટ થાય?  આ તો દેશ સમસ્ત, વિશ્વ સમસ્ત , માનવતા સમસ્તના કલ્યાણ કાજેનું મહાન કાર્ય છે. વિચારો કે વિશ્વમાં ભાજપને પગલે ચાલીને સૌ કોઈ   માફી માગી લે તો કેવી શાંતિ થઈ જાય.'

તરત ત સૂચન આવ્યું. 

 'તો તો ઓલા ચિરાગ પાસવાનને કહીએ કે ભાજપની સાથે રહેવા છતાં પણ ભાજપને પગલે નહીં ચાલવા બદલ ભાજપ પક્ષની માફી માગે. '

કોઈએ કહ્યું, 'મારે મતે તો આપણે બધાએ વડોદરાના મગરોની માફી માગવા જેવી છે. આપણા અંધાધૂંધ વિકાસના કારણે બિચારાઓએ નદી છોડી શહેરમાં આવી જવું પડયું.' 

અન્ય કહે,  'એમ તો કોઈએ કંગનાની પણ માફી માગવા જેવી છે. બિચારી દેશના સિરિયસ મુદ્દાઓ  પરથી લોકોને થોડો ચેન્જ મળે એટલે બેફામ બોલ્યા કરે છે. આપણા મોવડીમંડળે એને પણ ચૂપ કરાવી દીધી.' 

ત્યાં એક યુવા કાર્યકર કહે, 'જમાનો એડવાન્સ બન્યો છે. તો આપણે એડવાન્સ માફીની સ્કિમ પણ ચાલુ કરીએ. જેમ કે,  દરેક રેલવે ટિકિટ પર લખ્યું હોય કે આ ટ્રેન કદાચ ઉથલી પડે કે ટ્રેનના ખાવામાં વંદો નીકળે તો એડવાન્સમાં જ તે માટે માફી. 'નેતા કહે, 'ગ્રેટ આઇડિયા! આ તો તમામ વિવાદો અને વિપક્ષના સઢમાંથી હવા જ કાઢી નાખશે. આપણે દરેક પુલ, પ્રતિમા કે મંદિર કે કોઈપણ સરકારી બિલ્ડિંગની ઉદ્ધઘાટનની તકતીની સાથે સાથે જ એડવાન્સ માફી માગતી તકતી પણ મૂકાવી દઈશું. પછી ભલે ધરાશાયી થાય ને.  દરેક રસ્તા પર ચંગુભાઈ માર્ગ કે ગંગુબાઈ માર્ગ એવાં પાટિયાં સાથે જ રસ્તા પરના ખાડા માટે માફી એવું બોર્ડ પણ લગાવી દઈશું. દરેક સરકારી કચેરીમાં એક્ઝિટ ગેટ પર બોર્ડ  મારીશું કે આપે અહીં વ્યવહાર કરવો પડયો એ બદલ માફી. પોલીસ સ્ટેશનોમા 'મે આઈ હેલ્પ યુ ?'ની સાથે સાથે જ 'પ્લીઝ ફરગિવ મી 'ના ંબોર્ડ પણ લગાવી દઈશું'. 

ત્યાં તો એક કાર્યકર દોડતો દોડતો આવ્યો. 'ગજબ થયો! આપણા રાજમાં લેવાતી તમામ પરીક્ષા જેમ આ માફી ઉત્સવનું પણ પેપર ફૂટી ગયું લાગે છે.  બહાર હાકલો થઈ રહી છે કે હવે આવા નેતાઓને ચૂંટવા માટે પબ્લિક એકબીજાની માફી માગે. '

'માફ કરો, મારે મોડું થાય છે... 'એમ કહી નેતા રવાના થયા. કાર્યકરોએ પણ ચાલતી પકડી.

આદમનું અડપલું 

નવી કહેવત: નેતા-કોન્ટ્રાક્ટર રાજી, તો ક્યા કરેગી માફી!


Google NewsGoogle News