એકાદો પ્રવેશોત્સવ શિક્ષકો માટે પણ યોજી કાઢો
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- સ્કૂલના ચોપડે શિક્ષકોનું નામ બોલે છે પણ સ્કૂલમાં ભણાવવા આવવાનો ટાઈમ ક્યાં મળે છે
ગામડાંગામની સ્કૂલમાં અધિકારીઓનો કાફલો એન્ટર થયો.
એક અધિકારી કહે, 'જુઓ, આપણે ઈન્સ્પેક્શન માટે નથી આવ્યા, પ્રવેશોત્સવ માટે આવ્યા છીએ. એટલે બહુ કડકાઈ ન રાખશો.'
બીજા અધિકારી કહે, 'સર, આપણે ઈન્સ્પેક્શનમાં કડકાઈ રાખતા હોત તો તો આ પ્રવેશોત્સવની જરુર જ ન પડત. સરકારી શાળાઓ એમને એમ વિદ્યાર્થીઓથી ઉભરાતી હોત.'
ત્રીજા અધિકારી કહે, 'શાળાઓ ખાલી રહી જાય છે એટલે જ તો આપણને પ્રવેશોત્સવની તક મળે છે.'
એક અધિકારી કહે, 'ં આ બાળકો તો શાળાના કમ્પાઉન્ડમાં રમી રહ્યા છે, આપણા આવ્યા પહેલાં એમનો કોઈએ પ્રવેશોત્સવ કરાવી દીધો ?
બીજા અધિકારી કહે, 'અરે ના..ના સાહેબ. હવે કેવું થઈ ગયું છે કે કે પાણીની ટાંકી બંધાયા બાદ મહિનાઓથી એનો વપરાશ પણ ચાલુ થઈ ગયો હોય. પણ પછી પેલાં ટોટલ વિકાસ પેકેજમાં ગણવા માટે એનું પણ ઉદ્ધઘાટન પછીથી કરાવીને તકતી મરાવી દઈએ છીએ ને એમ હવે તો સ્કૂલનું સત્ર ચાલુ થઈ ગયા પછી દિવસોના દિવસો સુધી આપણે પ્રવેશોત્સવ કર્યા કરીએ છીએ.'
આ ચર્ચા ચાલતી હતી ત્યાં ગામના એક આગેવાન આવ્યા, 'સાહેબ, અમારી એક વિનંતી છે.'
એક અધિકારી રુક્ષતાથી કહે, 'જુઓ, જેમ અર્જુનનું ધ્યાન માછલી પર જ હતું તેમ અમારું ધ્યાન અત્યારે ફક્ત ને ફક્ત પ્રવેશોત્સવ પર જ છે. અત્યારે પાણી, સફાઈ, રસ્તાની કોઈ રજૂઆત નહિ સાંભળીએ.'
આગેવાન કહે, 'સર, હું પણ પ્રવેશોત્સવ માટે જ વિનંતી કરવા આવ્યો છું.બાળકોનું પતે પછી એકાદ પ્રવેશોત્સવ શિક્ષકોનો પણ કરાવી દો. '
બીજા અધિકારી ગરમ થયા. 'કેમ શિક્ષકો શાળામાં નથી આવતા ? પગારો તો બધા મોટા મોટા લે છે. જરા એ શિક્ષકોના નામ આપો એટલે એ બધાનો નોકરીમાંથી નિકાલોત્સવ કરાવી દઈએ. '
આગેવાન કહે, 'ના..ના સર એવું નથી. સ્કૂલના ચોપડે શિક્ષકોનું ખાલી નામ બોલે છે. બાકી એમને ભણાવવા આવવાનો ટાઈમ ક્યાં મળે છે. ક્યારેક એમને મેલેરિયાનાં સર્વેક્ષણનું કામ આવે,હવે વસતી ગણતરીનું શરુ થશે, ક્યારેક પશુપાલન ખાતાં વાળા તો ક્યારેક મહેસૂલવાળા કોઈ રજિસ્ટર ભળાવી જાય, મતદાર યાદીઓનું કાયમી છે. હવે તો છાશવારે કોઈ રેલીઓમાં કે સભાઓમાં કે બીજી સરકારી ઈવેન્ટોમાં બાળકોેને લઈને જવું પડે છે, તેમાં બાળકોને લઈ જવા બસો શોધવાની, બાળકોને ભેગાં કરવાના, ઈવેન્ટની જગ્યાએ લઈ જવાનાં, એમનાં નાસ્તા પાણીનું ધ્યાન રાખવાનું, એમને પાછા ઘર ભેગા કરવાના એ બધામાં જ રોકાયેલા રહે છે એમાં શાળાએ પહોંચતા જ નથી. આ બધું જરા ઓછું થાય તો એ લોકોનો પણ શાળામાં નચિંત પ્રવેશોત્સવ થઈ શકે..'
આગેવાન બોલતા રહ્યા...ત્યાં સુધીમાં સરકારી અધિકારીઓના કાફલો ગામમાંથી એક્ઝિટ કરી ગયો.
આદમનું અડપલું
વિદ્યાર્થીઓ માટે ભાર વગરનું ભણતર પણ શિક્ષકો માટે ભણતર સિવાયના જાતભાતના ભારનું નડતર.