- અગડમ્ બગડમ્-બાબા આદમ
- વાલીઓ પાસેથી હવે આર્મી ફી પણ વસૂલાશે
સ્કૂલના ક્લાર્કે વાલીને ફી ગણાવી.'જુઓ મેઈન તો ટયુશન ફી છે.'
'હેં ? ટયુશન ફી ? તમે સ્કૂલમાં ભણાવવા ઉપરાંત ટયુશન પણ આપવાના છો ? મારે એ ન રખાવવુું હોય તો ? ' વાલી ટેન્શનમાં આવી ગયા.
'અરે ભલા માણસ, અમે સ્કૂલમાં ભણાવવાની જે મુખ્ય ફી લઈએ તેને ટયુશન ફી જ કહીએ છીએ. કોઈ અલગથી ટયુશન આપવાના નથી. હા, તમે કહેશો તો અમારી સ્કૂલમાંથી જ તમને કયા ટયુશન ક્લાસ રાખવા તેનાં શ્યોર સજેશન સાહેબો જ આપી દેશે.'
'જોશું, એ પછી બીજી કઈ કઈ ફી છે? ' વાલીને થોડી ધરપત થઈ.
'અરે બોસ, એ પૂછો કે શેની ફી નથી? જુઓ પીટી એટલે કે કસરતની ફી છે, આર્ટ ફી છે, સાંસ્કૃતિક ફી છે, કેન્ટિન ફી છે, ઈવેન્ટ ફી છે, પાર્કિંગ ફી છે, ક્લિનિંગ ફી છે...'
'અરે ઉભા રહો..મારે આમાંથી ઘણી બધી જરુર નથી. છોકરાંને અમે ઘરેથી જ લંચ બોક્સ સાથે મોકલશું. તમારી કેન્ટિનમાં એ કશું નહીં ખાય. હું જાતે જ છોકરાને રોજ મૂકવા આવીશ એટલે એના માટે કોઈ વાહન પણ તમારે પાર્ક નહીં કરાવવું પડે. અને ક્લિનિંગ ફી? બાળક સ્કૂૂલમાં કોઈ કચરો કરે તો એની પણ ફી ? '
'જુઓ સાંભળો, આ બધી ફી ફરજિયાત છે. એટલે તમારું છોકરું અહીં ખાય કે ન ખાય તેની સાથે અમારે મતલબ નથી. અને ભાઈ ક્લિનિંગ ફી તો આપવી પડે ને. તમારું છોકરું સ્કૂલમાં ચારવાર ટોઈલેટનો ઉપયોગ કરશે તો અમારે એમાં સફાઈ કરાવવાની,ટોઈલેટ ક્લિનર વાપરવાનું એ બધો ખર્ચો ખરો કે નહીં. આ કાંઈ આજકાલની ફી નથી. વર્ષોથી લેવાય છે. '
વાલીએ માથે હાથ દીધો...'ઉપકાર તમારો કે આ વર્ષે કોઈ નવી ફી નથી શરુ કરી.'
'અરે યાર, તમે બરાબર પોઈન્ટ પકડયો. આ વર્ષથી અમે આર્મી ફી શરુ કરવાના છીએ. '
'હેં? બાળકોને સ્કૂલમાં મિલિટરી ટ્રેનિંગ આપવાના છો?'
'અરે ના ભાઈ, હવે અમારી સ્કૂલ એકદમ કડક થઈ ગઈ છે. ક્લાસમાં છોકરાં બહુ વાતો કરતાં હશે તો અમે તેમને છાના રાખવા આર્મી બોલાવી લેશું. આ એની ફી છે.'
વાલીને ચક્કર આવી ગયાં અને બેભાન થઈ ઢળી પડયા. પેલા કલાર્ક એમના પર પાણી છાંટતાં કહે, 'અરે ભલા માણસ, જો સરકાર પેપર ફૂટે નહિ એ માટે એરફોર્સનાં પ્લેનથી પેપરો મોકલવાનું વિચારતી હોય તો અમે શું સ્કૂલમાં ધમાલ કરતાં બચ્ચાંઓને શાંત પાડવા આર્મી ન બોલાવી શકીએ? આમાં બેભાન થઈ જવા જેવું ક્યાં છે? '
વાલી થોડીવારે ભાનમાં આવ્યા.એમને ખ્યાલ આવ્યો કે પોતે તો બેન્કમાં છોકરાને કેજીમાં દાખલ કરાવવા એજ્યુકેશન લોન લેવા આવ્યા હતા ત્યાં વેઇટિંગમાં બેઠા બેઠાં જ ઝોકું આવી ગયું તેમાં પોતે કોઈ સ્વપ્ન..ના..ના દુસ્વપ્ન જોઈ રહ્યા હતા.
આદમનું અડપલું
દેશમાં પ્રશ્નપત્રોની સુરક્ષા કરતાં પણ ગમે ત્યારે ગમે તેના દ્વારા પૂછાતા પ્રશ્નોથી નેતાઓને બચાવવાની સુરક્ષા વધુ અભેદ્ય છે.


