Get The App

દિલ્હીને એલિયન એટેકથી બચાવવા પ્રદૂષણનું કવચ

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીને એલિયન એટેકથી બચાવવા પ્રદૂષણનું કવચ 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- કેટલાંક એલિયન યમુના નદીમાં ઉતર્યાં તો  કેમિકલના કારણે બળી મર્યાં 

બ્રહ્માંડમાં દૂરસૂદુર  એક એલિયન કોલોનીમાં સનસનાટી મચી ગઈ. પૃથ્વી પર એટેક કરવા ગયેલાં સંખ્યાબંધ યાનમાંથી એકાદું યાન પાછું આવ્યુ. તેના લીડરે આપવીતી વર્ણવી. 

'અમને ખબર મળી હતી કે હાલ પૃથ્વી પર એકમાત્ર વિશ્વગુરુ દેશ ફક્ત ભારત છે અને તેની રાજધાની દિલ્હી છે એટલે અમે ત્યાં ત્રાટકવાનું નક્કી કર્યું હતું. પરંતુ, અમારું યાન દિલ્હીના વાતાવરણમાં પ્રવેશ્યું કે ભારે ઘટ્ટ અને તીવ્ર ગંધ ધરાવતા ધુમાડાના થર વચ્ચે ઘેરાઈ જઈ હડદોલા ખાવા માંડયું ' એક લીડરે શરુઆત કરી. 

'શું તમે લોકો પણ દિલ્હીનું પાણી પી આવ્યા એટલે બેફામ ફેંકાફેંક કરતા થઈ ગયા ? ' કોલોની પર જ રહેલું એક એલિયન ઉકળી ઉઠયું. આટલું વિરાટ આકાશ પાર કરીેને આપણું યાન છેક પૃથ્વી  સુધી પહોંચી જાય અને દિલ્હીના વાતાવરણમાં જ હડદોલા ખાય એવું થોડું હોય ? ' 

લીડર કાંઈ બોલે તે પહેલાં ંબીજું એલિયન કહે, 'યાર, આ લોકો સાવ નાખી દેવા જેવી વાત નથી કરતા. મેં પૃથ્વી પરના બહુ બધાં છાપાં, ચેનલો, પુસ્તકો ફંફોસી નાખ્યાં છે એટલે મને  ખબર છે. દિલ્હીના વાતાવરણમાં જ કશોક એવો ચમત્કાર છે કે ભલભલા ધુરંધરો ત્યાં પહોંચીને ઝૂલવા જ  માંડે છે.'

લીડર છણકો કરીને કહે, 'તમારે અહીં બેઠા બેઠા ચર્ચાઓ કરવી છે. અમે તો જીવતાજીવ ત્યાં દોઝખ જોયું છે. આપણા કેટલાક એલિયન યોદ્ધાઓ તો યાનમાંથી બહાર નીકળીને આ ધુમાડા વચ્ચે ઘેરાયા એવા ઉધરસો ખાવા માંડયા. અમુકને તો છાતીમાં ને આંખોમાં બળતરા થવા લાગી. કેટલાક તો બે ડગલાં ભરીને ઢળી પડયા.  એકાદ-બે તો ત્યાંની યમુના નદીમાં ઉતર્યા તો તેનાં કેમિકલથી બળી મર્યા. '

પેલું કોલોનીનું એલિયન ઉગ્રતાથી કહે, 'ઓહો, દિલ્હી જઈને આવ્યા એટલે વાર્તાઓ  બનાવતાં  આવડી ગયું. પણ અમે કાંઈ ભારત દેશની પ્રજા નથી કે  આવી બધી દિલ્હીછાપ વાતો ભક્તિભાવથી માની લઈએ. દિલ્હીમાં લોકો મહિનાઓ સુધી આવાં  પ્રદૂષણ વચ્ચે જ રહે છે અને તમે ડરપોક થઈ પીઠ બતાવીને ભાગી આવ્યા ? '

પેલા લીડર છંછેડાઈને કહે, 'એ જ તો...અમે જોયું કે ત્યાં તો હજારો લોકો આવાં પ્રદૂૂષણમાં પણ માસ્ક વિના નચિંત થઈને ફરતા હતા. અમે લોકોની વાતચીત ઈન્ટરપ્રિટ કરી તો તેમાં આ પ્રદૂષણ વિશે કોઈ ચિંતા વ્યક્ત થતી હોય તેમ લાગતું જ ન હતું. એટલે અમને અહેસાસ થયો કે જે પ્રજાતિ આવું પ્રદૂષણ ખમી જતી હોય  તેમની સામે લડવાનું આપણું કામ નહીં. સાચું કહું દોસ્ત, અમે રીતસરના મુઠ્ઠી વાળીને ત્યાંથી ભાગ્યા છીએ.'

પેલા કોલોનીના એલિયને ગુસ્સે થઈને આ લીડરને 'ડરપોક..'  કહીને એક થપાટ મારી...

સહસા ઉંઘમાંથી જાગી ગયેલા દિલ્હીના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીને ખ્યાલ આવ્યો કે સપનું જોતાં જોતાં પોતે  પોતાને જ થપ્પડ મારી દીધી છે. ગાલ પરનો ચચરાટ ભૂલી તેમણે  પ્રદૂષણ તો એલિયન એટેક સામેનું કવચ છે એવા પ્રચારનો આઇડિયા આપવા  બોસને ફોન જોડયો. 

આદમનું અડપલું

પ્રદૂષણ હોય કે ન હોય, દિલ્હી પહોંચીને ભલભલાની વિઝિબિલિટી પુઅર થઈ જાય છે, દેશને ૭૫ વર્ષથી અનુભવ છે.