- અગડમ્ બગડમ્-બાબા આદમ
- આજની સાસુઓ જૂના જમાનામાં વહુ પર કેરોસીન છાંટીને એને કેવી રીતે સળગાવવામાં આવતી તે વિશે સર્ચ કરશે
'બોસ, એક નવી પિક્ચરનો આઇડિયા આવ્યો છે.' બોલિવુડના રાઇટરે ડાયરેક્ટર પાસે વધામણી ખાધી.
'બોલ... આ વખતે આપણો એજન્ટ કયા દેશમાં ખાનાખરાબી મચાવશે? બાંગ્લાદેશમાં કે શ્રીલંકામાં?'
'બોસ, રહેવા દો. બાંગ્લાદેશવાળા ખાનાખરાબી સર્જવાની બાબતે આત્મનિર્ભર છે અને શ્રીલંકામાં ગમે તેટલી ખાનાખરાબી થાય તો આપણી પબ્લિકને બહુ રસ પડતો નથી.'
'તું હવે એમ ન કહેતો કે આપણી સ્ટોરીમાં એક એજન્ટ અહીંથી છેક ભાગલા વખતે જ પાકિસ્તાન પહોંચી ગયો હતો.'
'બોસ, પાકિસ્તાન બહુ ચવાઈ ગયું. મારી સ્ટોરી તો હમણાંના ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પર છે.'
'રહેવા દે ડોબા, મારા પ્રોડયુસરનું બજેટ ઈમ્ફાલ જઈને શૂટિંગ કરવાનું પણ નથી. તું ઈરાન-ઈઝરાયેલ સુધી લાંબો થવાનું રહેવા દે.'
'અરે બોસ, આખી સ્ટોરી તો સાંભળો. યુદ્ધ ઈરાનમાં ચાલે છે પણ બબાલો તો આપણે ત્યાં છે ને. જુઓને, સરકારે પાછું કેરોસીન વેચવાનું ફરમાન કાઢ્યું.'
'લ્યા મૂરખ, તારી આવી સ્ટોરીઓથી આપણી ફિલ્મ કંપનીને વગર કેરોસીને સળગાવવાનો વારો આવશે. ડોબા, આ જેન-ઝી પ્રેક્ષકોને કેરોસીન કઈ બલાનું નામ છે એ ખબર જ નહીં પડે.'
'સર, ત્યાં જ તો મારો સ્ટોરીના ટાઈટલનો આઇડિયા છે. આપણે આપણી પિક્ચરને 'કેરોસીન' નહિ પણ અત્યારની બોલિવુડની સ્ટાઈલ પ્રમાણે 'ઘાસલેટ-ટુ' નામ આપીશું. અત્યારે જૂની હિટ પિક્ચરોનાં પાર્ટ ટુ , થ્રી બનાવવાની ફેશન ચાલી છે એમાં જેન-ઝીને રસ પડે જ છે ને.'
'ભલા માણસ, પણ આ પહેલાં 'ઘાસલેટ' ટાઈટલથી પિક્ચર બની હોવાનું મને યાદ જ નથી.'
'પણ સર, એવું ક્યાં ફરજિયાત છે કે 'ઘાસલેટ ટુ' બનાવવા માટે 'ઘાસલેટ' પિક્ચર અગાઉ બનેલી હોવી જ જોઈએ. આપણે પિક્ચરમાં ફલેશબેકમાં બતાવીશું કે કેવી રીતે અત્યારની જેન ઝીની દાદીઓ ઘાસલેટથી ચાલતા સ્ટવમાં રસોઈ બનાવતી હતી, આ જનરેશનના કાકાઓ કેવી રીતે કેરોસીનથી ચાલતી રિક્ષાઓમાં પ્રવાસ કરતા હતા. બોસ, સ્ટોરીમાં સાસુ-વહુનો એન્ગલ પણ લાવીશું કે જેમાં અત્યારના જમાનાની સાસુઓ વહુને કેરોસીન છાંટી સળગાવવાની જૂના જમાનાની રીત સર્ચ કરતી હશે.'
'ઓ ડિયર, આમા મસાલો ક્યાં છે?'
'મસાલો તો એ જ હશે બોસ કે હીરો એક જમાનામાં રેશનના કેરોસીનના કાળાબજારના કિંગ દાદાની વાતો સાંભળી ફરી કેરોસીનના કાળાબજારમાં ંઝંપલાવે છે, પણ હિરોઈન એને પ્રેરણા આપે છે કે આના કરતાં ગેસના કાળાબજારનું કર, એમાં વધારે પૈસા છે. પછી હીરો પરિવારની પરંપરા અને પ્રેમિકાની ઈચ્છા વચ્ચે અટવાઈ જાય છે.'
અચાનક ડાયરેક્ટર ઉઠીને અંદરના રુમમાં દોડયા, ત્યાંથી એક ડબલું લઈને આવ્યા. રાઈટર ગભરાયો. 'આ શું બોસ... તમે અત્યારથી મારી સ્ટોરીના નામનું નાહી નાખ્યું?'
ડાયરેક્ટર ઉશ્કેરાઈને કહે, 'ના, ના... મને થાય છે કે તારી આવી સ્ટોરીઓ સાંભળવી એના કરતાં ઘાસલેટ છાંટી આત્મવિલોપન કરવું સારું...' ડાયરેક્ટરે ઘાસલેટનાં ટીપાં પોતાના પર છાંટયા.
રાઈટર નાક દબાવીને ભાગ્યો.
આદમનું અડપલું
જૂના જમાનાના ગુજરાતી પ્રોડયુસર ઈરાન યુદ્ધ પરથી ફિલ્મો બનાવે તો ટાઈટલ હોય... હોર્મુઝને કાંઠે, વીર ગેસ ટેન્કરવાળો!


