દેશ નહિ, દુનિયાભરના નેતાઓની ભાષા એક જ છે
- અગડમ્ બગડમ્-બાબા આદમ
- પોલીસ ગરમ હથેળીની, ક્રિકેટરો આઈપીએલની જ ભાષા સમજે છે
આજકાલ પહેલાં તમિલનાડુ પછી કર્ણાટક અને હવે મહારાષ્ટ્રમાં હિંદી ભાષા ભણાવવા મુદ્દે નેતાઓ ઝઘડી પડયા છે. જોકે, આ ઝઘડા સાવ નકામા છે. વાસ્તવમાં દેશભરના નેતાઓ પબ્લિકને ઉલ્લુ બનાવવાની એક જ ભાષામાં પાવરધા છે. જોકે, દેશના નેતાઓને ન્યાય કરવા ખાતર કહેવું પડે કે આમ તો દેશ જ નહિ પરંતુ દુનિયાભરના નેતાઓ પબ્લિકને હથેળીમાં ચાંદ બતાવવાની એક જ ભાષા વાપરે છે.
કેટકેટલાય જૂથ, વ્યવસાયો, વર્ગોમાં યુનિવર્સલ ભાષાના અનેક દાખલા છે. જેમકે લગભગ બધા જ નેતાઓ કરપ્શનની ભાષા સમજે છે. નેતાઓમાંથી પણ હવે જે મંત્રીઓ બની ગયા છે તે ઈન્સ્ટા રીલની જ ભાષા સમજે છે. આ મંત્રીઓના નેજા હેઠળ કામ કરતા સરકારી વિભાગો માત્ર પ્રચારની ભાષા સમજે છે. આ મંત્રીઓ અને નેતાઓ જે પોલિટીકલ પાર્ટીઓનું પ્રતિનિધિત્વ કરે છે તે પાર્ટીઓ પોલિટિકલ ડોનેશનની ભાષા એકસરખી રીતે સમજે છે. જુદી જુદી પાર્ટીના નેતાઓની ભાષામાં પણ ખાસ ફરક હોતો નથી. જેમ કે વિપક્ષના નેતાઓ પક્ષપલ્ટાની ભાષા આસાનીથી સમજી લે છે.
અમદાવાદ,વડોદરા હોય કે પછી મુંબઈ જેવું મહાનગર પણ શહેર લેવલના નાના નેતાઓ સાથે પનારો પાડતા કોન્ટ્રાક્ટરો કટકીની ભાષા સમજે છે. એટલે જ તો આ શહેરોના રસ્તાઓ પર એકસરખા ખાડા દેખાય છે. મ્યુનિસિપાલિટીથી માંડીને નાની મોટી સરકારી ઓફિસોના બાબુઓ તો અત્રતત્રસર્વત્ર બધે જ કામચોરીની એકસરખી ભાષા સમજે છે. ભારતના અનેક રાજ્યોમાં અનેક ભાષા બોલાય છે પરંતુ બધી જ જગ્યાએ સરકારી કર્મચારીઓ કામ પતાવવા માટે વ્યવહાર કરવાની એક જ સરખી ભાષામાં સમજે છે. જુદી જુદી ભાષા બોલતી દરેક રાજ્યની પોલીસની પણ ગરમ હથેળીની ભાષા એકસરખી જ છે.
જોકે, એકલા નેતાઓ કે અધિકારીઓ જ એકસરખી ભાષાના માહિર નથી. બીજા પણ લોકો આ લીગમાં સામેલ છે. જેમકે જુઓ મોટાભાગના ક્રિકેટરો આજકાલ આઈપીએલની ભાષા જ સમજે છે. એમ તો કેટલાય ધર્મગુરુઓ હવે ધર્મ કરતાં રાજકીય પ્રચારની ભાષા વધારે સમજે છે. બોલીવૂડના કહેવાતા મોટા કલાકારો હવે પીઆર પ્રમોશનની ભાષા જ સમજે છે. તેમની સરખામણીએ આપણા ગુજરાતી ફિલ્મોના સર્જકો વધારે સૌમ્ય છે, તેઓ કેવળ પોઝિટિવ રિવ્યૂની જ ભાષા સમજે છે. પોઝિટિવ રિવ્યૂ પરથી યાદ આવે કે આજકાલ ફેસબુકિયા કવિઓ સોશિયલ મીડિયા પર લાઈક્સની જ એકસરખી ભાષા સમજે છે જ્યારે બીજી તરફ કેટકેટલાય સાહિત્યકારો ફક્ત ચાપલૂસીની જ ભાષા સમજે છે.
બાકી પબ્લિક માટે તો કઠિણાઈ એ છે કે મોટી મોટી હોસ્પિટલો અને ડોક્ટરો હવે દવા કંપનીઓની જ ભાષા સમજે છે અને ખાનગી સ્કૂલોવાળા ડોનેશનની જ ભાષા સમજે છે. બિચારી પબ્લિક માટે તો બધા મુદ્દા ગૌણ થઈ ગયા છે કારણ કે એ ફક્ત મોંઘવારીની ભાષા ઉકેલવામાં જ વ્યસ્ત છે.
આદમનું અડપલું
નવી કહેવત: ભાષાને શું વળગે ભૂર, ભાષણ આપી ભરમાવી જીતે તે શૂર