- અગડમ્ બગડમ્- બાબા આદમ
- જ્યારથી નેતાઓ સફેદ ટોપી પહેરતા થયા ત્યારથી સફેદ એટલે નિર્મળ એવો વિશ્વાસ ઉઠી ગયો છે
મંત્રીએ સેક્રેટરીને બોલાવ્યા. 'બોલો, અમારા રાજમાં છે કોઈ દુ:ખી ? '
સેક્રેટરી કરગરી પડતાં કહે, 'મંત્રીજી, કોઈ પોતાને દુ:ખી જાહેર કરે તો તેને ફાંસીએ લટકાવી દેશું. આપના રાજમાં કોઈનેય પોતાને દુ:ખી કહેવાનો હક્ક નથી.'
મંત્રી ખુશ થતાં કહે, 'એમ ? તો એ કહો કે પ્રજા કઈ વાતે સૌથી સુખી છે.'
સેક્રેટરી બોલ્યા, 'મંત્રીજી, પ્રજાને પનીર એકદમ સુલભ થઈ ગયું છે એટલે સૌ સુખી છે. પબ્લિક લહેરથી પનીરની વિવિધ આઈટમો ઝાપટે છે અને મોજ કરે છે.'
પ્રજાની મોજવાળી વાત મંત્રીશ્રીને ના ગમી. 'પબ્લિક આટલું બધું પનીર ઝાપટે છે કેમ ? આપણે તો પાકો બંદોબસ્ત રાખ્યો છે કે પ્રજાની આવક ઓછી જ રહે અને એટલે કાયમ ઢસરડા કરતી રહે. છતાં પણ સૌને પનીર કેવી રીતે પોસાય છે ? આપણે પનીર પર ટેક્સ વધારી દેવો પડશે. '
'મંત્રીજી, આપણે ગમે તેટલો ટેક્સ નાખીએ તો પણ પ્રજા સસ્તા પનીરનો જુગાડ કરી જ લેશે કારણ કે ખરેખર તો પ્રજા જે પનીર ઝાપટે છે એ અસલ પનીર તો છે જ નહિ એ તો કેમિકલ્સ, એસિડ, સ્ટાર્ટ વગેરે ચિત્રવિચિત્ર પદાર્થોનો બનેલો ધોળો પદાર્થ માત્ર છે. આપણા રાજમાં એટલું દૂધ જ પેદા નથી થતું જેટલું પનીર ખવાય છે. '
મંત્રીશ્રી ચોંક્યા. 'ઓહો ? પ્રજા શું આ સફેદ પનીરના કાળા કારોબાર વિશે અંધારામાં છે ? '
સેક્રેટરી હિંમતથી કહે, 'મંત્રીજી, પ્રજાને તો દેશમાં જ્યારથી નેતાઓ સફેદ ટોપી પહેરીને ફરતા થયા છે ત્યારથી બધી સફેદ ચીજો સ્વચ્છ અને નિર્મળ જ હોય તેવો વિશ્વાસ ઉઠી ગયો છે. પનીર તો છિંડે ચઢેલો ચોર છે.'
મંત્રીશ્રી દાંત ભીંસીને કહે, 'ના એમ નહિ ? પબ્લિક ગંદું પાણી પીને મરે એનો વાંધો નહિ પરંતુ ભેળસેળિયું પનીર ખાઈને મરે એ તો આ ગરીબ દેશની પ્રજા માટે વૈભવી મોત ગણાય. આવું વૈભવી મોત આપણા દેશમાં પોસાય નહિ.'
સેક્રેટરી શાંતિથી કહે, 'મંત્રીજી છોડોને બધી વાતો.પબ્લિકને સ્વચ્છ ચીજોના રવાડે ચઢાવવા જેવી નથી. પ્રજાને ચોખ્ખી ચીજોની ટેવ પડશે તો કાલે ઉઠીને દૂધ, તેલ જેવી બીજી હજાર ચીજો ચોખ્ખી માગશે. પછી એમ પણ કહેશે કે એક્યુઆઈ ઘટાડીને ચોખ્ખી હવા પણ આપો. પછી એનાથી આગળ વધીને કહેશે કે અમને ચોખ્ખીચણાક એકદમ સ્વચ્છ સરકાર પણ આપો...બોલો પોસાશે ? '
મંત્રીજી ગળામાં નકલી પનીરનો લોંદો ભરાઈ ગયો હોય એમ ચૂપ થઈ ગયા.આદમનું
અડપલું
ભક્તિ અને જાગૃતિની ભેળસેળ થઈ ગઈ એમાં લોકશાહી બીમાર પડી!


