Get The App

આનંદો... આનંદો! અલ નીનો આવે છે .

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
આનંદો... આનંદો! અલ નીનો આવે છે                            . 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- મોંઘવારી, ખેડૂતોના આપઘાત, પાણીનાં સંકટ બધા માટે એક વિલન મળી ગયો

સરકારી ઓફિસમાં એક અધિકારી પેંડાનું બોક્સ લઈ બધાને વહેંચવા નીકળ્યા. 'આવે છે... આવે છે... આનંદો... આનંદો... લ્યો, મોઢું મીઠું કરો.'

બીજા અધિકારીએ સામટા ચાર પેંડા ઝાપટી લઈને પછી કહ્યું, 'હમણાં દસ-બાર વર્ષથી સરકારમાં એક સુખ થઈ ગયું છે કે ચારેબાજુથી આનંદ, ઉત્સવ, હરખ ને જયજયકારના જ સમાચારો આવે છે. બોલો, એવા જ કોઈ આનંદના સમાચાર આવે છે ને... આમાંને આમાં પેંડાવાળા કમાઈ ગયા.'

પેલા અધિકારી કહે, 'ડિઅર, પેંડાવાળા તો ઝાંકી હૈ, અભી હમ સબ કી બારી હૈ. બધા કમાવાના છીએ. બોસ, તમે સાંભળ્યું જ હશે કે પેલો અલ નીનો આ વખતે આવે  છે. એ પણ કાંઈ કાચોપોચો નહીં. સુપર અલ નીનો...'

ત્રીજા અધિકારી પેંડો મોઢા સુધી પહોંચાડયા બાદ અટકી ગયા. 'હેં? અલ નીનો? એ તો કહે છે ને કે નુકસાનકારક છે?વરસાદ ઓછો થશે ને બહુ બધુ હેરાનગતિ થશે?'

પેંડાવાળા અધિકારી એમના મોઢામાં પેંડો ખોસતાં  કહે, 'અરે યાર, હવે વ્હોટ્સએપ યુનિવર્સિટીના જમાનામાં તમે એ બધી દેશી ભૂગોળની ટૂંકનોંધો ભૂલો. હવે તો નાગરિકશાસ્ત્રનો વણલખ્યો નિયમ છે કે દેશ-દુનિયામાં ગમે તે થાય પણ  હેરાન તો માત્ર ને માત્ર મામૂલી પ્રજાએ જ થવાનું છે. આપણને તંત્રવાહકોને તો આફતમાં પણ અવસર  મળી જશે.  દુકાળ આવશે એટલે રાહતકામોની ને ઘાસચારા વિતરણની ફાઈલો શરુ થશે. દાયકાઓ પહેલાં આપણા પુરોગામીઓને દુકાળ વખતે ચાંદી  થઈ જતી હતી ચાંદી . આપણે તો હવે સોનું પકાવશું સોનું...'

ચોથા અધિકારી સૂર પુરાવતાં  કહે, 'ખુશીની વાત તો એ પણ છે કે આવતાં થોડાંક વર્ષો સુધી  આપણને અલ નીનો તરીકે નવો વિલન મળી જશે. આપણે મંત્રીશ્રીઓને ભાષણોમાં લખી આપીશું કે મોંઘવારી વધવા માટે , ખેડૂતોના આપઘાત માટે, શહેરો અને ગામડાંમાં પાણીની અછત માટે એમ કંઈ કેટલીય સમસ્યાઓ માટે અલ નીનોને જ આરોપી નંબર વન જાહેર કરી દેજો. આપણું કોઈ નામ નહીં લે. આપણા તંત્ર પર કોઈ દોષનો ટોપલો નહીં ઓઢાડે. આપણા મંત્રીશ્રીઓની  દાનત અને ક્ષમતા પર કોઈ આંગળી નહીં ચીંધે.હવે થોડાં વર્ષો સુધી બસ અલ નીનો... અલ નીનોના જાપ જપીશું.'

ત્યાં તો  એક સિનિયર અધિકારી આવીને કહે, 'લ્યા, મૂકોને  બધી પંચાત. પેંડા હોય કે બીજું કાંઈ, ખાવા માટે  બહાનાં શોધવામાં સમય ન બગાડો. બાકી, ગમે તેટલી સમસ્યાઓ આવે, આપણે કોઈ વિલન શોધવાની જરુર જ નથી. પ્રજા બિચારી કોઈ પણ સમસ્યા માટે કોઈને પણ ક્યાં  જવાબદાર ઠેરવે  જ છે? જુઓ છો ને આ એક પછી એક ચૂંટણીનાં પરિણામો...'

આ સાંભળી બીજા બધા અધિકારીઓએ ખી-ખી કરતાં એકબીજાને તાળી આપી. પેલા પેંડાવાળા અધિકારી બોક્સ ખાલી કરીને ચાલતા થયા.