- અગડમ્ બગડમ્-બાબા આદમ
- મહેમાનની મન કી બાતઃ છેવટે રસ અને સેન્ડવિચનું પણ જમણ રાખો
'સુધારેલી કંકોતરી વાંચજો' એવો મેસેજ મળતાં ભૂખડલાલને ફાળ પડી. 'પરિવારના સૌ'ને બદલે 'એક વ્યક્તિ'નું એડિટિંગ થઈ ગયું કે શું?
તેમને શંકા જાગી કે ક્યાંક સરકારે લગ્નના નિયમો બદલ્યા તેમાં કન્યા કે વર તો નથી બદલાઈ ગયાં ને? પણ એ નામોમાં કોઈ ફેરફાર ન હતો. ભૂખડલાલે કાયમની ટેવ પ્રમાણે કંકોતરીમાં જમણવારનું સ્થળ અને સમય શોધ્યાં. તેનો કોઈ ઉલ્લેખ જ ન હતોે.
આ સુધારો જોઈ અત્યારે તાબડતોબ ભૂખમરાથી પોતાનું મોત થઈ જવાનું હોય તે હદે ફસકી પડેલા ભૂખડલાલે મહામહેનતે શક્તિ એકઠી કરી યજમાનને ફોન લગાડયો. 'કહું છું, આ સુધારેલી કંકોતરીમાં મારા જેવા ગેસ્ટને જમવામાંથી કાપી નાખ્યા કે શું?'
'અરે, ના, ના... આ તો બધી આ ઈરાન અને ઈઝરાયેલની કાપાકાપી છે. એના કારણે તો જુઓને કેટલું બધું કેન્સલ કરવું પડયું છે.'
'હેં ? પણ આપણો પ્રસંગ તો નાતની વાડીમાં છે ને ? તેલ અવીવ કે દુબઈમાં તો નથી ને?'
'અરે ભલા માણસ, લોકેશન છોડો. આ તો અત્યારે બધાને ગેસ ટ્રબલ છે એટલે.'
'ના, ના... મને કોઈ લગ્નમાં ગમે તેટલું જમ્યા પછી પણ ગેસ ટ્રબલ નથી થતી. ને તમારા કોઈ મહેમાનને ટ્રબલ થતી હોય તો મને કહેજો. મારા એક ઓળખીતા વૈદ્ય એવું જોરદાર ચુરણ બનાવે છે કે ભલભલાના પેટમાંથી કોઈએ ગુબ્બારામાં ટાંકણી મારી હોય એ રીતે ગેસ નીકળી જાય.'
'અરે બોસ, ગેસ ટ્રબલ એટલે આ તો અત્યારે ગેસના બોટલનો પ્રોબ્લેમ છે ને? આપણા કેેટરિંગવાળાએ તો હાથ ઊંચા કરી દીધા છે કે રાંધણગેસની બોટલો મળતી નથી. આપણા પ્રસંગની તારીખ સુધીમાં હોર્મુઝની ખાડીમાંથી કેટલાં જહાજો પહોંચશે તેનો કોઈ ભરોસો નથી. એટલે તેનાથી નહિ પહોંચી વળાય. હવે તમે જ કહો, અત્યારે સાવ છેલ્લી ઘડીએ જેની પાસે ગેસ બોટલનો સ્ટોક હોય તેવો નવો કેટરિંગવાળો ક્યાં શોધવા જવો?'
ભૂખડલાલને લાગ્યું કે તેમના કાન તહેરાન છે અને તેના પર ઈઝરાયેલે બોમ્બ ફેંક્યો છે. તેમણે અમેરિકા દ્વારા યુદ્ધ વિરામના સ્વર જેવી આજીજી કરી, 'સાવ આવું ન કરો પ્લીઝ. કાંઈ નહિ તો બધા મહેમાનોને રસની વાટકી સાથે સેન્ડવીચ ખવડાવી દેજો. બાકી બોલો કે લગ્નમાં જમણવાર જ ન હોય તો મહેમાન હાજરી આપીને કરે શું?'
'તે તમે ભોજન નહિ હોય તો વર-કન્યાને આશીર્વાદ આપવાય નહિ આવો?' યજમાને જરા ખીજાઈને પૂછ્યું.
માનસિક આઘાતથી ભૂખડલાલ તરત જ જવાબ ન આપી શક્યા. તરત જ યજમાને 'તો તમારી કંકોતરી જ સમૂળગી કેન્સલ સમજજો..' એવું કહી મૂકી દીધો.
ભૂખડલાલે પેટ પર હાથ રાખી પોક મૂકી.
આદમનું અડપલું
ઈઝરાયેલ-ઈરાન કરતાં પણ ભીષણ યુદ્ધ તો 'ધુરંધર' ફિલ્મના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે.


