- અગડમ્ બગડમ્-બાબા આદમ
- વાઘને મસિયાઈ ભાઈ સિંહની સલાહ: ગુજરાતમાં બધે ફરજે પણ ક્યાંય કોઈ પુલ પર ચઢતો નહીં!
રતનમહાલ બોર્ડરથી ગુજરાત વન્ય ગુ્રપમાં દાખલ થયેલા વાઘે મેસેજ નાખ્યો. 'સ્વાગત નહિ કરોગે હમારા?'
'હિંદી? વાંધો નહિ. અમારે અહીં ભાષાની બબાલ નથી. અહીં રહ્યા પછી આખી જિંદગી તમારે જે ભાષા બોલવી હોય તે બોલો,' ધાંગ્રધાથી ઘુડખર યાને જંગલી ગધેડાએ જવાબ આપ્યો.
વાઘ ચોંક્યો. 'હેં? ગધેડો? અને તે પણ જંગલી? સોરી, ગદર્ભભાઈ, પણ ગધેડા અને જંગલનો ક્યાંય મેળ બેસતો નથી.'
ઘુડખર કહે, 'માણસ સિવાય તમામ પ્રાણીઓનો જંગલમાં મેળ બેસે છે. ફક્ત માણસ અને જંગલનો જ મેળ બેસતો નથી. એટલે જ તો માણસ જંગલો કાપવા માંડયો છે.'
રતનમહાલના રીંછે જ દાંતિયું કર્યું. 'ઓય, જંગલી ગધેડા. તારે એક તો રણમાં રહેવું અને પર્યાવરણ પર લેક્ચર આપવું. એ બેય કેમ ચાલે?'
'ભઈ, એ તો રણમાં રહેતા હોય એને જ પર્યાવરણની કિંમત સમજાય,' ફરી જંગલી ગધેડાએ રોકડું પરખાવ્યું.
વાઘ નવાઈથી કહે, 'ઓહો, મને ખબર ન હતી કે ગુજરાતમાં ગધેડાઓને પણ રણ અને પર્યાવરણની આટલી બધી ખબર છે.'
ફરી જંગલી ગધેડાએ ડાયલોગ ફટકાર્યો. 'બિરાદર...ક્યારેક તો લાગે છે કે ગુજરાતમાં ફક્ત ગધેડાઓને જ રણ અને પર્યાવરણની આટલી ચિંતા છે.'
ત્યાં તો ગીરથી સિંહે ડણક ઈમોજી સાથે મેસેજ નાખ્યો. 'એલા, ખોટી વાતો કરો મા. ગુજરાતમાં બધે જંગલ અને મંગલ જ છે. એટલે તો જુઓ ને અમે બરડાથી માંડીને બોટાદ સુધી આંટા મારીએ છીએ. એક સલાહ આપું છું કે ટુરિસ્ટ એટ્રેક્શન બનવાના ચાળે ચઢતો નહિ. અમે અહીં પોઝ આપી આપીને કંટાળી ગયા છીએ.'
પાવાગઢ બાજુના દીપડાએ હેલ્લોના ઈમોજી સાથે પૂછ્યું, ' બંધુ સાચું કહો, ગુજરાત બાજુ આવવાનું અને અહીં વસી જવાનું કારણ શું?'
વાઘ કહે, 'એ તો અમે સાંભળ્યું છે કે ગુજરાતનો અતિશય વિકાસ થઈ ગયો છે, એટલે હું એ વિકાસ જોવા આવ્યો છું.'
સિંહ હાસ્ય સાથે કહે, 'હા ભાઈ, વિકાસ જોવા તું બધે હરજે-ફરજે પણ કોઈ પુલ પર ક્યાંય ચડતો નહિ, અહીંના બધા પુલ જરા રિસ્કી છે.'
વાઘે પૂછયું , 'ઓહો એવું છે? મારે તો ગિફ્ટ સિટી બાજુ જવું છે. સાંભળ્યું છે કે ત્યાં ગુજરાત બહારથી આવેલા માટે ખાસ વ્યવસ્થા છે? ત્યાં પહોંચવામાં કેટલા પુલ આવશે?'
મોડે મોડે પ્રગટ થયેલાં વેળાવદરના કાળિયારે સલાહ આપી, 'જોજે ભઈલા, ભૂલેચૂકે ગાંધીનગર બાજુ ભૂલો ન પડતો. ત્યાં ગમે તેવા વાઘને ખિસકોલી અને ગમે તેવા છછૂંદરને મગરમચ્છ બનાવી દે તેવા કુશળ જાદૂગરોનો ત્યાં કબીલો છે.'
ફટાફટ બધાં પ્રાણીઓએ અટ્ટહાસ્યનાં ઈમોજી મૂૂક્યાં. વાઘ મોઢું વકાસીને ગુ્રપ જોતો રહ્યો.
આદમનું અડપલું
જૂની કહેવત: વાઘને કોણ કહે કે તારું મોઢું ગંધાય
નવી કહેવત : ગિફ્ટ સિટીમાં કોણ કોને કહે કે તારું મોઢું ગંધાય.


