Get The App

એકતરફી પ્રેમવાળા માટે પણ એકાદો ડે રાખો

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
એકતરફી પ્રેમવાળા માટે પણ એકાદો ડે રાખો 1 - image

- અગડમ્ બગડમ્-બાબા આદમ

- દુનિયામાં વસતીની રીતે જોવા જાવ તો એકતરફી પ્રેમવાળાની જ બહુમતી છે 

પ્રેમજી : યાર, પ્રેમમાં આ બહુ ખોટું થાય છે. 

લવજી: દોસ્ત, એ બધી વાતો છોડી દે. પ્રેમ અને યુદ્ધમાં સાચુું-ખોટું બધું ચાલે. 

પ્રેમજી: ડિયર, હું પ્રેમ કરનારા  કાંઈ ખોટું કરે છે એમ નથી કહેતો. એ તો એમની રીતે સાચા જ હશે, પરંતુ મારું કહેવું છ ેકે આ પ્રેમવાળા, આઈ મીન, પ્રેમમાં પડેલા લોકો  માટે આખા વર્ષનો એક આખો દિવસ ફાળવી દેવામાં આવે એ ખોટું થાય છે. 

લવજી:  લ્યો, હું તો  ઉલ્ટાનું એવુું કહેવાનો હતો કે પ્રેમવાળા માટે આખા વર્ષમાં ફક્ત એક જ દિવસ હોય તે બહુ ખોટુું થાય છે. વર્ષના એક દિવસ પ્રેમ કરવાનો તો બાકીના ૩૬૪ દિવસ કાંઈ પ્રેમ વગર રહેવાનું? 

પ્રેમજી:  તમે યાર, મારી વાત આખી સમજો. પ્રેમવાળાને તો વર્ષમાં એક જ દિવસ મળે છે તેનું તમને લાગી આવે છે, પરંતુ હું તો કહુું છું કે જે લોકોને પ્રેમ નથી મળતો તેમને તો આ આખો દિવસ પણ કોઈ આપતું નથી. 

લવજી: એ તો એમ જ હોય. ન રહેગા બાંસ,  ન બજેગી બાંસુરી. પ્રેમ જ ન હોય તો પછી દિવસ પણ કેવો? 

પ્રેમજી: યાર, હું જેમની વાત કરું છું એમને પ્રેમ તો હોય છે, પરંતુ એમને એકલાને જ હોય છે. સામેવાળાને નથી હોતો. કેટલાયના પ્રેમ રિજેક્ટ થઈ જાય છે તો કેટલાક તો બિચારા પ્રેમ છે એવું કહી જ શકતા નથી.  આખી દુનિયામાં આવા એકતરફી પ્રેમવાળાની બહુમતી છે. હું તો કહું છું કે બોલો શરત લગાવો. દુનિયામાં  દર દસમાંથી બે બંને બાજુ પ્રેમવાળા હશે તો એની સામે સાત એક તરફી પ્રેમવાળા હશે. 

લવજી: બાકીના એકનું શું? 

પ્રેમજી: એ કાં તો કોઈ સાથે પ્રેમમાં નહીં હોય અને કાં તો એક કરતાં વધારે સાથે પ્રેમમાં હશે.

લવજી: તો તો આપણે એ લોકો માટે પણ એકાદો દિવસ શોધવો  પડશે ને? 

પ્રેમજી : અત્યારે તો એકપક્ષીવાળાનું નક્કી કરીએ. પછી એમનું જોયું જશે.

લવજી: પણ યાર, એક ટેકનિકલ લોચો છે. એકપક્ષીવાળા માટે કોઈ એક દિવસ નક્કી કરીએ તો પણ એ મનાવશે કઈ રીતે? એમના માટે તો ચોકલેટ, ફૂલ, ટેડીની આપ-લે  કરવાનો  કે કોઈ સાથે  પિક્ચર જોવા જવાનો  કોઈ સ્કોપ જ નથીને? એમણે શું ઘરે બેસીને આખો દિવસ સેડ સોંગ સાંભળવાના? 

પ્રેમજી:   થિન્ક આઉટ ઓફ ધ બોક્સ.. . આ દિવસે  ગામમાં કોઈ એક જગ્યાએ બધા ભેગા થઈને એકબીજાના ખભે માથું ંમૂકીને રડે તો કેવું? 

લવજી: યાર, ધારો કે એવી જગ્યાએ અગાઉ જેની સાથે પરણવાનું મન હતું તેની સાથે  નહિ પરણી  શકેલાં પતિ-પત્નીઓ ભેગાં થઈ જાય તો? 

પ્રેમજી: જવા દે યાર, બહુ રિસ્કી મામલો છે. આખો પ્લાન જ પડતો મૂકીએ. 

આદમનું અડપલું

પ્રેમલગ્ન કર્યા પછી છૂટા પડી ગયેલા માટે કોઈ ડે છે ખરો?