શિક્ષણ ચારિત્ર્ય નિર્માણનું કાર્ય કરે છે
ગુરુ ગોવિંદસિંહને શિષ્યે ચાંદીના પ્યાલામાં પાણી આપ્યું. ગુરુએ તેના હાથ તરફ જોઈ કહ્યું; 'બેટા, તારો હાથ બહુ કોમળ છે'. શિષ્યે કહ્યું 'કોમળ જ હોયને ગુરુજી! ઘરમાં નોકર-ચાકર છે. પિતાજીની પેઢી છે. કદી હાથથી કોઈ કામ કરવું જ નથી પડતું'. ગુરુ ગોવિંદસિંહે કહ્યું કે 'તો આ પાણી હું નહીં પીઉ, જે હાથ કામ કરતાં નથી અને માત્ર સુખ-સુવિધાઓ ભોગવ્યા કરે છે. તેને પવિત્ર કેમ કહેવાય?'
નૈતિકતાની નદી સમાજસાગરને ઊંડાઈ બક્ષી શકે છે. કોઈ પણ રાષ્ટ્રના ઉત્થાનનો આધાર તે રાષ્ટ્રની પ્રજાના ચારિત્ર્યના ચલચિત્ર પર રહેલો છે. પેપર ફૂટવાની ઘટના દેશભરના રાજ્યોમાં ઘણી વખત બનતી રહે છે. તાજેતરમાં ગુજરાતમાં પેપર ફૂટવાનો મુદ્દો ગાજ્યો હતો. પેપર નથી ફૂટયું, આપણી વધુ પડતી અપેક્ષાઓ ફૂટી છે. પેપર પહેલા ચારિત્ર્ય ફૂટે છે. પેપર ફૂટવા માટે માત્ર સરકાર જવાબદાર છે તેમ કહી છટકી જવું સહેલું છે. અબ્રાહમ લિંકને લોકશાહી વિશે ભાષણ આપતા કહેલું કે જે દેશની પ્રજા બધુ સરકાર જ કરશે તેમ કહી હાથ પર હાથ રાખી બેસી રહેશે તેવા દેશમાં લોકશાહી ક્યારેય સફળ થશે નહીં. સરકાર કરતા લોકોનો સહકાર મોટો શબ્દ છે.
પેપર ફોડનારનો કોઈ ધર્મ, જાતિ કે જ્ઞાાતિ હોતી નથી. અપેક્ષાઓનો બોજ, કોચિંગ ક્લાસની ફી, પરીક્ષાનો હાઉ અને સફળતાનો શોર્ટકટ અંતે કુવિચારના કારખાને લઇ જાય છે. શોર્ટ કટ હંમેશા લાંબો પડતો હોય છે. આવી દયનીય દુર્ઘટના સમાજના તમામ વર્ગ માટે ચિંતા અને ચિંતન કરતાનો વિષય છે. 'હેમલેટ' નાટકના એક સંવાદમાં રોઝેનક્રાંટઝ કહે છે કે 'દુનિયા પ્રામાણિક થઈ ગઈ છે' ત્યારે હેમલેટ કહે છે કે 'કયામતનો દિવસ નજીક છે' આપણી ભ્રષ્ટ વ્યવસ્થા પર શેકસપિયર ચચરાવી દે એવું ચાબુક મારે છે.
સારું છે કે આપણી પાસે પ્રેસ(અખબાર) છે જેથી ફૂટેલા પ્રેસને ઉઘાડા કરી શકીએ. 'પેપર ફૂટવાની ઘટનાના મૂળમાં આપણી શિક્ષણ વ્યવસ્થા છે', માર્કસની મેરેથોન અને રેન્કની રેસમાં આપણે માનવતાનું રેંકિંગ નીચે જઈ રહ્યું છે. શિક્ષણના વ્યાપની સાથે-સાથે ગુનાખોરીનો ગ્રાફ પણ એટલો જ વધ્યો છે. ભૌતિકતાની ભાગદોડમાં 'સફળતા એ જ અંતિમ પડાવ છે' તેમ આપણે માની લીધું છે. 'ભણવું એટલે સરકારી નોકરી' એ માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. ભણેલો માણસ ધંધો પણ ઉત્તમ કરી શકે છે.
'વિદ્યાર્થી ચેત્ ત્યજેત્ સુખમ્' સુખ અને સુવિધા સાથેના આધુનિક શિક્ષણમાં મૂલ્યોને ક્યાંય સ્થાન છે ખરું ? ટેસ્ટમાં કરતાં ટ્વેન્ટી-ટ્વેન્ટીમાં વધુ રસ ધરાવતા યુવાનોને પલાંઠીના પ્રવાસો વિશે કેમ સમજાવવું ? સેન્સેકસમાં ચઢાવ-ઉતારની, ભાવોમાં વધઘટની જાહેરમાં ચિંતા કરતાં આપણે સૌએ નૈતિક મૂલ્યોના ઇંડેક્સ અંગે ચર્ચા કરતાં નથી. તેથી જ નાની પાલખીવાલા યુનિવસટીની સ્થિતિ જોઈને બોલેલા, 'આપણે નૈતિક્તામાં નિરક્ષરો પેદા કરીએ છીએ'. આખી વ્યવસ્થામાં વ્યામોહનાં વાદળો છવાયેલાં છે. 'મનમેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ' હવે શાળાની પ્રાર્થના સભામાં પણ નથી ગવાતું. 'વિદ્યા ધનં સર્વ ધનં પ્રધાનમ' હવે માત્ર નિશાળના પાટિયા પર જ વંચાય છે.
ઘણાને મોટી ઉંમરે પણ પરીક્ષાના સપનાં આવતાં હોય છે. એનું કારણ વિદ્યાર્થી અવસ્થા દરમિયાન પરીક્ષાનો 'હાઉ' એવો હોય છે કે એ કેવી રીતે (ર્લ્લુ)દૂર કરવો એ ૧૦૦ માર્કનો પ્રશ્ન છે. 'પરીક્ષા ન હોય તો...' આ વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવે તો દરેક વિદ્યાર્થીનો પ્રથમ નંબર આવે. વાંચીને કંટાળેલો વિધાર્થી ફ્રેશ થવા ટીવી ચાલુ કરે ત્યાં અમરીશપુરી જેવા પિતા પ્રગટ થાય 'તારે હજુ જિંદગી બનાવવાની છે' એમ કહી ટીવી બંધ કરે. 'પરીક્ષા પહાડ નથી પીંછુ છે' એમ સમજાવી વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાથી પરિણામમાં બહુ મોટો ફર્ક આવશે. આજકાલ તો વિદ્યાર્થી કરતા શિક્ષકની પરીક્ષા વધારે હોય છે કે આ બધા 'હોશિયાર'ને પાસ કેમ કરવા? પરીક્ષાની ચિંતા વિદ્યાર્થી કરતા વાલીઓને વધુ હોય છે.
સાંદીપનિના આશ્રમથી શરુ થયેલ સ્વૈચ્છિક શિક્ષણ પ્રણાલી કોન્વેટિયા કલ્ચરમાં સફળ થાય? એકવાર પ્રાથમિક શાળાના બાળકને પૂછવામાં આવ્યું કે 'સ્કૂલમાં સૌથી વધુ શું ગમે?' તો તરત જવાબ મળેલો. 'વેકેશન'. સ્વતંત્રતાના ૭૫ વર્ષો પછી પણ દરેક વાલીએ બાળકના ૭૫ ટકા પાછળ દેખીતી દોટ મૂકી છે અને હવે એ દોટ ૮૫-૯૦ ટકાએ પણ અટકતી નથી.
આજે જીવનના બે દાયકા સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી નથી એ રોજગારીને લાયક કે નથી લાયકને લાયક. માત્ર ઉંમરલાયક છે. તેથી જ ભણતર કે શિક્ષણ કરતા 'કેળવવું' શબ્દ જુદો પડે છે. ટોલ્સટોયને કોઈએ લોખંડનો ટુકડો બતાવીને પૂછેલું કે આની કિંમત કેટલી? ટોલ્સટોયે મામક જવાબ આપેલો, 'તમે તેને કઈ રીતે કેળવો છો, તેના પર તેની કિંમત નક્કી થાય. આમ તો આના આઠ આના ઉપજે. નાની-નાની સોય બનાવો તો થોડું વધારે ઉપજે. ઘડિયાળના ઝીણા સ્પેરપાર્ટસ બનાવો તો ઘણું વધારે ઉપજે.' આજના યુવાનોને કેળવવામાં આપણે ક્યાંક ઉણા ઉતર્યા હોય તેમ લાગે છે.
આપણી ગુરુકુળ પરંપરામાં કૌશલ્યની સાથે-સાથે મનુષ્યને ઉત્તમ મનુષ્ય કેમ બનાવી શકાય તેનું વિશેષ મહત્વ હતું. સ્વામી વિવેકાનંદ શિક્ષણની વ્યાખ્યા આપતા કહે છે ‘Man making and Character Building’. નૂતન શિક્ષણનીતિએ આ માટે આશાનું કિરણ છે. આ નીતિથી ભારતમાં ખોવાયેલા નચિકેતા, વિવેકાનંદ અને કલામ આપણને પાછા મળશે?
- ડૉ. જયેન્દ્રસિંહ જાદવ
લાસ્ટ બેંચ
અભિમાનથી માણસ ફૂલાઈ શકે પણ ફેલાઈ નથી શકતો.
-રસ્કિન
એનિડ બ્લાઈટન: જેમનું બાળસાહિત્ય 90 ભાષામાં પ્રસિદ્ધ થયું છે
એનિડ બ્લાઈટનનો જન્મ ૧૧ ઓગસ્ટ, ૧૮૯૭ના રોજ લંડનમાં થયો હતો. આ મહિલા લેખિકા તેમનાં બાળસાહિત્યના સર્જનના કારણે દુનિયાભરમાં વિખ્યાત છે. 'ચાઈલ્ડ વિસ્પર્સ' નામનું ૨૪ પાનાનું કવિતાનું નાનકડું પુસ્તક લખીને તેમણે ૧૯૨૨માં બાળસાહિત્યસર્જનની શરૂઆત કરી હતી. શિક્ષક તરીકે પણ તેઓ સક્રિય રહ્યાં હતાં અને પ્લેસ્કૂલ ચલાવતા હતા. એ સમયગાળામાં જ તેમને બાળકો માટે સાહિત્ય સર્જવાનો વિચાર આવ્યો હતો. ૧૯૩૦ના દશકાથી તેમનું બાળસાહિત્ય વિશ્વભરમાં બેસ્ટસેલર છે. તેમનાં પુસ્તકોની ૬૦ કરોડ કરતાં વધુ નકલો વેંચાઈ છે. તેમનું બાળસાહિત્ય વિશ્વની ૯૦ ભાષામાં પ્રસિદ્ધ થયું છે.
૨૦૧૮માં એક સર્વેક્ષણમાં જણાયું હતું એ પ્રમાણે એનિડ બ્લાઈટન દુનિયાના મોસ્ટ ટ્રાન્સટેડેટ ઓથરની યાદીમાં ચોથા ક્રમે હતાં. એજ્યુકેશન, રહસ્યકથાઓ, કાલ્પનિકકથાઓ, ચરિત્રલેખન સહિતના ક્ષેત્રે તેમણે વિશાળ લેખન કર્યું છે. સાહસકથા ફેમસ ફાઈવ, ધ ફાઈવ ફાઈન્ડ આઉટર્સ, મેલોરી ટાવર્સ જેવા પુસ્તકો આજેય એટલા જ લોકપ્રિય છે. તેમને એવી લોકપ્રિયતા મળી હતી કે એક વર્ષમાં ૫૦ પુસ્તકો પ્રસિદ્ધ થયાનો રેકોર્ડ પણ નોંધાયો હતો. સામાયિકો અને અખબારોનું લેખન તો અલગ! એનિડના નામે ૭૦૦ પુસ્તકોનું સર્જન બોલે છે. જોકે, આટલું જથ્થાબંધ લખવાના કારણે કેટલાક ટીકાકારોએ તેમની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા. કેટલાક વિવેચકો તેમની સાહસકથાઓમાં સમાનતા શોધી કાઢતા હતા.
એનિડ પર સંશોધનો કરનારા સંશોધકોએ શોધી કાઢ્યું છે કે તેમણે ત્રણ દશકા સુધી દરરોજ સરેરાશ ૧૦,૦૦૦ શબ્દોનું સર્જન કર્યું હતું. તેમના વિપુલ સર્જન પછી એ ગાળામાં તેમના વિરોધીઓએ એવી પણ અફવા ફેલાવી હતી કે એનિડે 'ઘોસ્ટ રાઈટર્સ'ની ટીમને નોકરીએ રાખી છે. એ બધી અટકળો, આરોપો, અફવાઓ વચ્ચે હકીકત એ છે કે તેઓ સૌથી આજેય વધુ વંચાતા અને વેંચાતા બાળસાહિત્યકાર છે.
તેઓ હળવીશૈલીમાં શિક્ષણ આપવાના હિમાયતી હતાં તેમણે પ્લેસ્કૂલમાં એવા પ્રયોગો કર્યા હતા. ૧૯૫૨માં તેમણે 'ધ સ્ટોરી ઓફ માય લાઈફ' નામની આત્મકથા લખી હતી. તેમણે તેમનાં બાળસાહિત્યસર્જન માટે લખ્યું છે: 'મારી અંદર એક સિનેમા સ્ક્રીન છે. એ હું સતત જોતી રહું છું. એ જોઈને હું લખતી રહું છું'.