Get The App

બજારની વાત .

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
બજારની વાત                          . 1 - image

ભારતમાં શિક્ષણનો ડી માર્ટ

ભારતમાં કિન્ડરગાર્ડન ટુ ધોરણ ૧૨ સુધીના શિક્ષણની ઇકો સિસ્ટમ ઉભી કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે. જેમાં ડિજીટલ ફર્સ્ટ સાથેનું પરવડે એવું શિક્ષણ તેમજ ભારતની કોચિંગ સિસ્ટમમાં ઓછા સમયના નવા કોર્સ તૈયાર કરવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અલગ પ્લેટફોર્મ તૈયાર કરવું, રાજ્યના બોર્ડ તેમજ પ્રાદેશિક ભાષાઓનું શિક્ષણ વગેરેમાં આમૂલ પરિવર્તનનો પ્રયાસ કરશે. હાલમાં જે ઉંચી ફી, કોટા સ્ટાઇલનું ટેન્શન વાળું શિક્ષણ તેમજ રેન્કનું માર્કેટીંગ વગેરે બિન ઉપયોગી સાબિત થયા છે. કેટલીક પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ હવે વિનામૂલ્યે યુ ટયુબ વિડીયો તેમજ અન્ય પરવડે તેવા અભ્યાસક્રમો પર ભાર મુકશે.

બજારની વાત                          . 2 - image

રાજસ્થાનમાં બે લાખ ઘરોમાં રૂફ ટોપ સોલાર 

રાજસ્થાન સરકારે PMSG નામે ઓળખાતી પ્રાઇમ મિનિસ્ટર  સૂર્યઘર મુફ્ત વિજળી યોજના હેઠળ બે લાખ ઘરોમાં રૂફ ટોપ સોલાર પ્લાન્ટ ઉભા કર્યા છે. ૨૬ મહિના પહેલાં ઉભી કરાયેલી યોજના રાજસ્થાનમાં લોકોને ઉપયોગી બની છે. જેમાં ભારત સરકાર રૂપિયા ૭૮,૦૦૦ સબસીડી આપે છે જ્યારે ૧૭,૦૦૦ રાજ્ય સરકાર સહાય કરે છે. અહેવાલો અનુસાર એપ્રિલ મહિનામાં ૨૨,૮૨૨ જેટલા સોલાર પ્લાન્ટ ઈનસ્ટોલ કરાયા હતા. સ્કીમ હેઠળ રાજસ્થાનના જયપુર જીલ્લામાં સૌથી વધુ ઇન્સટોલેશન થયા છે. PMSG હેઠળ રાજસ્થાન પાંચમાં નંબરે આવે છે.ગુજરાતમાં ૬,૬૧,૦૦૦, મહારાષ્ટ્રમાં ૫,૬૯,૦૦૦, ઉત્તરપ્રદેશમાં ૫,૨૫,૦૦૦ અને કેરળમાં ૨,૩૯૦૦૦ ઇન્સટોલેશન કરાયા છે.

બજારની વાત                          . 3 - image

બ્લ્યૂ કોલર જોબ હંમેશા સારી કમાણી આપે છે

 કેનેડામાં બેકારી છે અને લોકો પાછા ફરવા માંગે છે તે વાતનો છેદ ઉડાડતો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક ભારતીય એમ કહે છે કે વ્હાઇટ કોલર જોબના ધાંધીયા છે પણ બ્લયૂ કોલર જોબમાં (થોડી મજૂરી વાળી)તગડા પૈસા મળે છે. ઇન્સટાગ્રામ પર મુકેલા વિડીયોમાં એક ભારતીયને એમ કહેતા દર્શાવ્યો છે કે મને અહીં ઝાડને ટ્રીમ કરવાના એટલેકે ડાળખા કાપવાના એક કલાકમાં ૪૯,૦૦૦ રૂપિયા મળે છે. વિશાલ નામની વ્યક્તિએ મુકેલા વિડીયોથી ઘણાને આશ્ચર્ય થયું હતું. તેણે લખ્યું હતું કે કોણ કહે છે કેનેડામાં પૈસા નથી? તેને કલાકના ૪૯,૦૦૦ મળે તો તે મહિનાના કેટલા કમાતો હશે? તે કહે છેકે ઝાડ કાપવા કે ટ્રીમ કરવા માટે સ્કીલ જોઇએ. તેના માટે સ્પેશ્યલ સાધનો પણ જોઇએ. બ્લ્યૂ કોલર જોબ હંમેશા સારૂં કમાવી આપે છે.

બજારની વાત                          . 4 - image

સિનીયરો માટે ડબલ ઓટીપી સિસ્ટમ

 ઓન લાઇન ફ્રોડ અને ડિજીટલ એરેસ્ટ વગેરેમાં ૬૦ વર્ષની ઉપરના લોકો વધુ ફસાતા હોય છે. સાયબર ક્રિમિનલ તેમને આસાનીથી  ટાર્ગેટ બનાવી શકે છે. કેટલાક કેસમાં તેમને ધમકાવીને પણ ફ્રોડ કરાય છે. હવે તેમની વ્હારે એચડીએફસી  બેંક નવા આઇડયા લઇને આવી છે. બેંકે ડબલ ઓટીપી સિસ્ટમ અમલી બનાવવા વિચાર્યું છે. આ સિસ્ટમ હેઠળ સિનિયર સિટીઝન અને તેમના સંતાન કે નજીકના ભરોસાપાત્ર વ્યક્તિ એમ બંનેને ઓટીપી મળશે. ગુરૂગ્રામ અને ફરીદાબાદની બેંકે તેનો અમલ શરૂ કર્યો છે. હવે જ્યારે ડબલ ઓટીપી વેરીફીકેશ થાય તોજ બેકમાંથી પૈસા ટ્રાન્સફર થાય. ફ્રોડ કરનારા તરતજ પકડાઇ શકે છે અને પૈસાની ઉઠાંતરીમાંથી  બચી શકાય છે.

બજારની વાત                          . 5 - image

એમેઝોન અને ટીકાકારો 

 એમેઝોનના ફાઉન્ડર જેફ બિસોઝે નવોદિત ઉદ્યોગ સાહસિકોને સંબોધીને બહુ સરસ વાત કરી હતી. દરેકને આ વાત લાગુ પડે છે. એમેઝોન એ વિશ્વમાં સૌથી વધુ આવક કરતી કંપની છે. ગુુગલ બીજા નંબરે આવે છે.તેમણે કહ્યું છે કે જો તમે ટીકાકારોને સહન ના કરી શકો તો કંઇજ નવું કે રસપ્રદ વસ્તુ ના કરો. આ વાત કોઇને નિરાશ કરવા માટે નથી પણ તેની પાછળનો મર્મ સમજવાની જરૂર છે. તે કહે છેકે સામાન્ય રીતેે એવું બને છે કે જ્યારે તમે કંઇક નવું કરવા મથો છો અથવાતો જે ચીજ બજારમાં છે એવીજ ચીજ તૈયાર કરો છો તો ટીકા કરનારા મેેદાનમાં આવી જાય છે. કોઇ પણ નવા આઇડયાને પહેલા ધડાકે કોઇ સ્વિકારતું નથી. પહેલાં લોકો તેની મશ્કરી કરે છે, શંકાથી જુવે છે. ત્યારે જો તમે ડરી જાવ તો હતાશ થઇ જશો અને નવા વિચાર નહીં આવે માટે ટીકાઓને પચાવતા શીખવું પડશે.

બજારની વાત                          . 6 - image

2035માં મેડટેકનો બિઝનેસ 83 અબજ પર પહોંચશે

ગ્લોબલ મેડિકલ ડિવાઇસને મેડ ટેક તરીકે ઓળખવામાં આવે છે. ભારત મેડટેક સાથે સંકળાયેલા ઉપકરણો અને સાધનો બનાવે છે. ભારતના મેડટેકનો વિદેશના કોન્ટ્રાક્ટ પણ મળવા લાગ્યા છે. ભારતમાં મેડટેકની ડિમાન્ડ ૨૦૨૨માં ૨૨ટકા હતી તે ૨૦૨૫માં વધીને ૪૫ ટકા પર પહોંચી ગઇ છે. ૨૦૩૫ સુધીમાં ભારતની મેડિકલ ડિવાઇસ બનાવતી કંપનીઓને ૭ અબજ ડોલરના કોન્ટ્રાક્ટ મળે એવી સંભાવના છે. એક અહેવાલ અનુસાર હાલમાં મેડટેકનું માર્કેટ ૨૦ અબજ ડોલરનું છે જે ૨૦૩૫ સુધીમાં વધીને ૮૩ અબજ ડોલર પર પહોંચવાની ધારણા છે. હવે જ્યારે યુ.કે અને ન્યૂઝિલેન્ડ તેમજ ઓમાન સાથે ફ્રી ટ્રે્રેડ એગ્રીમેન્ટ થયા છે ત્યારે મેડટેકની ડિમાન્ડ પણ વધશે.