અમદાવાદ, રવિવાર
શહેરના હેબતપુરમાં બની રહેલી બિનોરી એરીસ્ટોલા નામની કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિકના મોત મામલે બોડકદેવ પોલીસે સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ બેદરકારીનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. જેમાં સાઇટ પર સેફ્ટી નેટ લગાવવામાં આવી નહોતી તેમજ સેફ્ટી બેલ્ટ પર આપ્યો નહોતો.
હેબતપુર શીલજ રોડ પર બની રહેલી બિનોરી એરીસ્ટોલા નામના સાઇટ પર ૨૩ વર્ષનો યુવક અનીલ નિનામા (રહે. બાંસવાડા, રાજસ્થાન) શ્રમિક તરીકે કામ કરતો હતો. થોડા મહિના પહેલા સાઇટના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં પ્લાન્ટેશનની જગ્યા પર વોટર પ્રુફીંગનું કામ કરતો હતો. ત્યારે પગ લપસતા નીચે પટકાયો હતો. જેમાં તેને માથામાં ગંભીર ઇજા થતા મોત નીપજ્યું હતું. આ અંગે બોડકદેવ પોલીસે તે સમયે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે લેબર કોન્ટ્રાક્ટર લક્ષ્મણ મકવાણા, મુખ્ય કોન્ટ્રાક્ટર ચિરાગ પટેલ , વિષ્ણુ શર્મા અને ત્યાં કામ કરતા હાર્દિક નામના વ્યક્તિએ બેદરકારી દાખવીને સાઇટ પર સેફ્ટી નેટ લગાવી નહોતી. તેમજ અનીલ નિનામાને સેફ્ટી બેલ્ટ પણ આપ્યો નહોતો. જેના કારણે નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. જેથી આ અંગે બોડકદેવ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.


