Get The App

પ.બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં હિંસાચાર અને મમતાનો અહમ્..

Updated: Jun 21st, 2023

GS TEAM

Google News
Google News
પ.બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં  હિંસાચાર અને મમતાનો અહમ્.. 1 - image

- ચૂંટણીની મત ગણતરી 11 જુલાઇએ છે

- પ.બંગાળ કોંગ્રેસના લોકો મમતાના તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાવા તૈયાર નથી

પશ્ચિમ બંગાળમાં પંચાયતી ચૂંટણીઓ વિધાનસભાની જેમ લડાઇ રહી છે. તૃણમૂલ કોંગ્રેસ પોતાની પકડ વધુ મજબૂત બનાવવા માંગે છે. બીજી તરફ ભાજપ પણ પોતાની પકડને વિસ્તારવા મથે છે. પ.બંગાળમાં ચૂંટણી અને હિંસાચાર સાથે જોવા મળે તેમાં નવી વાત નથી. હાઇકોર્ટે ભય મુક્ત ચૂંટણીઓ થાય એટલે અર્ધ લશ્કર દળો મુકવાનો આદેશ કર્યો છે તેની સામે મુખ્યપ્રધાન મમતા બેનરજી અને રાજ્યનું ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટમાં ગયા છે.

પંચાયતની ચૂંટણીમાં ઉભા રહેવા માંગતા લોકોને ફોર્મ ભરતા અટકાવાયા હતા અને તૃણમૂલના કાર્યકરો જાહેરમાં દંડાવાળી કરતા હોય એવા વિડીયો ફરતા થયા હતા. પોતાના રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંતોષ કારક છે એવું સાબિત કરવા મમતા બેનરજી પ્રયાસ કરે છે પરંતુ દેશના લોકો તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોની દાદાગીરીના અહેવાલો વારંવાર વાંચતા આવ્યા છે અને મમતાની પોલીસ મૂક પ્રક્ષક બનીને જોયા કરે છે તે પણ જોયું છે.

૨૩ જુને વિપક્ષના નેતાઓ પટણા ખાતે મળીને ૨૦૨૪ના જંગનો સામનો કરવા જોડાણ માટે વિચારી રહ્યા છે ત્યારે મમતા કેન્દ્ર સાથે ટકરાઇને પોતાનો પક્ષ અને પ્રભાવ મજબૂત કરવા માંગે છે. મમતાને વાધો એ છે કે વિપક્ષની બેઠકમાં બધાએે એક થઇને મોદી સામે કેવી રીતે લડવું તેનો પ્લાન કરાશે પરંતુ પ.બંગાળમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સામ સામે છે.પ.બંગાળ કોંગ્રેસના લોકો મમતાના તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાવા તૈયાર નથી.

પંચાયતની ચૂંટણીઓમાં શરૂ થયેલી હિંસામાં ચાર લોકો મોતને ભેટયા છે.ઢગલા બંધ હાથબોંબ મળી આવ્યા છે અને તોફાનીઓ પોલીસને નહીં ગાંઠતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં ફોર્મ ભરવાના છે તે સ્થળો પર તૃણમૂલના કાર્યકરો  દંડાવાળી કરતા હતા અને ફોર્મ ભરવા આવનારને મારીને ભગાડી દેતા હતા. દરેક પક્ષના કાર્યકરો પોતાનું જોર બતાવતા હતા. મુર્શીદાબાદમાં તૃણમૂલકોંગ્રેસનો કાર્યકર ઉમેદવારી ફોર્મ ભરીને આવતો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો જેમાં તેનું મોત થયું હતું.

ચૂંટણીમાં હિંસાચાર જોઇને ભાજપ અને કોંગ્રેસ એમ બંનેએ રાજ્યમાં કેન્દ્રીય રક્ષક દળો ગોઠવવા માંગણી  કરી હતી. બંને પક્ષો કોલકત્તા હાઇ કોર્ટમાં ગયા હતા અને કોર્ટે મતદાન સુધી કેન્દ્રીય રક્ષકદળો ગોઠવવાની માંગને સ્વિકારી હતી. તેના કારણે તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા અસામાજીક તત્વોની મનમાની અટકી હતી. તેમનો મતદાન સમયે દાદાગીરી કરવાનો પ્લાન પણ નિષ્ફળ જાય એમ હોઇ તૃણમૂલ કોંગ્રેસ અને રાજ્યના ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી પંચને દરમ્યાનગીરી કરવા કહ્યું છે તે દરમ્યાન મમતા બેનરજી અને રાજયનું ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટમાં ગયા છે અને કહ્યું છે કે હાઇકોર્ટના ઓર્ડરને રદ્દ કરો.

બીજી તરફ હાઇકોર્ટના ઓર્ડર પ્રમાણે પ.બંગાળમાં તોફાન ગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય રક્ષક દળોને ગોઠવી દીધા છે. ૮ જુલાઇના રોજ થયેલી હિંસાના પગલે હાઇકોર્ટે ઓર્ડર કર્યો હતો. બીજી તરફ ઉમેદવારી પત્ર ભરવા જનારને ફટકારવાનું ચાલું રહ્યું હતું. ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઇ(એમ)એ સંયુકત રીતે રજૂઆત કરી હતીકે તૃણમૂલ કોંગ્રેસ દાદાગીરી કરીને કોઇને ઉમેદવારી પત્ર ભરવા દેતી નથી. કેટલાક વિસ્તારોમાં સામ સામે પથ્થરમારો નથી થતો પણ સામ સામે પેટ્રોલ બોંબનો ઉપયોગ થાય છે. ચૂંટણીની મત ગણત્રી ૧૧ જુલાઇએ છે.ત્યાં સુધી પ.બંગાળમાં સત્તા મેળવવા હિંસાચાર જોવા મળી શકે છે.