- નવી ટેકનોલોજીમાં ડેટાની જાળવણી અને રક્ષણની ખાતરી અતિ આવશ્યક
- એઆઈ ત્યારે જ શક્તિશાળી સાબિત થઈ શકે છે જ્યારે તે વધુને વધુ ડેટા મેળવી શકે છે. જેટલા વધુ ડેટા તેની પાસે હશે તેટલું જ સારુ પરિણામ એઆઈ પૂરું પાડી શકે છે. કોઈપણ પ્રકારના મોડેલ્સ, ટુલ્સ કે પછી એલ્ગોરિધમની કામગીરી જંગી ડેટા પર જ અવલંબે છે
- એઆઈના વિકાસનો મુખ્ય આધાર ઊંચી ગુણવત્તા, વૈવિધ્યસભર તથા સુસંગત ડેટા પર રહેલો છે, પરંતુ ભારતમાં ભાષાકીય, સાંસ્કૃતિક અને ભૌગોલિક વૈવિધ્યતાને પરિણામે ડેટા એકઠા કરવાનું તથા તેને પ્રોસેસ કરવાની કામગીરી પડકારરૂપ રહેલી છે
- એઆઈ ટેકનોલોજી ક્ષેત્રે ભારતને એક ઊભરતી બજાર તરીકે જોવાઈ રહ્યું છે પરંતુ એઆઈ માટે જરૂરી માળખાની દ્રષ્ટિએ અમેરિકા તથા ચીનની તુલનાએ ભારત હજુ પાછળ હોવાનું કહેવાય છે
વર્તમાન વર્ષમાં દેશમાં આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજી ક્ષેત્રની આવક ૨૮૦ અબજ ડોલરને પાર કરી જવાની ધારણાં રાખવામાં આવી રહી છે. આટલા જંગી વેપાર કદ સાથે વિશ્વમાં ભારત એઆઈ મથક બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં ટેકનોલોજી તથા એઆઈ ક્ષેત્ર સાથે ૬૦ લાખ જેટલા લોકો સંકળાયેલા છે એટલુ જ નહીં ભારત ૧૮૦૦ જેટલા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) ધરાવે છે. જો કે એઆઈના સ્થિર વિકાસ માટે ચીપ્સ, ડીસ્ક જેવા સ્ટોરેજ માળખા, વીજ તથા પાણીની ઉપલબ્ધતા, ટેકનોલોજીના જાણકાર કર્મચારીબળ વગેરે પ્રાથમિક આવશ્યકતા રહેલી છે. ડેટાના સ્ટોરેજ માટે પરવડી શકે તેવી અને ટકાઉ હાર્ડ ડિસ્ક ડ્રાઈવની ઉપલબ્ધતા જરૂરી છે જે એઆઈના રાષ્ટ્રીય સ્તર સુધી ઉપયોગનો માર્ગ મોકળો કરી શકે છે, એમ એઆઈ ક્ષેત્રના આગેવાને મત વ્યકત કરતા જણાવ્યું હતું. માત્ર ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટસ જ નહીં પરંતુ વ્યાપક સ્ટોરેજ ક્ષમતા પણ એઆઈ ટેકનોલોજીના વપરાશ માટે પ્રથમ આવશ્યકતાઓમાંની એક છે.
એઆઈ ત્યારે જ શક્તિશાળી સાબિત થઈ શકે છે જ્યારે તે વધુને વધુ ડેટા મેળવી શકે છે. જેટલા વધુ ડેટા તેની પાસે હશે તેટલું જ સારુ પરિણામ એઆઈ પૂરું પાડી શકે છે. કોઈપણ પ્રકારના મોડેલ્સ, ટુલ્સ કે પછી એલ્ગોરિધમની કામગીરી જંગી ડેટા પર જ અવલંબે છે. ઉપલબ્ધ ડેટાના સલામત વપરાશ માટે સ્ટોરેજ ક્ષમતા એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવની ભૂમિકા મહત્વની બની રહે છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૯માં ડેટા જનરેશનનું વાર્ષિક વોલ્યુમ બમણાથી વધુ થઈને ૫૨૭.૫૦ ઝેટ્ટાબાયટ્સ પહોંચવા ધારણાં છે જે માટે મજબૂત અને વિશ્વસ્નિય સ્ટોરેજ વ્યવસ્થા જરૂરી બની રહેશે. ભારતના ઈલેકટ્રોનિકસ તથા ઈનફરમેશન ટેકનોલોજી મંત્રાલયના અંદાજ પ્રમાણે દેશમાં એઆઈનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેને જોતા ૧૦૦૦૦૦ જીપીયુની આવશ્યકતા ઊભી થશે પરંતુ કોમ્પ્યુટિંગ શક્તિ ત્યારે જ મજબૂત બની રહેશે જ્યારે તેમાં સ્ટોરેજ ક્ષમતા પણ જોરદાર હશે.
વિશાળ એઆઈ તાલીમ ડેટા સેટસ, કૃત્રિમ ડેટા તથા અનુમાનિત પરિણામ મેળવવા આવશ્યક સ્તરની ક્ષમતા તથા કામગીરી પ્રદાન કરવા એચડીડી કાર્યક્ષમ હોય છે, માટે જ એઆઈના વર્તમાન યુગમાં તે અનિવાર્ય બની રહી છે. વિશ્વભરમાં ડેટા સેન્ટર્સનો જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલી જ તેની લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા સામે પણ આશંકાઓ સેવાઈ રહી છે. કારણ કે જંગી ડેટા સેન્ટરો માટે વ્યાપક માત્રામાં વીજળી અને પાણીની આવશ્યકતા રહે છે. આ સેન્ટરોને કુલિંગ માટે વર્ષેદહાડે અબજો લિટર પાણીની જરૂરત રહે છે. ડેટા સેન્ટરની વીજ માગ આગામી પાંચ વર્ષમાં વીજની એકંદર વૈશ્વિક માગના ૩-૪ ટકા પહોંચી જશે જે ૨૦૨૩માં ૧-૨ ટકા હતી.
જાણકારોની વાત માનીએ તો એઆઈ ટેકનોલોજી જ્યાં વીજની જંગી માગ રહે છે ત્યાં કાર્યક્ષમ એચડીડી વીજના વપરાશમાં બચત કરાવે છે જેથી કંપનીઓ જ્યાં ઊંચો વીજ વપરાશ એક ચિંતાની બાબત હોય છે ત્યાં તેમના કામકાજ પાછળના ખર્ચમાં બચત થવા પામે છે. એઆઈ માળખામાં જ્યાં ડેટામાં વધારો થતો જાય છે ત્યાં એચડીડી તેને સંગ્રહ કરવાની અને જાળવવાની પોતાની કામગીરી પાર પાડે છે.
એઆઈ ટેકનોલોજી ક્ષેત્રે ભારતને એક ઊભરતી બજાર તરીકે જોવાઈ રહ્યું છે પરંતુ એઆઈ માટે જરૂરી માળખાની દ્રષ્ટિએ અમેરિકા તથા ચીનની તુલનાએ ભારત હજુ પાછળ હોવાનું કહેવાય છે. વ્યાપક આઈટી ટેલેન્ટ, ૩૦૦૦ એઆઈ સ્ટાર્ટઅપ્સની હાજરી તથા મજબૂત આઈટી કંપનીઓ એઆઈ ક્ષેત્રે ભારતનું એક પોઝિટિવ પાસુ છે અને આ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા સરકાર તરફથી પહેલ પણ કરવામાં આવી રહી છે, ત્યારે એઆઈ માટે ડેટાના પ્રોટેકશનની ખાતરી સાથેના આવશ્યક માળખા ઊભા કરવાની બાબતને ભારતમાં પ્રાધાન્યતા મળી રહે તે જરૂરી હોવાનો ઉદ્યોગમાં મત પ્રવર્તી રહ્યો છે.
મર્યાદિત કોમ્પ્યુટિંગ પાવર, ડેટા સ્ટોરેજ તથા હાઈસ્પીડ ઈન્ટરનેટ કનેકટિવિટીનો અભાવ ભારતમાં એઆઈ ટેકનોલોજીના વિકાસ સામે પડકારરૂપ બની રહ્યા છે. આ હકીકતને ધ્યાનમાં રાખી મોટી ક્ષમતા સાથેના કોમ્પ્યુટિંગ માળખા, ડેટા સેન્ટર્સ , એચડીડીની ઉપલબ્ધતા તથા ઈન્ટરનેટ જોડાણમાં ઝડપથી સુધારા કરવા પર હિસ્સેદારો દ્વારા ભાર અપાઈ રહ્યો છે.
એઆઈના વિકાસનો મુખ્ય આધાર ઊંચી ગુણવત્તા, વૈવિધ્યસભર તથા સુસંગત ડેટા પર રહેલો છે, પરંતુ ભારતમાં ભાષાકીય, સાંસ્કૃતિક અને ભૌગોલિક વૈવિધ્યતાને પરિણામે ડેટા એકઠા કરવાનું તથા તેને પ્રોસેસ કરવાની કામગીરી પડકારરૂપ રહેલી છે. માળખાના અભાવે એઆઈ ટૂલ્સ તથા સોલ્યુશન્સના વિકાસકો સામે નવીનતા પૂરી પાડવાનું જોખમરૂપ બની રહ્યું છે. ડેટાના રક્ષણ તથા જવાબદારી જેવી એઆઈ સંબંધિત ચિંતાઓને દૂર કરવા મજબૂત માળખાની આવશ્યકતા હોવાનો મત પ્રવર્તી રહ્યો છે, જેથી એઆઈ ટેકનોલોજીના ઝડપી વિકાસ તથા વપરાશનો માર્ગ મોકળો બની શકે. વિશ્વની અનેક કંપનીઓ ભારતમાં એઆઈ ક્ષેત્રમાં પોતાની હાજરી વધારવા માગે છે ત્યારે આવનારા મહિનાઓમાં ભારત એઆઈ માળખામાં સજ્જ રહે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. સ્પર્ધાત્મક બનવા માટે ભારતે એઆઈ સંચાલિત આઈટી અને જીપીયુ આધારિત માળખા તથા ઊભા કરવાના રહેશે.
ભારતની એઆઈ મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા એચડીડી મહત્વની ભૂમિકા ભજવે છે અને તે પણ માત્ર ડેટા સ્ટોરેજ યંત્ર તરીકે જ નહીં પરંતુ દેશના વધી રહેલા એઆઈ ક્ષેત્રને ટકાવી રાખવાના પાયા તરીકે પણ કામગીરી પૂરી પાડે છે. એઆઈ માટેના અન્ય માળખાઓની જેમ એચડીડી પણ એઆઈનું પાયાનો હિસ્સો છે તેવો પણ નિષ્ણાતો મત ધરાવી રહ્યા છે.


