વર્તમાન સમયમાં ફોજદારી કાયદામાં કેવા પ્રકારની જોગવાઈઓની આવશ્યકતા છે તે અંગે ચર્ચા જરૂરી
૧૯૭૩ના ધારાની મંજુરી સાથે ૧૮૯૮નો પ્રથમ સીઆરપીસી રદ થયો હતો
આધુનિક ગુનાવિજ્ઞાાન, ફોજદારી ન્યાયશાસ્ત્ર તથા શિક્ષાશાસ્ત્રમાં હિતકારક ઘટનાક્રમોને નવા કાયદામાં સ્થાન અપાવું જોઈએ
- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્
ધ ઈન્ડિયન પિનલ કોડ ૧૮૬૦, ધ ઈન્ડિયન એવિડન્સ એકટ, ૧૮૭૨ તથા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર, ૧૯૭૩ એ ફોજદારી ધારાના ત્રણ હિસ્સા છે. આઈપીસીની રચના થોમસ બેબિંગ્ટોન મેક્યુલેએ કરી છે, જેઓ પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ હતા. એવિડન્સ એકટની રચના સર જેમ્સ ફિત્ઝજેમ્સ સ્ટીફને કરી હતી. ૧૯૭૩ના ધારાની મંજુરી સાથે ૧૮૯૮નો પ્રથમ સીઆરપીસી રદ થયો હતો.
દેશભરમાં સેંકડો અદાલતોમાં રોજેરોજ આ ત્રણ કાયદાની જોગવાઈઓને લાગુ કરાતી હોવાનું જોવા મળે છે. હજારો જજો તથા દોઢ લાખ જેટલા વકીલો (જેમાંના મોટાભાગના ફોજદારી કેસો લડે છે) રોજેરોજ આ ત્રણ કાયદાની મગજમારીમાંથી પસાર થાય છે. આઈપીસીની કલમ ૩૦૨ હત્યા માટે સજાની જોગવાઈ ધરાવે છે, તે બાબત દરેક જજો અને વકીલો જાણે છે. એવિડન્સ એકટની કલમ ૨૫ હેઠળ પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલી કબૂલાત પુરાવા તરીકે ગણી શકાતી નથી તેની પણ તેમને જાણ છે. તેઓ એ પણ જાણે છે કે, આગોતરા જામીન તથા જામીનની જોગવાઈઓ સીઆરપીસીની કલમ ૪૩૭, ૪૩૮ તથા ૪૩૯માં આવરી લેવાયેલી છે. આ ત્રણેય કાયદાઓની અનેક જોગવાઈઓ છે જેનાથી જજો તથા વકીલો સારી રીતે વાકેફ છે.
સુધારાની તક વહી ગઈ
કાનૂનમાં સુધારા સારી વાત છે. કાયદામાં સુધારાનો અર્થ એ નથી કે હાલની જોગવાઈઓને નવા ક્રમ આપવા અથવા નવેસરથી ગોઠવવી. હાલના સંજોગો તથા સમયમાં કેવા પ્રકારના ફોજદારી કાયદાની આવશ્યકતા છે તે અંગે વ્યાપક ચર્ચા થવી જરૂરી છે. મૂલ્યો, નીતિમત્તા તથા મહત્વકાંક્ષામાં આવતા બદલાવ પ્રમાણે કાયદામાં સુધારા જરૂરી છે. આધુનિક ગુનાવિજ્ઞાાન, ફોજદારી ન્યાયશાસ્ત્ર તથા શિક્ષાશાસ્ત્રમાં હિતકારક ઘટનાક્રમોને નવા કાયદામાં સ્થાન અપાવું જોઈએ.
જોગવાઈઓની નવેસરથી ગોઠવણ
પરંતુ ત્રણ ખરડામાં આપણે શું જોઈ રહ્યા છીએ? અનેક કાયદાશાસ્ત્રીઓએ આ ત્રણ ખરડાનો ઊંડેથી અભ્યાસ કર્યો છે. નવા મુસદ્દામાં આઈપીસીની ૯૦-૯૫ ટકા જોગવાઈઓ જૈસે થે આવરી લેવાઈ છે. આઈપીસીના ૨૬ પ્રકરણમાંથી ૧૮ પ્રકરણ (ત્રણ પ્રકરણ દરેકમાં એક એક જોગવાઈ છે)ની નવા ખરડામાં કોપી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટિના રિપોર્ટમાં સ્વીકારાયું છે કે, સદર ખરડામાં, આઈપીસીની ૫૧૧ કલમોમાંથી, ૨૪ને કાઢી નાખવામાં આવી છે અને ૨૨ કલમો ઉમેરવામાં આવી છે પરંતુ બાકીની કલમોને નવા ક્રમ તથા નવી ગોઠવણ સાથે જાળવી રખાઈ છે. આઈપીસીમાં સુધારા મારફત કેટલાક બદલ આસાનીથી થઈ શકયા હોત.
સીઆરપીસી તથા એવિડન્સ એકટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. એવિડન્સ એકટની ૧૭૦ જોગવાઈઓમાંથી દરેકને યથાવત રખાઈ છે, સીઆરપીસીની પણ ૯૫ ટકા જોગવાઈઓમે કટ પેસ્ટ કરાઈ છે. સંપૂર્ણ પ્રયાસ નિષ્ફળ કવાયત સાબિત થઈ છે. જો આ ખરડા પસાર થશે તો, અનેક અનિચ્છનિય પરિણામો આવશે. એટલું જ નહીં હજારો જજો, વકીલો, પોલીસ ઓફિસર્સ, કાયદાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાએ અસગવડતાનો સામનો કરવો પડશે. તેમણે કાયદાઓ ફરીથી જાણવા પડશે.
સદર ખરડામાંની બાબતો પર વાત કરીએ તો, તેમાં કેટલીક આવકાર્ય વિશિષ્ટતાઓ છે જેના પર સરકાર સંસદમાં પ્રકાશ પાડશે. આમ છતાં કેટલીક પ્રશ્નકારક વિશિષ્ટતા સામે હું ધ્યાન દોરવા માગુ છું. જે આ પ્રમાણે છેઃ
અધોગામી જોગવાઈઓ
આખું વિશ્વ મૃત્યુની સજા નાબુદ થવી જોઈએ તેવી બુમરાણ કરી રહ્યું છે ત્યારે આપણે તે જાળવી રાખી છે. છેલ્લા ૬ વર્ષમાં સુપ્રીમ કોર્ટે માત્ર સાત જ કેસમાં મૃત્યુની સજાને માન્ય રાખી છે. ગૂનેગાર જીવે ત્યાં સુધી તેને પેરોલ વગર જેલની સજા વધુ સખત સજા છે.
વ્યભિચારને ફરી ગુનાહિત પ્રવૃત્તિ તરીકે લેખવામાં આવ્યો છે. વ્યભિચાર એ પતિ-પત્નીની આપસી બાબત છે. તે બન્ને વચ્ચેના સંબંધ બગડે તો જેને અન્યાય થયો હોય તે જીવનસાથી નુકસાન ભરપાઈ અથવા છૂટાછેડા માટે કોર્ટના દરવાજા ખટખટાવી શકે છે. સરકારને તેમના જીવનમાં માથુ મારવાનો અધિકાર નથી. આઈપીસીની કલમ ૪૯૭, જેને સુપ્રીમ કોર્ટે રદ કરી હતી તેને મહિલા -પુરુષ બન્નેને લાગુ થાય તે રીતે પાછી લવાઈ છે.
કારણોની નોંધણી કર્યા વગર આજીવન કેદ અથવા મૃત્યુની સજા સંભળાવવાની એક્ઝિકયૂટિવની સત્તા બંધારણની કલમ ૧૪નો ભંગ સમાન છે. એકાંત કારાવાસ ઘાતકી તથા અસામાન્ય સજા છે. ચોક્ક્સ પ્રકારના કેસોના રિપોર્ટિંગ કરવામાંથી મીડિયા પર પ્રતિબંધ ગેરબંધારણિય છે. ત્રાસવાદી પ્રવૃત્તિઓને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (અટકાયત) ધારા હેઠળ સારી રીતે પહોંચી વળવામાં આવે છે માટે તેને નવા કાયદા હેઠળ આવરી લેવાની જરૂર નથી.
આસિસ્ટન્ટ સેશન્સ જજના હોદ્દાને નાબુદ કરવાની દરખાસ્ત ભૂલભરેલી છે, કારણ કે, તેનાથી સેસન્સ જજ પર ભારે બોજ આવી પડશે અને પહેલી અપીલ હાઈકોર્ટમાં આવવાનું શરૂ થશે જેને પરિણામે હાઈકોર્ટના બોજમાં વધારો થશે.
ધરપકડ કરાયેલ વ્યક્તિ હિંસક હોય અથવા ભાગી જવાની શકયતા ધરાવતો હોય તો તેવા કિસ્સામાં જ તેને હાથકડી પહેરાવવાની જોગવાઈ હોવી જોઈએ. મેજિસ્ટ્રેટ જેમની સમક્ષ ધરપકડ કરાયેલ વ્યક્તિને રિમાન્ડ માટે હાજર કરવામાં આવે તેઓ આ ધરપકડ પાછળના કારણથી સંતુષ્ટ થવા જરૂરી છે. તપાસ અધિકારીની ઓડિયો-વિઝયુલ મોડ મારફત જુબાનીને મંજુર રાખતી કલમ ૨૫૪ કોર્ટમાં જનતા વચ્ચે યોગ્ય ન્યાયના સિદ્ધાંતનો ભંગ કરવા સમાન છે. સદર નવો ખરડો જામીન એક નિયમ છે અને જેલ એક અપવાદ છે, તે ધોરણને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ રહ્યો છે. પરિણામે કલમ ૪૮૨ એ અધોગામી છે.
હાલના કાયદાઓની મોટાભાગની જોગવાઈઓને નવા ખરડામાં આવરી લઈને સરકારે પોતાની કવાયત પરપર ઠંડુ પાણી રેડી દીધું છે.