Get The App

55,000 કરોડ રૂપિયાની અછતથી 1500 પ્રોજેક્ટો અટકી પડયા

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
55,000 કરોડ રૂપિયાની અછતથી 1500 પ્રોજેક્ટો અટકી પડયા 1 - image

- ૪,૫૦,૦૦૦થી વધુ એફોર્ડેબલ અને મિડ-રેન્જ હાઉસિંગ યુનિટનું ભાવિ અદ્ધરતાલ

- ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરને ૨૦૪૭ સુધીમાં ૫-૭ ટ્રિલિયન ડોલરના બજાર કદ સુધી પહોંચવા માટે આગામી ૧૦ વર્ષમાં ૫૦ લાખ કરોડ રૂપિયાની મૂડીની જરૂર

- વર્તમાન રિયલ એસ્ટેટ માર્કેટ ૫૫૦ અબજ ડોલર એટલેકે રૂપિયા ૫૫ ટ્રિલિયનનું હોવાનો અંદાજ છે

- રૂપિયાનો ઘસારો ગ્રાહ્ય, મોંઘવારી RBI માટે પ્રથમ પ્રાથમિકતા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારતીય રૂપિયાને સપોર્ટ આપવા માટે વ્યાજદરમાં વધારો કરવાના પક્ષમાં નથી જણાઈ રહ્યું પરંતુ મુદ્દોએ છે કે આરબીઆઈની સૌપ્રથમ પ્રાથમિકતા મોંઘવારી દરને કાબૂમાં રાખવાની જ છે. રૂપિયાની નબળાઈના પ્રતિભાવમાં આરબીઆઈ વ્યાજ દર વધારવાના પક્ષમાં નથી. આરબીઆઈ પાસે એનએઆરઆઈ માટે ડોલર ડિપોઝિટ સ્કીમ અને ડેટ રોકાણકારો માટે ટેક્સ ફેરફાર સહિતના અનેક વિકલ્પો છે. ઈરાન સંઘર્ષને કારણે ઊર્જાના ભાવમાં વધારો થવાને કારણે રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો છે.

ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા દેશોએ ફુગાવા અને ચલણ નબળાઈના ભયને કારણે વ્યાજ દરોમાં વધારો કર્યો છે. ફેબુ્રઆરીના અંતમાં ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ભારતીય રૂપિયો ડોલર સામે લગભગ ૬ ટકા નબળો પડયો છે, જે આ સપ્તાહે ૯૭ ડોલરની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે. વ્યાજ દર સ્વેપ માર્કેટ સૂચવે છે કે આરબીઆઈ આગામી ત્રણ મહિનામાં ઓછામાં ઓછા ૪૦ બેસિસ પોઈન્ટનો દર વધારી શકે છે અને આગામી વર્ષમાં ૧૦૦થી વધુ બેસિસ પોઈન્ટની અપેક્ષા છે. 

- REITsની ભારતમાં મંથર ગતિ થશે

બેંકોએ કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં રૂ. ૫.૨ લાખ કરોડથી વધુની લોન આપી છે. છ લિસ્ટેડ રિટ્સનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૨ લાખ કરોડથી વધુ છે. હાલમાં, ભારતના રિટ્સ-પાત્ર ઓફિસ સ્ટોકના ૫૨૦ મિલિયન ચોરસ ફૂટમાંથી, ફક્ત ૧૯૮ મિલિયન ચોરસ ફૂટ અર્થાત્ ૩૭ ટકા લિસ્ટેડ છે. ભારતમાં રિટ્સનું વિસ્તરણ વિકસિત દેશો કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે. રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ ટ્રસ્ટનું માર્કેટ કેપ સ્ટોક માર્કેટ કેપિટલના માત્ર ૦.૪ ટકા જેટલું છે. તે લિસ્ટેડ રિયલ એસ્ટેટ માર્કેટ વેલ્યુના માત્ર ૨૦ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિકસિત બજારો કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે ડેટા સેન્ટર્સ, લોજિસ્ટિક્સ, ઔદ્યોગિક રિયલ એસ્ટેટ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર આધારિત ઓફિસ ડેવલપમેન્ટ લાંબા ગાળાના મૂડી રોકાણના આગામી મુખ્ય લાભાર્થીઓ હશે. ભારતની ડેટા સેન્ટર ક્ષમતા ૨૦૩૦ સુધીમાં ૮ ગીગાવોટથી વધુ થવાની ધારણા છે. વેરહાઉસિંગ સ્ટોક પહેલાથી જ ૬૦૫ મિલિયન ચોરસ ફૂટથી વધુ થઈ ગયો છે. જીસીસી અને ટેકનોલોજી કંપનીઓ ૨૦૩૦ સુધીમાં ૧.૨ અબજ ચોરસ ફૂટ ઓફિસ સ્પેસની માંગને વેગ આપે તેવી અપેક્ષા છે.

ભારતનું એફોર્ડેબલ હાઉસિંગ સેક્ટર સતત ભંડોળની તીવ્ર અછતનો સામનો કરી રહ્યું છે. એનારોક કેપિટલના રિપોર્ટ મુજબ ભંડોળની અછતના કારણે દેશમાં ૧૫૦૦થી વધુ પ્રોજેક્ટો ખોરંભે ચઢયા છે. આ પ્રોજેક્ટોના ૪,૫૦,૦૦૦થી વધુ એફોર્ડેબલ અને મિડ-રેન્જ હાઉસિંગ યુનિટનું ભાવિ અદ્ધરતાલ થયું છે. 

રિપોર્ટ અનુસાર અટવાયેલા આ ૧૫૦૦ પ્રોજેક્ટોમાં આશરે રૂ. ૫૫,૦૦૦ કરોડની નાણાકીય સહાયની જરૂર છે. દેશનું એફોર્ડેબલ અને મિડ-રેન્જ હાઉસિંગ સેગમેન્ટ ઔપચારિક મૂડી અને સંસ્થાકીય ધિરાણની પહોંચની બહાર રહે છે. ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરને ૨૦૩૦ સુધીમાં ૧ ટ્રિલિયન ડોલર અને ૨૦૪૭ સુધીમાં ૫ ટ્રિલિયન ડોલરથી ૭ ટ્રિલિયન ડોલરના બજાર કદ સુધી પહોંચવા માટે આગામી ૧૦ વર્ષમાં ૫૦ લાખ કરોડ રૂપિયાની મૂડીની જરૂર પડશે એવો અંદાજ છે. વર્તમાન રિયલ એસ્ટેટ માર્કેટ ૫૫૦ અબજ ડોલર એટલેકે રૂપિયા ૫૫ ટ્રિલિયનનું હોવાનો અંદાજ છે.

એનારોકના રિપોર્ટ મુજબ ભારત હાલમાં આશરે ૧ કરોડ એફોર્ડેબલ હાઉસિંગ યુનિટની અછતનો સામનો કરી રહ્યું છે અને ૨૦૩૦ સુધીમાં ઓછામાં ઓછા ૨.૫ કરોડ એફોર્ડેબલ હાઉસિંગ યુનિટની જરૂર પડશે. તેમ છતાં, એફોર્ડેબલ હાઉસિંગનો સપ્લાય ઝડપથી ઘટી રહ્યો છે. ૨૦૨૬ના પહેલા ક્વાર્ટરમાં રૂ. ૪૦ લાખથી ઓછી કિંમતના ઘરોનો હિસ્સો ફક્ત ૧૦ ટકા હતો, જે ૨૦૨૧માં ૨૬ ટકા હતો.

પ્રીમિયમ હાઉસિંગ સેગમેન્ટમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. ૧૫ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ઘરો નવા લોન્ચિંગમાં ૫૩ ટકા હિસ્સો ધરાવે છે. અહેવાલ મુજબ નાણાકીય સંસાધનો હવે મુખ્યત્વે ઉચ્ચ-માર્જિન ધરાવતા પ્રોજેક્ટો અને મેટ્રોપોલિટન બજારોમાં ટોચના ડેવલપર્સ પર કેન્દ્રિત થઈ રહ્યા છે, જેના કારણે એફોર્ડેબલ તેવા ઘરોને સતત અપૂરતા ભંડોળનો સામનો કરવો પડી રહ્યો છે.

એક મત એ પણ છે કે ભારતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર હવે મૂડીની અછતનો સામનો નથી કરી રહ્યું પરંતુ વાસ્તવિક પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે આ મૂડી ફક્ત મોટા ડેવલપર્સ અને મુખ્ય શહેરો સુધી મર્યાદિત થઈ રહ્યું છે અને તેમાં પણ પરવડે તેવા આવાસ, નાના ડેવલપર્સ અને ઉભરતા ટાયર-૨ અને ટાયર ૩ શહેરો સુધી ફંડિંગ અને પહોંચ વધે તે જરૂરી છે. અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં સમસ્યા હવે માંગનો પડકાર નથી, પરંતુ મૂડી ફાળવણી અને નાણાકીય માળખાનો પડકાર છે.

૨૦૧૯માં સ્વામી ફંડ-૨ બાદ હવે બીજી બાજુ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)-૨ હેઠળ ૧ કરોડ વધારાના શહેરી ઘરોનો નિર્ધાર કરવામાં આવ્યો અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા એસેટ મેનેજમેન્ટ ૨૦થી ૨૧ ટકા વધવાનો અંદાજ પણ છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે રેરા, જીએસટી, નાદારી અને બેંકિંગ કોડ, રિટ્સ નિયમો અને આરબીઆઈના કડક ધોરણો જેવા અનેક માળખાકીય સુધારાઓએ ભારતમાં રિયલ એસ્ટેટ ફાઇનાન્સિંગને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. ફેબુ્રઆરી ૨૦૨૬ સુધીમાં વ્યક્તિગત બાકી હાઉસિંગ લોનનો અંદાજ રૂ. ૩૮ લાખ કરોડ આસપાસનો છે અને ૨૦૨૯-૩૦ સુધીમાં રૂ. ૭૭ લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આ ક્ષેત્રમાં રિયલ એસ્ટેટ ફાઇનાન્સમાં હોમ લોનનો સૌથી મોટો હિસ્સો છે.

આમ જો ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક બજારની અસ્થિરતા જેવા ટૂંકા ગાળાના અવરોધો ચાલુ રહે તો પણ આ ક્ષેત્રોની માંગ મજબૂત રહેશે. પરંતુ ભારતમાં, મજબૂત સ્થાનિક માંગ, માળખાગત રોકાણ અને નિયમનકારી સુધારા રિયલ એસ્ટેટ વૃદ્ધિ માટે મજબૂત પાયો પૂરો પાડે છે. જેમ જેમ વૈશ્વિક સપ્લાય ચેઇન ભારતની તરફેણમાં બદલાઈ રહી છે અને છૈં-આધારિત અર્થતંત્ર ઉભરી રહ્યું છે, તેમ ભારતની સ્થિતિ બાહ્ય અવરોધોને સ્થાનિક તકોમાં ફેરવી શકે છે.