Get The App

ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા અગ્રેસર, ભાવનગરની રથયાત્રા બીજા નંબરે, 35 દેશો સુધી વિસ્તરી અનોખી પરંપરા

Updated: Jun 26th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં અમદાવાદની રથયાત્રા અગ્રેસર, ભાવનગરની રથયાત્રા બીજા નંબરે, 35 દેશો સુધી વિસ્તરી અનોખી પરંપરા 1 - image


Rathyatra 2025: ભગવાન જગન્નાથની રથયાત્રાનો માહોલ જામેલો છે. આજે(27 જૂન) અમદાવાદમાં 148મી રથયાત્રા નીકળશે ત્યારે 'જય રણછોડ'ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ તેમના ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળશે ને ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળશે. અમદાવાદના પોલીસતંત્ર માટે રથયાત્રાનું આયોજન પડકાર સમાન હોય છે. જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરી સાંજે નીજ મંદિરે પરત ફરતી રથયાત્રા પોલીસ તંત્રને ઊભા પગે રાખે છે. ભૂતકાળના કડવા અનુભવોમાંથી શીખીને પોલીસે અવારનવાર સિક્યોરિટી સિસ્ટમમાં ફેરફાર કર્યા છે. 

રથયાત્રા અમદાવાદની ઓળખ બની

રથયાત્રા એક મહારસાલા સમાન હોય છે. અમદાવાદ 148 વર્ષમાં ઘણું વિકસ્યું છે. રથયાત્રામાં બિરાજમાન ભગવાનને નવા અમદાવાદના દર્શન પણ કરાવવા જાઇએ એવી માગ બળવત્તર બની રહી છે, પરંતુ પરંપરાગત રૂટ બદલવો આસાન નથી. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ સહિતની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દરેક ક્ષેત્રે કરતા થયા છીએ તે આવકાર્ય છે, પરંતુ પરંપરા સામે આપણે લાચાર થઈ જઈએ છીએ. 

રથયાત્રા અમદાવાદની ઓળખ બની ગઇ છે. અમદાવાદની રથયાત્રાનું જીવંત પ્રસારણ લાખો લોકો જુએ છે. ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઇ બલરામ ત્રણ રથમાં બિરાજમાન થશે અને ભક્તો તે રથ ખેંચીને તેમને શહેરમાં યાત્રા કરાવશે. ખુદ સામેથી આવેલા ભગવાનના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે.

ભગવાનના દર્શન માટે થાય છે પડાપડી

પુરી અને અમદાવાદની રથયાત્રામાં લાખો લોકો સ્વયંભૂ જોડાતા હોય અને ભગવાનની એક ઝલક મેળવવા પ્રયાસ કરતા હોય ત્યારે પરંપરાગત પ્રથાઓનું મહત્ત્વ સમજાય છે. રથયાત્રામાં સાથે ચાલતા ભક્તોની ભીડ અને અખાડાના યુવાનોની કસરતના ખેલ તેમજ ભજન મંડળીઓને જોતાં જોતાં લોકો આનંદ લૂંટતા હોય છે. સતત 'જય રણછોડ'ના નારા વચ્ચે ભગવાનના દર્શન કરવા માટે પડાપડી કરી રહેલા શ્રદ્ધાળુઓને જોવા તે પણ એક લ્હાવો છે.

જાંબુ અને મગનો પ્રસાદ વિશેષ આકર્ષણ

જેમણે રથયાત્રા જોઇ છે તેઓ જાણે છે કે ભગવાનના રથનું અને તેની સાથે ચાલતા શ્રદ્ધાળુઓનું સ્વાગત આખા માર્ગ પર કરવામાં આવે છે. હાથીઓની હાજરી વિશેષ આકર્ષણ સમાન હોય છે. અમદાવાદના જમાલપુર મંદિરેથી નીકળતી રથયાત્રામાં જોડાતા લાખો લોકોને સરસપુર ખાતે જમાડવામાં આવે છે. આ આયોજનને એક વિક્રમ ગણવો જોઈએ. રથયાત્રામાં ભાગ લેનાર કોઈ શ્રદ્ધાળુ ભૂખ્યો ના રહે તેવું આયોજન કુદરતી જાણે કૃપા પર ચાલતું હોય એમ લાગે છે. જાંબુ અને મગનો પ્રસાદ રથયાત્રાનું વિશેષ આકર્ષણ હોય છે. રથયાત્રાના દિવસે સવારે ભગવાનને ચઢાવાતી ખીચડીનો પ્રસાદ માટે પણ પડાપડી થાય છે.

આ વખતે મેધરાજા પણ અમદાવાદની રથયાત્રાના દર્શનની રાહ જોઇને બેઠા હોય એમ લાગે છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રવેશી રહેલા વીઆઇપી દર્શન કલ્ચરના કારણે સામાન્ય શ્રદ્ધાળુઓમાં નારાજગી જોવા મળી રહી છે. 

ગુજરાતમાં 50 સ્થળોએ યોજાય છે રથયાત્રા

ગુજરાતમાં 50 સ્થળોએ રથયાત્રા યોજાય છે. સૌથી અગ્રેસર અમદાવાદની રથયાત્રા છે અને બીજા નંબરે ભાવનગરની રથયાત્રા આવે છે. સુરતની નજીક આવેલા અને ટચુકડું કહી શકાય એવા મરોલી ખાતેના રણછોડરાયજી મદિરે રથયાત્રાનું આયોજન થાય છે. ડાકોરમાં રથયાત્રા શનિવારે યોજાશે.

148 વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા 35 દેશો સુધી વિસ્તરી

ભગવાન જગન્નાથની રથયાત્રા હવે માત્ર ઓરિસાના જગન્નાથ પુરી કે અમદાવાદના જગન્નાથ મંદિર સુધી સીમિત નથી રહી. વિદેશમાં પણ જ્યાં ભગવાન કૃષ્ણનાં મંદિરો, ખાસ કરીને જ્યાં ઇસ્કોન અને સ્વામિનારાયણનાં મંદિરો છે ત્યાં રથયાત્રાનું ઓયોજન થાય છે. અમેરિકાના ડલાસમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન 28મીએ રથયાત્રા ઉત્સવ ઉજવશે. અમેરિકામાં ચાર સ્થળે મોટી રથયાત્રા યોજાય છે. ઇસ્કોન મંદિરે રથયાત્રાના કોન્સેપ્ટને આગળ વધાર્યો છે. વિશ્વમાં મોસ્કો, ન્યૂયોર્ક, હ્યુસ્ટન, એટલાન્ટા, લંડન, રોમ, ઝુરીચ, સિડની, પર્થ, નૈરોબી સહિતનાં 108 શહેરોમાં રથયાત્રા યોજાય છે. 148 વર્ષથી ચાલી આવતી અનોખી પરંપરા 35 દેશો સુધી વિસ્તરી છે.

Tags :