મહાભારતમાં યુધિષ્ઠિરનો ખેદ અને સત્ય-અસત્યનો વિવેક
- મહાભારતના યુદ્ધમાં જેમ મહાસંહાર થયો તેથી ધર્મભીરૂ રાજા યુધિષ્ઠિરની ભાવનાને મોટો ધક્કો લાગ્યો અને તેમના મનની શાંતિ નષ્ટ થઈ ગઈ. જેથી તેઓ દુઃખ અનુભવવા લાગ્યા તેમની દુઃખભરી વેદનાઓને અને આપણા જીવનમાં આવેલ દુઃખોથી દુઃખી ચિત્તોને શાંતિ આપનારું આ શાંતિ પર્વ અમૃત સમાન બને છે.
(શાંતિપર્વમાંની હૃદયસ્પર્શિ કથા)
'મહાભારત' - આ મહાન ગ્રંથનો સંદેશ "સત્ય - શિવમ્ - સુંદરમ્" ભગવાન શ્રીકૃષ્ણે સનાતન, નૈતિક અને સત્ય તથા આધ્યાત્મિકતાનાં પાયા ઉપર ભારતનું સંગઠન રચવા તેમણે સર્વદા પ્રયાસો કર્યા છે. શૈવો-વેષ્ણવો-જ્ઞાનીઓ, ભક્તો, ઉપાસકો અને પૂજકો એ બધાની વચ્ચેના ભેદભાવો ભૂલાઈ જાય અને એક ધર્મમય સુંદર સંગઠન રચાય તેનો મુળ હેતુ 'મહાભારત'માં છે.
મહાભારતનાં યુદ્ધનું નિવારણ કરવા શ્રીકૃષ્ણએ ઘણા પ્રયત્નો કર્યા હતા. તેઓ જાતે કૌરવોને સમજાવવા ગયા પરંતુ આસુરી શક્તિઓનાં કેન્દ્ર સમાન દુર્યોધન માન્યો જ નહિ. પરિણામે અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો. શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને હસ્તિનાપુરની ગાદી ઉપર બેસાડી તેમની પાસે અશ્વમેઘ યજ્ઞા કરાવી પોતાની કલ્પના અનુસાર આદર્શ રાષ્ટ્રની સ્થાપના કરાવી.
મહાભારતની કથાનું મહાત્મ્ય :- મહાભારત એક અનોખો ધાર્મિક ગ્રંથ છે. તેને ઘરમાં ન રખાય તે ભ્રમપાત્ર છે. સત્ય નથી, તે ખોટી માન્યતા સહુમાં ફેલાઈ છે. તે પવિત્ર ગ્રંથ છે. જેમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ પોતે મુખ્ય છે તે અપવિત્ર ગ્રંથ કેમ કહેવાય ?? જેમાં ભગવતગીતાનો ઉપદેશ આપેલ છે તે અપવિત્ર ગ્રંથ કેમ કહેવાય ?? 'જેને ઘરમાં રાખવાથી જધડાળુ વાતાવરણ ઉભંુ થાય" તે ખોટી માન્યતા છે. તેનાં અઢાર પર્વો છે.
જેમ ઘરમાં દિપ હોય તો ઘરને અજવાળુ મળે, તેમ મહાભારત ગ્રંથ સર્વના જીવનમાં સત્યનો માર્ગ દર્શાવી પ્રકાશ પાથરે છે. જેમ અન્ન અને જળ વડે મનુષ્યની તૃપ્તિ થાય છે. તેમ આ ગ્રંથનું વાંચન અને મનન મનના મનોરથોને પૂર્ણ કરે છે. જેમ પુષ્પોની મધુર સુગંધ વડે ફુલદાની મહેંકી ઉઠે છે. તેમ મહાભારતની શૌર્યકથાઓ વાંચી યુવાનો થનગની ઉઠે છે જેમ ઔષધ લેવાથી દર્દીને રાહત મળે છે. તેમ મહાભારતની ધર્મકથાઓનું વાંચન દુઃખીજનોને આધાર આપે છે. જેમ સુરદાસની આંગળી ઝાલી કનૈયો માર્ગ બતાવે છે. તેમ સંસારીજનોને શ્રીકૃષ્ણની ભગવદ્ગીતા પરમ પંથ બતાવે છે.
આ ગ્રંથનું પઠન કરવાથી માનવીની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચારેબાજુ યશ ફેલાય છે અને મરણ પછી પરમ ગતિને પામે છે. આ મહાભારત ગ્રંથને જે લોકો શ્રદ્ધાભાવથી પઠન કરે છે. તે અવશ્ય પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે.
શાંતિપર્વનું ખાસ મહત્વ :- મહાભારત ગ્રંથમાં ૧૮ પર્વોમાં ૧૩મું પર્વ શાંતિ પર્વ છે. આ શાંતિ પર્વનું ખુબ મહત્વ છે. વળી આ મહાગ્રંથમાં શાંતિપર્વ પ્રમાણમાં સહુથી મોટું પર્વ છે.
મહાભારતના યુદ્ધમાં જેમ મહાસંહાર થયો તેથી ધર્મભીરૂ રાજા યુધિષ્ઠિરની ભાવનાને મોટો ધક્કો લાગ્યો અને તેમના મનની શાંતિ નષ્ટ થઈ ગઈ. જેથી તેઓ દુઃખ અનુભવવા લાગ્યા તેમની દુઃખભરી વેદનાઓને અને આપણા જીવનમાં આવેલ દુઃખોથી દુઃખી ચિત્તોને શાંતિ આપનારું આ શાંતિ પર્વ અમૃત સમાન બને છે.
મૂળ શાંતિપર્વમાં ૩૬૫ અધ્યાયો, પંદર હજાર શ્લોકો અને એક હજાર પાનાનું લખાણ છે. શાંતિપર્વમાં રાજધર્મ, મોક્ષધર્મ, વર્ણાશ્રમ ધર્મ, સનાતન ધર્મ, સત્ય-દાન-તપનું મહત્વ, સાંખ્ય-યોગ, અધ્યાત્મ, મનુષ્ય ધર્મ અને એકાંતિક ભક્તિ જેવા ઉત્તમ વિષયોનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત વિષ્ણુસહસ્રનામ - ભીષ્મસ્તવરાજ, ભગવદ્ગીતા જેવી સ્તુતિઓ-કથાઓ તથા સુંદર દ્રષ્ટાંત કથાઓ જેવી કે ઉતથ્ય ગીતા, વામદેવ ગીતા, ઋષભ ગીતા, પિંગલા ગીતા,કપિલ ગીતા, હંસ ગીતા, યાજ્ઞાવલ્ક્ય ગીતા, પરાશર ગીતા મહાભારત ગ્રંથમાં આપેલ છે.
આ મહાભારતમાનાં આ દરેક પર્વોમાં યુધિષ્ઠિરને અપૂર્વ શાંતિને શાંતિપર્વ સાંભળીને મળી હતી.
યુધિષ્ઠિરનો ખેદ :-
યુધિષ્ઠિરે પોતાનો ખેદ વ્યક્ત કરતા વ્યાસજીને કહ્યું કે "આ ઘોર યુદ્ધમાં બાળક સમાન અભિમ્ન્યુ, દ્રૌપદીનાં પુત્રો ધૃષ્ટમ્ન, વિરાટરાજા, દ્રુપદરાજા, વૃષસેન, ધૃષ્ટકેતુ તથા બીજા અનેક રાજાઓ માર્યા ગયા છે. તેમના જવાથી મારા હૃદયમાં જે શોક થાય છે તે નિવારી શકાય તેમ નથી. મેં રાજયના લોભથી તેમનો સહુનો નાશ કરાવ્યો છે. જેનો ખોળો ખુંદી હું મોટો થયો તે ભીષ્મપિતામહને મેં મારી નખાવ્યા. જ્યારે તેઓને વિહવળ થતા મેં જોયા ત્યારે મારૂં હૃદય કંપી ઉઠયું હતું. જગતમાં જે અજિત યોદ્ધા ગણાતા તેઓને ધરતી ઉપર ઢળી પડતા જોયા ત્યારથી મારા હૃદયમાં સંતાપનો અગ્નિ સળગી ચૂક્યો છે. મારૂં આવું ઘોર પાપ મારા હૃદયને કોરી ખાય છે.
પૂજવાલાયક ગુરુવર્ય દ્રોણ સામે મેં મિથ્યા અસત્ય ઉચ્ચારણ કરી અશ્વસ્થામાના મૃત્યુનો સમાચાર આયા. આવા પાપકર્મ માટે મને નર્કનો વાસ મળશે. તમે સહુ જાણો છોકે હું ગુરુ હત્યારો છું, કુળ હત્યારો છું. હવે હું અનશન વ્રત લઈને મારા પ્રાણનું શોષણ કરી નાખીશ. હું અહીં જ બેસી રહીશ. હું હવે જીવી શકીશ નહિં...
રાજા યુધિષ્ઠિરનાં નિરાશાપૂર્ણ અને વિશાદવાળા વચનો સાંભળી મુનિશ્રેષ્ઠ વ્યાસે કહ્યું કે આવો શોક તમને શોભતો નથી.
વ્યાસનું યુધિષ્ઠિરને આશ્વાસન :- જેમ જળમાં પરપોટાઓ થાય છે અને પાછા ફુટી જાય છે. તેમ સંસારનાં પ્રાણીઓ જન્મે છે અને મરે છે. સંયોગ અને વિયોગ એ તો સંસારનું લક્ષણ છે જેનો સંયોગ થાય છે તેનો વિયોગ તો નિર્માણ થઈ ચૂકેલો હોય છે.
લક્ષ્મી અને કીર્તિ સદૈવ સુખ આપતા નથી માટે હે યુધિષ્ઠિર ! તમને નિમિત્ત બનાવવા માટે વિધાતાએ ઘડયા અને તમે નિમિત્ત બન્યા તેનો શોક કરો નહિ ? હવે તમને જે કાર્ય કરવા વિધાતાએ વિધાન કર્યું છે. તે કરવા માટે તમે તૈયાર થાઓ. તમે તે કાર્ય કરવા સમર્થ છો અને તેથી જ તમને સિદ્ધિ મળશે.
સત્ય અને અસત્યનો વિવેક :- યુધિષ્ઠિર રાજાએ ભીષ્મને પૂછયું કે ભરત શ્રેષ્ઠ ! ધર્મમાં જેનું મન હોય તેવા રાજાએ કેવી રીતે વર્તવું જોઈએ ? ધર્મને પુષ્ટિ આપવા સત્ય અને અસત્યમાંથી કોણ સમર્થ છે ?
ત્યારે ભીષ્મએ કહ્યું કે હે રાજા ! સત્ય બોલવું તે ઉત્તમ ગણાયું છે. તેનાથી શ્રેષ્ઠ બીજું કાંઈ આચરણ નથી. મુર્ખ પુરુષ સત્ય-અસત્યનો વિવેક જાણતો નથી. "ધર્મવેત્તા વિદ્વાનો કહે છે કે જ્યાં અસત્ય કહેવાથી હિંસા અટકતી હોય ત્યાં સત્યને બદલે અસત્ય બોલવું. તેવી જ રીતે જ્યાં સત્ય બોલવાથી હિંસા થવાનો પ્રસંગ બનતો હોય ત્યાં સત્યને બદલે અસત્ય બોલવું પરંતુ હિંસા નિવારવી."
બલાક નામના એક પારધીએ સર્વ પ્રાણીઓના વધ કરવા તૈયાર થયેલ એક પક્ષીનો વધ કરીને સ્વર્ગ પ્રાપ્ત કર્યું હતું.
ગંગા કાંઠે એક ઘુવડ રહેતું હતું. એક વખત તેણે સાપના હજારો ઈંડા જોયા એટલે વિચાર કર્યા કે આ ઈંડામાંથી હજારો ઝેરી સાપ ઉત્પન્ન થશે અને જગતનો નાશ કરી દેશે માટે આ ઈંડાઓનો જ નાશ કરી નાખું. આમ વિચારી ઘુવડે બધા ઈંડા ફોડી નાખ્યા અને તેથી તેને મોટુ પુણ્ય મેળવ્યું.
પાપ-પુણ્ય :- અમુક કર્મ પુણ્ય ગણાય અને અમુક કર્મ પાપ ગણાય એવો નિર્ણય કરવો મુશ્કેલ છે. ઘણા કર્મો પાપ ગણાય તે પુણ્ય સ્વરૂપે પરિણામે બનતા હોય છે. હે રાજા ! સામો મનુષ્ય આપણી સાથે જે રીતે વર્તન રાખે તેની સામે આપણે પણ તેવું વર્તન રાખવું તે 'ધર્મ' કહેવાય. અને જો તે કપટથી વર્તે તો તેની સાથે કપટથી વર્તવું અને જો સ્નેહથી વર્તે તો સ્નેહથી વર્તવું જોઈએ.
આથી જ કહેવત પ્રચલિત છે કે "જેવા સાથે તેવા" કોઈપણ કાર્ય કોઈને બચાવવા - દુઃખ દૂર કરવા માટે કરેલું. પાપકર્મ પણ પુણ્ય બની જાય છે. અને પૂણ્ય સમજીને ચોરીનું લુંટનું કપટથી મેળવેલ વસ્તુનું દાન જેવું પુણ્ય કર્મ પણ શુભ ફળ આપતું નથી.
ભગવાન આપણને સહુએ આ પાપ-પુણ્યના ભેદથી પર કરીને હંમેશા શુભકાર્યો કરાવે તેવી પ્રાર્થના સાથે.
- ડો. ઉમાકાંત જે. જોષી