Get The App

શ્રેષ્ઠ સ્થાન મળશે .

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
શ્રેષ્ઠ સ્થાન મળશે                                           . 1 - image

પોતાના પિતાનું મૃત્યુ થઈ ગયું ત્યારે એક માણસ તેમનો અસ્થિકળશ લઈને એક સંત પાસે ગયો અને તેમને પ્રાર્થના કરીને કહ્યું કે, ''જો આપ કોઈ વિશિષ્ટ અનુષ્ઠાન કરો તો મારા પિતાજીના આત્માને ઉચ્ચલોકની પ્રાપ્તિ થઈ જાય.'' સંતે તેને કહ્યું, ''તું એક કળશમાં ઘી અને પથ્થર ભરીને લઈ આવ. પછી તેને પાણીમાં ડૂબાડીને ફોડી નાખ.'' યુવકને લાગ્યું કે આ અવશ્ય કોઈ વિશિષ્ટ વિધિ હશે તેથી તેણે સંતે કહ્યું તે પ્રમાણે કર્યું. પછી તે સંત પાસે ગયો ત્યારે સંતે તેને પૂછયું કે, ''ઘી અને પથ્થરનું શું થયું ?''

તે યુવકે જવાબ આપ્યો કે, ''મહારાજ ! પથ્થર તો પાણીમાં ડૂબી ગયા, જ્યારે ઘી પાણી પર તરતું હતું. આવું સાંભળીને સંતે તેને સમજાવ્યો કે,લ્લલ્લ હવે એવું કર કે કોઈ પુરોહિતને એવો મંત્ર ભણવાનું કહે કે જેથી ઘી ડૂબી જાય અને પથ્થર તરવા લાગે. યુવકે કહ્યું કે, ''મહારાજ ! આપ શા માટે મારી મશ્કરી કરો છો ? એવું કઈ રીતે શક્ય બને ?'' સંતે કહ્યું કે ''બેટા, તો પછી એવું પણ કઈ રીતે બની શકે કે તારા પિતાને તેમના કર્મોના પરિણામ કરતા ઊંચુ-સ્થાન અપાવી શકાય ? જો તેમણે જીવનમાં શુભકર્મો કર્યા હશે તો તેમને કોઈ અનુષ્ઠાન કર્યા વગર જ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થશે. અને જો અશુભ કર્મો કર્યા હશે તો જગતની કોઈ શક્તિ તેમને ઉચ્ચલોકમાં સ્થાન અપાવી શકશે નહિ. તેથી આ ખોટી વાત પાછળ સમય વેડફ વાના બદલે જીવનમાં સારા કર્મો કર, એ જ શ્રેયસ્કર માર્ગ છે.''

સત્યપ્રિયતાનું ઈનામ

રાજકુમાર વસુસેન વિવાહ યોગ્ય થઈ ગયો હતો. એની સાથે લગ્ન કરવાની આકાક્ષાથી કેટલીય યુવતીઓ તેમની પાસે ગઈ. રાજભવનમાં કામ કરતી દાસીની પુત્રી પણ રાજકુમાર વસુસેનને મનથી પ્રેમ કરતી હતી. એની સાથે લગ્ન કરવાની આકાક્ષાવાળી યુવતીઓમાં મંત્રીઓ, સેનાધ્યક્ષો તથા શેઠોની પુત્રીઓ પણ હતી, તેથી દાસીની પુત્રીને એની માએ સભામાં જવાની ના પાડી. એ સભામાં વસુસેન પોતાના માટે યોગ્ય પત્ની પસંદ કરવાનો હતો. દાસીપુત્રીની ભાવના શુધ્ધ હતી, એટલે તે સંકોચ વશ જઈને ઊભી રહી ગઈ. એ સભામાં વસુસેને બધી યુવતીઓને એક એક બીજ આપ્યું અને કહ્યું કે, ''છ મહિના પછી જે યુવતી સૌથી સુંદર કુલ ખીલવશે. એની જોડે જ રાજકુમાર લગ્ન કરશે.''

દાસીપુત્રી ખરા મનથી એ બીજની દેખભાળ કરવા લાગી. એણે એ બીજને કુંડામાં રોપી દીધું અને એને ખાતર પાણી આપવા લાગી. તથા કુંડુ તાપમાં મુકતી એના લાખ પ્રયત્નો છતાં બીજમાંથી અંકુર ન ફૂટયો. છ મહિના પછી તે ખાલી કુંડુ લઈને રાજસભામાં પહોંચી એણે જોયું કે બીજી યુવતીઓ સુંદર પુષ્પોથી સુસજ્જિત કુંડા લઈને ઊભી હતી. એનું મન નિરાશ થઈ ગયું. પણ જ્યારે પરિણામ જાહેર કરવાનો સમય આવ્યો તો રાજકુમારે દાસીની પુત્રીને જ પસંદ કરી અને કહ્યું કે ''જે બીજ મેં બધાને આપ્યા હતાં તે નિર્જીવ હતા. માત્ર દાસીની પુત્રીએ જ ઈમાનદારીથી એનું પાલન કર્યું છે, બાકી બધી જ યુવતીઓ અસત્યનું પ્રમાણ લઈને આવી છે. દાસીપુત્રીને એની સત્યપ્રિયતાનું ઈનામ રાજયલક્ષ્મી બનવાના રૂપમાં મળ્યું.''

કર્તવ્ય કરતા રહો

એક રાજા હતો. તે પોતાની પ્રજાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખતો હતો, પરંતુ એકવાર તે રાજ્યનું કામ કરતાં કરતાં અને સમસ્યાઓ ઉકેલતાં ખૂબ પરેશાન થઈ ગયો. આથી પોતાના ગુરુ પાસે જઈને તેમને પોતાની આ મુશ્કેલી જણાવી. ગુરુએ કહ્યું કે, ''તું રાજ્ય ચલાવતાં હેરાન-પરેશાન થઈ ગયો છે, તેથી તું તારું રાજ્ય મને સોંપી દે. હું તેને ચલાવીશ. રાજા ખુશ થઈ ગયો. તેણે સંકલ્પ કરીને પોતાનું રાજ્ય ગુરુને સોંપી દીધું અને ત્યાંથી જવા લાગ્યો. ગુરુએ પૂછયું કે ક્યાં જાઓ છો ?''

રાજાએ કહ્યું, ''હું કોઈ નોકરી શોધી કાઢીશ.''

ગુરુએ કહ્યું કે, ''જો નોકરી જ કરવી હોય તો મારી નોકરી કર. મારી પાસે આટલું મોટું રાજ્ય છે, તું મારો સેવક બનીને રાજ્ય ચલાવ. હવે કશું તારું નથી, સારું થશે, ખરાબ થશે. લાભ થસે કે ખોટ જશે એ બધુ મારું જ થશે. તને વેતન મળી જશે.'' રાજાએ ગુરુની વાત સ્વીકારી લીધી અને પાછો આવીને રાજ્ય ચલાવવા લાગ્યો. એક મહિના પછી ગુરુએ આવીને પૂછયું કે ''બોલ બેટા ! હવે રાજ્ય ચલાવવાનું મુશ્કેલ લાગે છે ?'' રાજાએ કહ્યું કે, ''ના, ગુરુજી, હવે આમાં મારું શું છે ? હું આપની નોકરી કરું છું. સાંજે નિશ્ચિત થઈને સૂઈ જાઉ છું. તેથી હવે મને કોઈ સમસ્યા રહી નથી.'' રાજાની જેમ દરેક માણસ પોતાને માલિક માનવાના બદલે એક સેવક માનીને પોતાનું કર્તવ્ય નિભાવતો રહે તો તે પણ હંમેશા નિશ્ચિંત રહી શકે છે.

- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ