અહંકાર અને આસક્તિ યુક્ત દુનિયામાં તમે જીવો છો
આમ તમારા જીવનનું આત્મિક સત્ય આધાર રીત સૂત્ર જો તમારી પાસે જ છે. તમો જ તમારા જીવનના આત્મિક સત્યને ઘડનારા તમો સ્વયં છો. બીજો હોય શકે જ નહિ. પણ જો તમે તમારા અંતકરણ અને આત્મિક સત્યનો આત્મિક સાધનામાં ઉપયોગ જ નહિ કરો અને જોકના માલિકના કહ્યા અનુસાર ભક્તિ જપ કે સાધના બહાર બતાવવા માટે યા સિદ્ધિ, પ્રસિદ્ધિ કે ધનપ્રાપ્તિ માટે કરશો, તો પછી એ સઘળું બહાર જ રહેશે. એનું પુણ્ય પ્રાપ્ત થશે નહિ કે એનાથી શાંતિ મળશે નહિ. ભય ગ્રસ્ત મન સદાય રહેશે. જેથી અભય આનંદ પરમ શાંતિ અને મોક્ષની વાત તો હવામાં જ રહેશે. એટલું શુધ્ધ મનથી આત્મિક સત્યમાં સ્થિત થઈને અંતરથી જાણો અને જાગૃતિ પૂર્વક જીવો એજ સત્યને પ્રાપ્ત કરવાનો સત્ય આધારિત માર્ગ છે.
જાતને જાણીને સ્વભાવ અનુસાર સ્વસ્વરૂપતા ધારણ કરી આત્મિક સત્યના આધારે જીવન જીવે જવું. આનો અર્થ જીવનનો મર્મ એટલો જ કે તમારી સઘળી આંતર સત્ય ધર્મની આત્મધર્મની અને શુધ્ધ ધર્મની તમામ ધર્મપ્રક્રિયાઓ તમારા પોતાના જ આત્મિક સત્યના આધારેજ સત્ય દ્વારા ચાલવી જોઈએ. પણ તમારા હ્ય્દય અને આત્મા સાથે એનું જોડાણ અને તમારા પોતાના સ્વભાવ સ્વ સ્વરૂપતા નિસ્બત હોવી જ જોઈએ. આવું જીવન એજ ગીતાનો જીવન યોગ બનશે. આજની તમારી બાહ્ય ભક્તિમાં આવી કોઈ અંતરની શુધ્ધતા સાથે નિસ્બત હોતી નથી. હાથમાં જપમાળા હશે. પણ મનમાં બીજાને દેખાડવાનો ભાવ હશે. ચિત્ત પરોવ્યા વિના બાહ્ય બધી જ ધર્મક્રિયાઓ કરતા હશો, પણ ચિત્તમાં તો ધાર્મિકતા દેખાડવાનો પ્રચંડ અભરખો કામ કરતો હશે. બહારનો અહંકાર તમારી આસક્તિ પર વીંટળાઈ વળે છે. તમારા જીવનમાં આથી પહેલી વાત છે કે અહં, રાગદ્વેષ અને આંતર દ્વદ્વનો ત્યાગ કરવો જ પડે અને તમારે પોતાએ જ આત્મિક સત્યમાં સ્થિત થઈને સત્ય આધારિત આચરણ અને વ્યવહારો કરવા પડે અને કાળા નાણા ઊભા કરવા અને તેનું દાન કરીને કથાઓ કરાવી કે જોકના માલિકોને કાળા નાણાં ધરીને પુણ્ય પ્રાપ્ત કરવાનો અંતરનો ભાવ ત્યાગવો જ પડે તોજ તમારું આધ્યાત્મિક ઊર્ધ્વીકરણ કરી જ શકો છો. આ માટે તમે તમારી જાત પાસે તમારે જવું પડશે અને આત્મ ધ્યાન દ્વારા તમારા ભીતરમાં જાવ. તમારા પોતાના આત્માના કેન્દ્રને સ્પર્શવાનો પ્રયત્ન કરો. આ વાત જરા બીજી રીતે કરીએ. આત્માના કેન્દ્રથી શરૂ કરીને જીવનની સર્વ પ્રવૃત્તિઓનો વિચાર કરો. એનું વિશ્લેષણ કરો અને એની પોતાના આત્મા વિશેની ઉપયોગીતા અંગે ચિંતન કરો, મનન કરો અને આત્મસ્થ હ્ય્દયસ્થ થઈને સ્વભાવને જાણો તેમા જ સ્થિત થાવ તમારા પોતાના જ સ્વરૂપને જાણો ને તેમાં સ્થિત થાવ એજ તમારું સત્ય તમોને પ્રાપ્ત થશે જ એજ તમારા જીવનની મહાન સીધ્ધી બનશે.
(ક્રમશઃ)
- તત્ત્વચિંતક વી. પટેલ