- કોલસાની ખાણમાંથી નીકળેલો નાનો પથ્થર અગણિત વાર છોલાય છે. કેટલાય પાસા પડે છે ત્યારે તે ચમકીને કિંમતી હીરો બને છે. સાચો ખેડૂત ખેતર ખેડવાનું છોડતો નથી. વરસાદને આવવું હોય તો આવે
મહાભારતના આદિપર્વમાં મહર્ષિ વેદવ્યાસે એક આજ્ઞાાકારી શિષ્યની કથા કહી છે. ગુરૂ આયોદધૌમ્યનો ઉપમન્યુ નામે શિષ્ય હતો. ગુરૂએ તેને ગાયોની રક્ષા કરવાનું કામ સોંપ્યુ. ગાયો ચરાવી સાંજે પાછો ફર્યો ત્યારે ગુરૂએ પૂછયું : તું આખો દિવસ આશ્રમની બહાર હતો. તેં દિવસ દરમ્યાન શું ખાધું ?' ઉપમન્યુએ કહ્યું,' મેં ગામમાં જઈ ભિક્ષા માંગી અને પેટપૂજા કરી હતી. ગુરૂએ કહ્યું : ' ઉપમન્યુ, તારાથી ગુરૂને અર્પણ કર્યા વગર ભિક્ષાનું અન્ન ના ખવાય.' બીજા દિવસે તેણે મળેલી ભિક્ષા ગુરૂને અર્પણ કરી. પણ ગુરૂએ બધી જ ભિક્ષા લઈ લીધી. ઉપમન્યુ થોડીવાર ઉભો રહ્યો. પછી વંદન કરી જતો રહ્યો. બે દિવસ પછી ગુરૂએ ફરી પૂછયું : હવે તું શું ભોજન કરે છે ?' ઉપમન્યુએ સત્ય કહી દીધું. 'ગુરૂજી, તમને અર્પણ કર્યા પછી બીજી વાર હું ગામમાં ભિક્ષા માંગવા જઉં છું. જે મળે તે ગ્રહણ કરૃં છું. ગુરૂએ ભવાં ચડાવ્યાં. 'આ તો તેં અન્યાય કર્યો કહેવાય. ગ્રામજનો જો બે વાર ભિક્ષા આપે તો તેમને જીવનનિર્વાહમાં અડચણ ઉભી થાય. જી ગુરૂજી હવે બીજી વાર ભિક્ષા માંગવા નહીં જઉં ! ગુરૂએ જોયું શિષ્ય હજુય તંદુરસ્ત દેખાય છે. તેમણે કારણ પૂછયું. ત્યારે શિષ્યએ કહ્યું,' ગુરૂજી. જે ગાયો ચરાવા જાઉં છું તે ચરી લે પછી આરામ કરવા ઉભી રહે ત્યારે તેમનું દૂધ દોહીને પીવું છું. ગુરૂએ ચેતવ્યો. મારી આજ્ઞાા વગર આશ્રમની ગાયોનું દૂધ તારાથી ના પીવાય, આ ખોટું છે. ઉપમન્યુ નજર ઝૂકાવી કશું જ બોલ્યા વગર ત્યાંથી જતો રહ્યો, ગુરૂ શિષ્યની આકરી કસોટી કરી રહ્યા હતા. ત્યારપછી ગુરૂએ વાછરડા ધાવે પછી આંચળ પર બાઝેલું ફીણ લેવાનું પણ બંધ કરાવ્યું. પેટ ભરવાના બધા રસ્તા બંધ થઈ ગયા. એક બે દિવસ તો ખાધા વગર ચલાવ્યું પણ પછી તે ભૂખથી પરેશાન થઈ ગયો. છેવટે તેણે તીખા, કડવાં, ખારાં આકડાના પાન ચાવવા શરૂ કર્યા. પેટમાં બળતરા શરૂ થઈ. આંખથી દેખાતું બંધ થઈ ગયું. રસ્તાની સૂઝ ના રહી. ઉપમન્યુ અહીં તહીં ભટકવા લાગ્યો. તેને ખ્યાલ ના રહ્યો. અથડાતો રહ્યો. એક કૂવામાં પડી ગયો. ગુરૂને ચિંતા થઈ. આશ્રમમાં બધાને પૂછયું, સાંજ પડી ગઇ. ગુરૂ તેને શોધવા વનમાં ગયા. તેના નામની બૂમો પાડી. છેવટે કૂવામાંથી અવાજ સંભળાયો. સૌએ ભેગા મળી તેને બહાર કાઢયો. ઉપમન્યુએ આખી વાત કહી. શિષ્યનું અંધત્વ દૂર કરવા ગુરૂએ દેવતાઓના વૈદ્ય અશ્વિનીકુમારોની સ્તુતિ કરાવડાવી. શિષ્યએ પ્રાર્થના કરી. અશ્વિનીકુમાર હાજર થયા. ઉપમન્યુ અમે તારી ગુરૂ-ભક્તિથી પ્રસન્ન છીએ. તું ગુરૂની દરેક કસોટીમાંથી પાર ઉતર્યો છે. જે શિષ્ય ગુરૂની કડવી આજ્ઞાાને કસોટી સમજી પચાવી જાય છે તે ભગવાનને પણ ગમે છે. તે કસોટી પાર કરવાની શક્તિ આપે છે. તારા ગુરૂના દાંત લોખંડ જેવા છે પણ તારા દાંત સુવર્ણમય થઈ જશે.' ત્યારબાદ ઉપમન્યુએ ગુરૂજીના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. 'ઉપમન્યુ, તું મારો આદર્શ શિષ્ય છે. તને સંપૂર્ણ વેદ અને ધર્મશાસ્ત્રોનું જ્ઞાાન સહેલાઈથી પ્રાપ્ત થશે. એષા તસ્યાપિ પરીક્ષોપમન્યો. આમ ઉપમન્યુ આકરી પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ ગયો. ગુરૂનું નામ ઉજ્જવળ કર્યું.
દરેકના જીવનમાં ડગલેને પગલે કસોટીની ઘડી આવે છે. ખોટા પરિણામની ફડકથી રસ્તો સૂઝે નહિ ત્યારે માણસ વ્યથા અનુભવે છે. કુરૂક્ષેત્રના મેદાનમાં ઉભેલા અર્જુનની માફક ગાત્રો ઢીલાં થઈ જાય છે. શરીર કંપવા લાગે છે, અર્જુન પાસે જેમ કૃષ્ણ રૂબરૂ હતા તેમ આપણી પાસે પણ હિંમતરૂપે તે હાજર છે. આપણી ધીરજની પરીક્ષા થતી હોય ત્યારે બે-ત્રણ ફૂટનો ખાડો ખોદી એમ ના માની લેવું કે જમીનમાં પાણી જ નથી. પાણી તો હોય જ છે. થોડાક વધારે પ્રયત્નો, થોડીક વધારે ધીરજ રાખવાથી ભીનાશ દેખાયા વગર રહેતી નથી.
ભારતના મહાન વૈજ્ઞાાનિક જગદીશચંદ્ર બોઝને વિશ્વાસ થઈ ગયો કે માણસની માફક વનસ્પતિ પણ સજીવ હોય છે તેમને પણ દુ:ખ પીડાનો અનુભવ થાય છે. આ વાત સિધ્ધ કરવા તેમણે એક પ્રયોગ-પ્રદર્શનનું આયોજન કર્યું. જાણીતા વૈજ્ઞાાનિકો તથા રૂચિ ધરાવતા માણસો ભેગા થયા. જગદીશચંદ્રએ એક શીશીમાંથી ઝેર લઈ છોડને ઇન્જેક્શન આપ્યું. એમની શોધ મુજબ છોડ તરત જ મૂરઝાઈ જવો જોઈતો હતો. પણ એવું ના બન્યું. લોકો હસવા લાગ્યા. જગદીશચન્દ્ર માટે આ કટોકટીની, પરીક્ષાની ઘડી હતી. પણ તે મક્કમ હતા. ' આ છોડને ઝેરની કોઈ અસર નથી થઈ, એનો અર્થ એકે મને પણ ઝેરની અસર નહીં થાય ! એમ કહી તેમણે શીશી ઉઠાવી અને ઝેર ગટગટાવી ગયા. સન્નાટો છવાઈ ગયો. બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા, ત્યાં જ જગદીશચન્દ્ર સાથે કામ કરતા એક ભાઈ ઉભા થયા. બધાને શાંત પાડયા. 'મિત્રો, મેં ઝેરની શીશી બદલીને એની જગ્યાએ પાણીની શીશી મૂકી દીધી હતી. હું જાણું છું મારા મિત્ર તેમની વાત સિધ્ધ કરવા જીવનું પણ જોખમ લઈ શકે છે. એટલે મેં.. 'ત્યાં જ જગદીશચંદ્રએ ફરીએ છોડને ઝેરી ઇન્જેક્શન આપ્યું. બધાના દેખતાં પળવારમાં છોડ સૂકાઈ ગયો. લોકોએ તાળીઓથી તેમના પ્રયોગને વધાવી લીધો. જગદીશચંદ્રને સંતોષ થયો કે આકરી મહેનત પછી તે આ પ્રયોગની પરીક્ષામાં પાસ થઈ ગયા.
‘An unexamined life is not worth living.’
પરીક્ષા વગરની જિંદગીનો કોઈ અર્થ નથી. જીવનમાં ઉભા થતા પ્રશ્નોને પડકારવાની હિંમત ના હોય, સ્ફૂર્તિ ના હોય, રોમાંચ કે જુસ્સો ના હોય તો જીવન નિષ્ક્રિય બની જાય છે. જેમ્સ ગારફિલ્ડ અમેરિકાના પ્રમુખ બન્યા તે પહેલાં કોલેજમાં પ્રિન્સિપાલ હતા. તેમની પાસે એક અમીર પિતા પોતાના પુત્રને લઈને આવ્યા કહ્યું,' સર, મારે મારા પુત્રને લાંબા લાંબા કોર્સ કરાવી એના વર્ષો નથી બગાડવા. કોઈ ટૂંકો કોર્સ હોય તો કહો. જેથી ઝડપથી ડિગ્રી મળી જાય. 'ગારફિલ્ડે કહ્યું, મને ખબર નથી કે તમારે પુત્રને કેવો બનાવવો છે ! પણ જ્ઞાાન મેળવવાનો કોઈ ટૂૂંકો રસ્તો નથી હોતો. ઉતાવળ કરવી એટલે સમય બચાવવા ઘડિયાળ બંધ કરવા જેવું છે. તેને એક પછી એક કોર્સ કરવા દો. દીકરાનું મનોબળ મજબૂત બનાવવું હોય તો તેને એક એક ઇંટ મૂકી જ્ઞાાનની ઇમારત ચણવા દો.'
કોલસાની ખાણમાંથી નીકળેલો નાનો પથ્થર અગણિત વાર છોલાય છે. કેટલાય પાસા પડે છે ત્યારે તે ચમકીને કિંમતી હીરો બને છે. સાચો ખેડૂત ખેતર ખેડવાનું છોડતો નથી. વરસાદને આવવું હોય તો આવે. ઉપરવાળાની મરજી પરિણામ ગમે તે આવે આત્મ-સાધક ઇશ્વર તરફ જવા દરેક કસોટી માટે તૈયાર રહે છે. મુશ્કેલી આવે ત્યારે સમજવું કે ઇશ્વર આપણને ચકાસી રહ્યો છે. ઇશ્વરના દિલમાં ઉતરવાની એક તક મળી છે. જો ચકાસણીમાં પાછા પડીશું તો ઇશ્વરની નજરમાંથી પણ ઉતરી જઇશું.
- સુરેન્દ્ર શાહ


