શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવ, એક એવા વિભૂતિ હતા કે, જેમનામાં શ્રીમદ્ શંકરાચાર્ય જેવી મેઘા શક્તિની પ્રખરતા અને ચૈતન્યદેવ જેવી હૃદયની વિશાળતા હતી. દરેક સંપ્રદાયમાં એક જ ચૈતન્યનો... એજ ઇશ્વર કાર્ય કરી રહેલો જોતાં. ભૂત માત્રમાં ઇશ્વરને જોતા.
જેમનું હૃદય દરેક માટે દ્રવતું. દેશ કે દુનિયામાં ગરીબ, દુર્બળ, અછૂત, પદદલિતને... સર્વને માટે હૃદય દ્રવતું. એમની તેજસ્વી બુદ્ધિ, એવા ઉદ્દાત વિચારો પ્રગટ કરતી કે જે દુનિયાના સર્વધર્મ સંપ્રદાયો માટે, સમન્વય સાધી શકે. સામંજસ્યથી રચાયેલો વિશ્વવ્યાપી ધર્મ લાવી શકે. આવા પ્રગટ પરમાત્મા સ્વરૂપ શ્રી રામકૃષ્ણપરમહંસ દેવના ચરણોમાં પૂર્ણ સમર્પિત ભાવે બેસવાનું સૌભાગ્ય, સ્વામી વિવેકાનંદજીને મળ્યું હતું.
શ્રી રામકૃષ્ણદેવનું જીવનકાર્ય એક એવા શહેરની (કલકત્તાની) લગોલગ હતું કે, જે પાશ્ચાત્ય વિચારોથી ભરપૂર હતું. જે શહેર પશ્ચિમની પાછળ ગાંડું થઈ ગયું હતું. જે શહેર બીજા શહેરો કરતાં વધુ પાશ્ચાત્ય બની ગયું હતું.
એક આશ્ચર્યજનક વાત તો એ હતી કે તેમનામાં પુસ્તકિયું જ્ઞાન ન હતું. આ મેધાવી માનવ પોતાનું નામ સરખું લખતા શીખ્યા ન હતા.
પરંતુ, આપણા વિશ્વવિદ્યાલયોના અતિ તેજસ્વી પદવીધારકોને જણાયું કે આ પુરુષ (શ્રીરામકૃષ્ણદેવ) બુદ્ધિનો, મેઘાશક્તિનો તો હિમાલય છે. આમ રામકૃષ્ણ દેવ એક અદ્ભુત પુરૂષ હતા.
આવા શ્રી રામકૃષ્ણદેવ, ભારતના સંતોની પૂર્તિ હતા. આ યુગના ઋષિ હતા. એમનો ઉપદેશ હાલના યુગમાં વધુ લાભદાયક છે. એમની પાછળ દિવ્ય શક્તિ કામ કરતી હતી.
કામિની-કંચનના ત્યાગને શ્રી રામકૃષ્ણ આધ્યાત્મિક જીવનની પૂર્વ શરત માનતા. ત્યાગ અને અનાસક્તિથી નિર્મળ બનવું જોઈએ તો જ નૈતિક આધ્યાત્મિક પ્રગતિ થઈ શકે છે. એવો એમનો બોધસાર હતો.
આવા, એક ગરીબ બ્રાહ્મણના પુત્ર, એક ખૂણે રહેલા ગામડામાં જન્મેલા... અજ્ઞાત અને અખ્યાત... જે આજે યુરોપ-અમેરિકામાં... દેશમાં... દુનિયામાં હાલ પણ પૂજાઈ રહ્યા છે. ઇશ્વરની યોજના કોણ જાણી શકે ?
આવા પરમહંસ દેવે માનવની ભૂમિકા વટાવી દીધી હતી. તેમણે શરીર અને મનને પોતાનાથી અલગ કરી દીધા હતા. પ્રકૃતિની મર્યાદાઓને પણ તે ઓળંગી ગયા હતા. આખી પ્રકૃતિ તેમને માટે આત્મા બની ગઈ હતી. તેમનું આખું જીવન ઇશ્વરમય બની ગયું હતું. તેમના રોમરોમમાં દિવ્ય આધ્યાત્મિક શક્તિ પ્રગટી ઊઠી હતી.
'માનવ પોતાનું દિવ્યત્વ પોતાની શક્તિ અનુસાર વહેલું કે મોડું અવશ્ય પ્રાપ્ત કરશે.' આ અભયવચન તેમણે માનવ ઇતિહાસમાં સર્વ પ્રથમવાર આપ્યુ. શ્રીરામકૃષ્ણનાં વચનો, ભગવાનના શ્રીમુખેથી વહેલી ભગવદ્વાણી રૂપ હતા. શ્રીરામકૃષ્ણદેવનાં અનુભૂતિપૂર્ણ સરળ વચનામૃતો જિજ્ઞાસુ ભક્તોને ભગવદ્પ્રાપ્તિના પંથે દોરી જવામાં ઉપયોગી થઈ પડે તેવાં છે.
શ્રીરામકૃષ્ણ દેવના ભક્તો અસંખ્ય છે. તેમના સંવરણ (ઇ.સ. ૧૮૮૬) પછી ભક્તોની સંખ્યા ઘણી વધતી ગઈ છે. સમસ્ત દેશ-વિદેશે હાલમાં, શ્રી રામકૃષ્ણ મઠ, વિવેકાનંદ કેન્દ્રો દ્વારા અનેક પ્રકારની આધ્યાત્મિક, જીવનઘડતરની, દરિદ્ર નારાયણોની સેવા, શૈક્ષણિક, આરોગ્ય, વિજ્ઞાન વિકાસ, કૃષિસંવર્ધન યુવાવિકાસ વિશ્વશાંતિ જેવી પ્રવૃત્તિઓ સતત ચાલે છે.
તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્ ।
શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ ।।


