યોગ - એક અભ્યાસ .
- ભગવાન કૃષ્ણએ પણ યોગ નો મહિમા અર્જુનને ભગવત ગીતા માં સમજાવ્યો છે જેમાં કર્મ યોગથી કર્તવ્ય કર્મ યોગ સાથે ભક્તિ યોગનું પણ મહત્વ આપ્યું છે...
ભા રતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ ૫૦૦૦ વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાાન છે. આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૨૧ જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ ૨૦૧૫માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે. તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે વિવિધ યોગાસનો દ્વારા પોતાના શરીરને ચુસ્ત રાખતા હોય છે. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ એક વિશેષ કારણ છે.
International Yoga Day ઈતિહાસ: વિશ્વ યોગ દિવસ ઉજવવાના પ્રસ્તાવના મૂળિયા વર્ષ ૨૦૦૧માં નખાયા હતા જ્યારે પોર્ટુગિઝમાં યોગ પરિષદનું આયોજન થયું હતું. ત્યાર પછી ૨૧ જુન, ૨૦૦૨ના રોજ પ્રથમ 'વિશ્વ યોગ દિવસ' ઉજવવામાં આવ્યો હતો. ત્યાર પછી બેંગલુરુમાં ૪ અને ૫ ડિસેમ્બર, ૨૦૧૧ દરમિયાન યોજાયેલી 'યોગ- વિશ્વશાંતિ માટેનું વિજ્ઞાાન' નામની એક પરિષદનું આયોજન થયું હતું ત્યારે તેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ ઉજવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઈતિહાસમાં આ પ્રથમ વખત સમગ્ર વિશ્વમાંથી આવેલા યોગ ગુરૂઓએ યોગ માટેનો એક આંતરરાષ્ટ્રીય દિવસ હોવો જોઈએ તેનો વિચાર તરતો મુક્યો હતો.
૨૧ જૂનના રોજ હોય છે સૌથી લાંબો દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, આ એ દિવસ છે જ્યારે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ દિવસે સૂર્યોદય વહેલા થાય છે અને સૂર્યાસ્ત પણ સૌથી મોડે થાય છે. આ ઉપરાંત, ભારતમાં ૨૧ જૂન ઉનાળાની સંક્રાંતિનો પણ દિવસ હોય છે. પીએમ મોદીએ યોગના મહત્વ પર ચર્ચાકરી હતી.
સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ: ૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ૨૧ જૂનનો દિવસ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવા માટે ૬૯/૧૩૧ નંબરનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને સંયુક્ત રાષ્ટ્રોના ૧૯૩ સભ્ય રાષ્ટ્રોમાંથી ૧૭૭ રાષ્ટ્રોએ સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં આ ઠરાવને પેટા સમર્થન આપનારા પણ ૧૭૫ દેશ હતા, જે અત્યાર સુધીનું સૌથી મોટું સમર્થન હતું. ત્યાર પછી વર્ષ ૨૦૧૫થી સમગ્ર દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની શરૂઆત: ૨૧ જૂન, ૨૦૧૫ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વના અનેક દેશોના વિવિધ શહેરોમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. દિલ્હીમાં રાજપથ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહ્યા હતા. તેમની સાથે જ જુદા-જુદા ૮૪ દેશના પ્રતિનિધિ સહિત કુલ મળીને ૩૫,૯૮૫ લોકોએ ૩૨ મિનિટ સુધી વિવિધ યોગાસન કર્યા હતા. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો દ્વારા યોગ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો.
ભગવાન કૃષ્ણએ પણ યોગ નો મહિમા અર્જુનને ભગવત ગીતા માં સમજાવ્યો છે જેમાં કર્મ યોગથી કર્તવ્ય કર્મ યોગ સાથે ભક્તિ યોગનું પણ મહત્વ આપ્યું છે જેનો ટૂક માં સાર એ છે કે કર્મ કરવા થી મનુષ્ય જે તે કર્મ ના બંધન માં મુકાય છે ત્યારે ભગવાન કર્તવ્યરૂપી કર્મ કરવાનું મહત્વ સમજાવે છે જેનાથી એ કર્મ પણ ઉત્તમ દિશા પ્રાપ્ત કરે છે સાથે ભક્તિ યોગ કરવાથી અજ્ઞાાન ના અંધકાર માથી દૂર થાય જ્ઞાાન ના દિવ્ય પ્રકાશ તરફ જઇ શકાય છે.
અત્યાર સુધીના યોગ દિવસની થીમ:
2015 : Yoga for Harmony and Peace (સદભાવ અને શાંતિ માટે યોગ)
2016 : Connect the Youth (યોગ વડે યુવાઓને જોડો)
2017 : Yoga for Health (આરોગ્ય માટે યોગ)
2018 : Yoga for Peace (શાંતિ માટે યોગ)
2019 : Yoga for Climate Action (પર્યાવરણ માટે યોગ)
2020 : Yoga for health-Yoga at home (સ્વાસ્થ્ય માટે યોગ- ઘરેથી યોગ)
2021 : Yoga at home yoga with family (ઘરે યોગ પરિવાર સાથે)
- પ્રાર્થના રાવલ