Get The App

માંડવ્ય ઋષિના શ્રાપથી 'યમરાજા'ને ભૂલની સજા ભોગવવી પડેલી

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
માંડવ્ય ઋષિના શ્રાપથી 'યમરાજા'ને ભૂલની સજા ભોગવવી પડેલી 1 - image

યાત્રા દરમિયાન વિદુરજી, ગંગા કિનારે આવેલા, ઋષિ મૈત્રેયજીના આશ્રમમાં આવ્યા. વિદુરજીએ મૈત્રેયજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

મૈત્રેય ઋષિજીએ કહ્યું, 'વિદુરજી હું તમને ઓળખું છું. તમે કોઈ સાધારણ મનુષ્ય નથી. તમે 'યમરાજા'ના અવતાર છો. 'માંડવ્ય ઋષિ'ના શાપથી તમારો 'દાસીપુત્ર' તરીકે ક્ષુદ્રને ઘેર જન્મ થયો છે.

તેની કથા છે કે : એક વખત કેટલાક ચોરોએ રાજાના ખજાનામાંથી ચોરી કરી નાસવા લાગ્યા. ચોરો ભાગ્યા. રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો. ચોરોએ ચોરેલું ઝવેરાત આશ્રમમાં ફેંકી દીધું, ને નાસી ગયા.

રાજાના સૈનિયોએ જોયું તો ઝવેરાત આશ્રમમાં પડયું હતું. તેથી સૈનિકોએ માન્યુ ંકે ચોરી 'માંડવ્ય ઋષિ'એ કરી છે. તેથી સઘળી ઝવેરાત સાથે રાજા સમક્ષ માંડવ્ય ઋષિને લાવ્યા. રાજાએ માંડવ્ય ઋષિને ફાંસીની સજા કરી દીધી. તેમને શૂળી ઉપર ચઢાવવામાં આવ્યા.

માંડવ્ય ઋષિ તો શૂળીએ ચઢી ગાયત્રી મંત્રનો જાપ કરવા માંડયા. જીવંત હતા ને જાપ ચાલુ હતો.

ઋષિનું તેજ જોઈ રાજાને લાગ્યું કે આ કોઈ તપસ્વી મહાત્મા છે. રાજા ગભરાયો. ઋષિને શૂળી ઉપરથી નીચે ઉતરાવ્યા.

સઘળી હકીકત જાણી રાજાને દુ:ખ થયું. મેં નિરપરાધી ઋષિને શૂળી ઉપર ચઢાવ્યા. રાજાએ માંડવ્યઋષિને દંડવત્ પ્રણામ કરીને માફી માગી... 'મને માફ કરો.'

માંડવ્ય ઋષિ રાજાને કહેવા માંડયા, 'હે રાજન્ ! તને ક્ષમા આપીશ. પણ , હું યમરાજાને પૂછવા જાઉં છું કે 'શા માટે મને આવી સજા કરાવી ? મેં કોઈ પાપ કર્યું નથી. હું યમરાજાને માફ નહિ કરી શકું.' મેં પાપ કર્યું નથી પછી મારે શા માટે યમરાજથી ડરવું પડે ? માંડવ્ય ઋષિને પોતાના શુદ્ધ ચારિત્ર્ય ઉપર દ્રઢ વિશ્વાસ છે. ભરતખંડના નિષ્પાપ આવા શુદ્ધ પવિત્ર ઋષિઓથી ભારતીય સંસ્કૃતિ આજે શોભે છે.

માંડવ્ય ઋષિ યમરાજાના દરબારમાં આવ્યા. યમરાજાને પૂછે છે, 'મેં બિલકુલ પાપ કર્યું નથી તો મને શા માટે શૂળીએ ચઢાવ્યો ? શૂળી ઉપર ચઢાવવાની સજા મને મારાં કયાં પાપો અંગે કરવામાં આવી ?

યમરાજાએ કહ્યું, 'તમે ત્રણ વર્ષના હતા ત્યારે તમારાથી એક પતંગિયાની પાંખે સામાન્ય ઇજા થયેલી.'

માંડવ્ય ઋષિએ કહ્યું, 'શાસ્ત્રમાં આજ્ઞાા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાાનાવસ્થામાં કોઈક પાપ કરે તો તેને સજા સ્વપ્નમાં કરવામાં આવે છે. હું તો બાળક હતો. અજ્ઞાાન હતો. તેથી મારી ભૂલની સજા સ્વપ્નમાં કરવી જોઈતી હતી. તમે મને ગેરવ્યાજબીપણે સજા કરી છે. તેથી તમને શાપ આપું છું કે તમારે ક્ષુદ્ર યોનિમાં જન્મ લેવો પડશે.'

આ પ્રમાણેના માંડવ્ય ઋષિના શાપથી યમરાજા 'વિદુરજી' તરીકે, 'દાસીને ઘેર' જન્મ્યા.

પાપ જાણીને કરો, કે અજાણતાં. પણ નાની મોટી સજા જરૂર ભોગવવી પડે છે. પાપ તો ભોગવવું જ પડે. ભોગવ્યા વિના પાપનો નાશ થતો નથી.

- લાભુભાઈ ર. પંડયા