યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૌ નમસ્તસ્યૈ નમો નમ:
વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. અષાઢ, આસો, માઘ અને ચૈત્ર -
શાસ્ત્રોમાં નવરાત્રીમાં માં જગદંબાની આરાધનાને પરમસત્તા કહી છે. કેનઉપનિષદમાં માં ઊમા સ્વરૂપે શક્તિ અવતારની કથા અને આરાધનાની સાધનાનો ઉલ્લેખ છે. માં ની આરાધનાના અધ્યાત્મ વિદ્યાના તત્વદર્શિઓએ અનેક રહસ્યો અને તથ્યો રજુ કર્યા છે.
રામકૃષ્ણ પરમહંસની મહાકાલીની ઉપાસનાથી સ્વામી વિવેકાનંદજીને આત્મશક્તિ દ્વારા સંપન્ન બનાવી મહાસંતની પંક્તિમાં મુકી દીધા. તેથી નવરાત્રી શક્તિ જગદંબાની સાધનાનો વિશિષ્ટ કાળ છે. માં જગદંબા ભગવાનની સાક્ષાત્ યોગમાયા છે. જે સંપૂર્ણ યોગ-ઐશ્વર્યથી સંપન્ન છે. તેમની કરૂણાનો કોઈ પાર નથી.
શક્તિનું અંત:ર્મુખ થવું તે શિવ છે અને શિવનું બહિર્મુખ થવું શક્તિ છે. નિષ્કામ ભાવે આરાધના કરવામાં આવે તો અદ્ભુત પરિણામો પ્રાપ્ત થાય છે. તેથી આસો માસની નવરાત્રીમાં ભક્તો વિવિધ પ્રકારે આરાધના કરે છે. આગળના દિવસે એટલે કે અમાસના દિવસે ઘટ:સ્થાપન થાય છે. ઝવારા વાવવામાં આવે છે. સ્થાપના કરી મૂર્તિ યા છબી સ્થાપિત કરી સ્નાન-ધ્યાન અને મંત્રજાપ દ્વારા આરાધનાનો પ્રારંભ કરે છે. નવ દિવસ અનુષ્ઠાન દ્વારા સવા લક્ષ જપ કરવામાં આવે છે. નવાર્ણ મંત્ર દ્વારા ''ઓમ હ્રીં ક્લીમ્ ચામુંડા વિચ્ચૈ'' બાદમાં દશાંશ હોમ થાય છે. રિવાજ પ્રમાણે નૈવેદ્ય થાય છે. 'પ્રથમં શૈલ પુત્રીંચ, દ્વિતીયં બ્રહ્મચારીણી, તૃતીય ચંદ્રઘંટેતી, કુષ્માંડેતી ચતુર્થકમ્ પંચમં સ્કંદમાતેતી ષષ્ઠં કાત્યાયનીતીચ, સપ્તમં કાલરાત્રીશ્ચ મહાગૌરીતિચાષ્ટમ્ નવમં સિદ્ધિદાત્રીશ્ચ નવદુર્ગા પ્રકિર્તિતા આ નવ માસનું સ્મરણ કરવાથી વિઘ્નો દુર થાય છે.
- પુરાણી મહેન્દ્ર મહારાજ
શારદીય નવરાત્રી
- ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ - માતા શૈલપુત્રીની પૂજા
- ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ - માતા બ્રહ્મચારિણીની પૂજા
- ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ - માતા ચંદ્રઘંટાનું પૂજન
- ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૫ - માતા કુષ્માંડાની પૂજા
- ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ - માતા સ્કંદમાતાની પૂજા
- ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૫ - માતા કાત્યાયનીની પૂજા
- ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ - માતા કાલરાત્રીની પૂજા
- ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ - માતા સિદ્ધિદાત્રીની પૂજા
- ૦૧ ઓક્ટોબર ૨૦૨૫ - માતા મહાગૌરીની પૂજા
- ૦૨ ઓક્ટોબર ૨૦૨૫ - વિજયાદશમી (દશેરા)