ચં ડીપાઠના દેવીકવચમાં જગદંબા માં દુર્ગાનાં મુખ્ય નવ સ્વરૂપોના નામ પ્રગટ કર્યા છે. પહેલું સ્વરૂપ શૈલપુત્રી, બીજુ બ્રહ્મચારીણી, ત્રીજુ ચન્દ્ર ઘંટા, ચોથું કુષ્માંડા, પાંચમું સ્કન્દમાતા, છઠ્ઠું કાત્યાયની, સાતમું કાલરાત્રી, આઠમું મહાગૌરી અને નવમું સ્વરૂપ સિધ્ધદાત્રી.
મા દુર્ગાના આ મુખ્ય નવ સ્વરૂપોનાં ઉપસ્વરૂપોનું મહાત્મ, પ્રાર્થના, વંદના અધ્યાય- ૫ શ્લોક નં.૧૪ થી ૭૫માં વર્ણવ્યા છે. જેમાના પવિત્ર નવરાત્રીમાં નવ દિવસના મુખ્ય સ્વરૂપોની પ્રાર્થના અને તેનું મહત્વ સમજવા નવલા દિવસોમાં ચિંતન- મનન કરીએ.
આદ્યશક્તિ જગત જનની માં જગદંબાના વિવિધ અનિવાર્ય અંશરૂપોથી માનવ જીવનનું અસ્તિત્વ ટકી રહ્યું છે. જગદંબા દુર્ગા માનવ જીવનમાં જુદા જુદા નવ અંશસ્વરૂપે વિદ્યમાન છે જેમકે શક્તિરૂપે, લક્ષ્મી, ક્ષુધા, નીદ્રા, સ્મૃતિ, શાંતિ, માતા, શ્રધ્ધા અને પ્રજ્ઞાા આ નવ માતાના સ્વરૂપો છે. આ સ્વરૂપોની મહત્તા સમજવાનો પુરુષાર્થ કરીએ.
૧) યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:।
માનવીને જીવનમાં પુરુષાર્થ કાર્યો કરવા માટે શક્તિની જરૂર પડે છે. આથી દેવતાઓ દેવીના શક્તિ સ્વરૂપને નમસ્કાર કરે છે. નારાયણ વિષ્ણુ જે અવતારી કાર્યો કરે છે તેને પણ વિશ્વ કલ્યાણ માટેના કાર્યોમાં શક્તિની જરૂર પડે છે.
માનવમાં રહેલી દેવી સ્વરૂપ શક્તિને નમસ્કાર
૨) યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ્:।
લક્ષ્મી એ નારાયણની પત્ની છે. જ્યાં નારાયણનો વાસ છે. ત્યાં લક્ષ્મી હોવાની પણ જ્યાં માત્ર લક્ષ્મીનું જ મહત્વ હોય ત્યાં નારાયણનો વાસ ન પણ હોઈ શકે.
કારણકે લક્ષ્મી બે પ્રકારની હોય છે. સુરિ લક્ષ્મી અને આસુરિ લક્ષ્મી આસુરિ લક્ષ્મી (અપ્રામાણિક), દુઃખ આપી, અશાંતિ ઉભી કરી રડાવે. જ્યારે સૂરિ લક્ષ્મી (નીતિમય) સદ્કાર્ય કરાવી જીવનમાં હાસ્ય સાથે સુખ, શાંતિ આનંદ અને ભક્તિના આશીર્વાદ આપે. દેવીના આ લક્ષ્મી સ્વરૂપને નમસ્કાર.
૩) યા દેવી સર્વભૂતેષુ ક્ષુધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમ: તસ્યૈ નમો નમ: ।
પ્રત્યેક જીવાત્માને પેટનો ખાડો પૂરવા કાયમ અન્નની આવશ્યકતા રહે છે. સંસારનો ત્યાગ કરનાર સંન્યાસી પણ સંસારી ગૃહસ્થને ઘેર માધુકરી-ભિક્ષા માટે ભ્રમણ કરે છે ! દેવતાઓ આ ક્ષુધા રૂપે રહેલી દેવી સ્વરૂપને નમસ્કાર કરે છે.
૪) યા દેવી સર્વભૂતેષુ નીદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ।
નીદ્રાનું મહત્વ દર્શાવવા ઇશ્વરે બાર કલાક વ્યવસાય માટે અને એટલા જ કલાક વિશ્રાંતિ- નીદ્રા માટે આયોજીત કર્યા. આવા નીદ્રા દેવીના સ્વરૂપને વંદન.
૫) યા દેવી સર્વભૂતેષુ સ્મૃતિ રૂપેણ સંસ્થિતા નમસ્તયૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:।
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે, માનવીની સ્મૃતિ નાશ થવાથી સર્વનાશ થાય છે. માનવને મતિ ભ્રષ્ટ થતા અટકાવતા દેવીના સ્મૃતિ સ્વરૂપને નમસ્કાર, પ્રણામ.
૬) યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:।
શાંતિ બહારથી મળતી નથી પણ અંદરથી ઉદ્ભવે છે. પરંતુ માનવીની સ્થિતિ, નાભીમાં રહેલી કસ્તુરીની સુગંધને શોધવા મૃગજળ પાછળ વૃથા દોડતા હરણ જેવી થઈ ગઈ છે ! માનવ શાંતિને ઉલટી દિશામાં બહાર શોધી રહ્યો છે, ભટકી રહ્યો છે... દુઃખી થઈ રહ્યો છે ! ઘરમાં ખોવાયેલી સોયને ફળિયામાં શોધવા નિષ્ફળ મથામણ કરી રહ્યો છે ! શાંતિ રૂપે રહેલી દેવી સ્વરૂપને વંદન પ્રણામ.
૭) યા દેવી સર્વભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ, નમઃ સ્તસ્યૈ નમો નમ:।
નવરાત્રીમાં પ્રત્યેક નારીમાં રહેલી માતૃશક્તિને પહેચાનવાથી- દૃષ્ટિકોણ બદલવાથી માનવમાથી મહામાનવનું સર્જન શક્ય બને. તેમાં બીજા વગડાના વા, ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર, જે કર ઝૂલાવે પારણું તે જગત પર શાસન કરે અને 'અર્પિ દઉ સો જન્મ એવું માં તુજ લહેણું..' ચામડાની જીભથી માંનો મહિમાં કેટલો ગાઈ શકાય. આવી માતૃસત્તા સ્વરૂપે જગદંબાને નમન.
૮) યા દેવી સર્વભૂતેષુ શ્રધ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમઃસ્તસ્યૈ નમો નમ: ।
શ્રધ્ધાના બળે મીરાંબાઈએ કાળા પથ્થરનાં શાલીગ્રામમાંથી કનૈયાને પ્રગટ કર્યો હતો. આ છે શ્રધ્ધાનો ચમત્કાર જીવનમાં શ્રધ્ધા સ્વરૂપે દેવી સ્વરૂપને પ્રણામ.
૯) યા દેવી સર્વભૂતેષુ શ્રધ્ધા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમઃસ્તસ્યૈ નમો નમ: ।
આવો, આપણે સૌ સાથે મળી મનની પવિત્રતા, અંતઃકરણની શુધ્ધતા તેમજ સત્કાર્યો દ્વારા સમાજ સેવાની ભાવનાની પ્રાપ્તિ અર્થે 'આત્મા સો પરમાત્મા'ના સિધ્ધાંતને જીવનમાં ધારણ કરવા. નોરતાના નવલા નવ દિવસ આદ્યશક્તિ જગદંબાના નવ સ્વરૂપની સાધના કરીએ. સ્તોત્ર પાઠ કરીએ, માં તું કાળીને કલ્યાણી રેમાં જ્યાં જોઉ ત્યાં જોગમાયા.. જેવા ગરબાના ગુંજન તથા જપનાં માધ્યમથી વસુધૈવ કુટુંબકમ્ની ભાવસંવેદના દૃઢ થાય તે માટે એકાગ્રતાથી હૃદયના ભાવ સાથે માને પ્રાર્થના કરીએ- 'હે સવિતા દેવતા તમે અમોને સદ્બુધ્ધિ આપો જેથી અમે સન્માર્ગ તરફ ગતિ કરીએ.
- હરસુખલાલ સી.વ્યાસ


