Get The App

પરમાત્માની ઉપાસના શુદ્ધ અંતઃકરણ દ્વારા જ થઈ શકે

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
પરમાત્માની ઉપાસના શુદ્ધ અંતઃકરણ દ્વારા જ થઈ શકે 1 - image

માનવ જીવનનો ઉદ્દેશ્ય પરમ તત્વ પરમાત્માની ઉપાસના કરવી અને તે પરમ તત્વમાં એકાકાર બનીને બ્રહ્માનંદની અનુભૂતિ સ્વીકારવી.

પરમાત્મા આપણાથી ભિન્ન નથી. સમગ્ર જીવ સૃષ્ટિ, વસ્તુ, પદાર્થ પરમતત્વનો વિસ્તાર જ છે. આવું જ્ઞાન તો લગભગ દરેકને છે. છતાં સામેની વ્યક્તિ સાથે વ્યવહાર કરવાનો પ્રસંગ આવે ત્યારે આ જ્ઞાન ભૂલી જવાય છે. સંતો કહે છે કે જાણવું એટલું પૂરતું નથી. જે કાંઈ સદ્જ્ઞાન મેળવ્યું છે તેનો ઉપયોગ કરીને અન્યોઅન્ય સારો વહેવાર કરતાં શીખવાનું છે.

આપણે જપ, તપ, માળા, યજ્ઞા કે અનુષ્ઠાન કરીએ તેને ઉપાસના કહેવાય છે. ઉપાસના કરીએ ત્યારે આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. મલીન અંતઃકરણ આપણને ઇશ્વરની અનુભૂતિ થવા દેતું નથી.

સૌથી પહેલું વિઘ્ન આપણો અહંકાર છે. હું કાંઈક છું. મારા થકી જ આ સંસાર ચાલી રહ્યો છે. હું ના હોત તો આ બધાનું શું થાત ! આવી ઘેલછા આપણને નમ્ર અને ખૂલ્લા દિલના બનવામાં બાધક છે.

મારામાં જે કાંઈ ક્ષમતા, ઐશ્વર્ય કે જ્ઞાન છે તે માત્ર પરમાત્મા થકી મને મળેલો ઉપહાર છે. તેમ સમજીને નમ્રભાવે આપણી તે ક્ષમતાનો સંસારના લોકોના ભલા માટે કરતા શીખવું તેને ભક્તિ કહે છે. ભગવાન અત્ર, તત્ર, સર્વત્ર છે. કણ-કણમાં વ્યાપ્ત પરમાત્મા દૂધમાં ઘી ની જેમ ઓતપ્રોત છે. દૂધને અમુક પ્રક્રિયામાંથી પસાર કરીને ઘી મેળવી શકાય છે તેમ તે પરમ કૃપાળુ પરમાત્માની અનુભૂતિ કરવા શુદ્ધ અંતઃકરણ વડે ઉપાસના કરતા શીખવાનું છે.

મહાત્મા કબીરજી કહે છે હે ભગવાન તેં મને આ મનુષ્ય દેહ આપ્યો છે તેને પવિત્ર રાખ્યો છે જેમ કોઈની પાસેથી વાપરવા માટે લાવેલી ચાદર પાછી આપીએ ત્યારે લાવી હતી તેવી જ સ્વચ્છ કરીને આપવા જઈએ છીએ તે રીતે હે ભગવાન તેં મને આપેલું જીવન કોઈ પ્રકારના દાગ લગાવ્યા વગર તને પાછું આપું છું.

વાત કરવી સહેલી છે પરંતુ જીવનમાં કસોટીની પળ આવે ત્યારે જ્ઞાન અદ્રશ્ય થઈ જાય છે. ભૂલી જવાય છે. તે માટે હરપળ જાગૃત રહીને વ્યવહાર કરતા શીખવા માટે અભ્યાસ કરવો પડે છે.

આપણે પોતાને નિષ્પાપ અને ઉદાર બનાવી ખૂલ્લા દિલથી ઇશ્વરને મળવાનો પ્રયત્ન કરીએ ત્યારે મૃત્યુ પણ મહોત્સવ બની જાય છે.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય