ચૈત્ર નવરાત્રિમાં ગાયત્રી મંત્રની ઉપાસના
ઓમ ભૂર્ભુવ : સ્વ: થી ઋગ્વેદ બનાવવામાં આવ્યા. તત્સવિતુર્વરહેયં થી યજુર્વેદ બનાવવામાં આવ્યા. ભગોદેવસ્ય ધીમહિ થી સામવેદ બનાવવામાં આવ્યા. ધિયોયો ન: પ્રચોધ્યાતથી અથર્વવેદ બનાવવામાં આવ્યા.
આ વેદ આપણા સમગ્ર ધર્મ તથા સંસ્કૃતિના બીજ છે. આ ચારે વેદોમાં ગાયત્રી મંત્રનું જ વર્ણન છે. ભારતીય સંસ્કૃતિના અંતર્ગત આપણને જે કંઈ પણ જોવામાં આવે છે, તે વાસ્તવમાં વિશુધ્ધરૂપ થી ગાયત્રીમંત્રનું જ વર્ણન છે. યત્રોપવિત હિન્દુ ધર્મના મુખ્ય સંસ્કાર છે. શિખા અને સૂત્ર (જનોઈ), આ બંને ગાયત્રીના પ્રતીક છે. ગાયત્રીને ગુરૂમંત્ર કહેવામાં આવ્યો છે. ગાયત્રી મંત્રની ઉપાસના સર્વશ્રેષ્ઠ છે. આમાં બુધ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરવાની પ્રાર્થના છે. મનુષ્યને સદ્બુધ્ધિ આવી જાય તો ભૌતિક અને આધ્યાત્મિક બંને લાભ પ્રાપ્ત થાય છે. વેદોનો સાર છે ગાયત્રી મંત્ર અને ગાયત્રીમંત્રનો વિસ્તાર છે શ્રીમદ્ ભાગવત. ગાયત્રી મંત્રના ઋષિ છે વિશ્વામિત્ર. શ્રી રામ શર્મા આચાર્યના કહ્યા મુજબ ગાયત્રીમંત્ર જે વિવેક, સદવિચાર, સદભાવના, પ્રેરણા, શાલીનતા, ઉજ્જવલ ભવિષ્ય તથા નવા યુગનો મંત્ર છે. આ સમગ્ર વિશ્વમાં ફેલાવાનો છે. આ મતસ્યાવતારની જેમ ફેલાવાનો છે.
ઋષિઓએ ગાયત્રીને ત્રિપદા કહી છે. આનાં ત્રણ આધાર છે. શ્રધ્ધા, ચરિત્ર, ઉદ્દેશ્ય. જો આપણને ગાયત્રીમંત્રનો તે ચમત્કાર જે ઋષિઓને મળ્યો હતો, બ્રાહ્મણોને મળ્યો હતો, ઉપાસકોને મળ્યો હતો. તો એના માટે ત્રણ તત્વોનો સમાવેશ જીવનમાં કરવો જરૂરી છે.
શ્રધ્ધા- શ્રધ્ધાનો અર્થ છે શ્રેષ્ઠતાથી અસીમ પ્યાર શ્રદ્ધાનો અર્થ છે આદર્શોથી અસીમ પ્યાર. શ્રધ્ધા જો આપણી પાસે છે તો આપણો અંતરાત્માએ કહેશે કે આપણે શ્રેષ્ઠ કામ કરવા જોઈએ, લોકમંગલના કાર્યો કરવા જોઈએ. શ્રધ્ધા એક શક્તિ છે અને તે હાની-લાભ, સફળતા-અસફળતામાં અતૂટ રહે છે. અડગ રહે છે. મંત્રમાં અતૂટ વિશ્વાસ રાખવાથીએ મંત્રના લાભ સામે આવે છે.
ચરિત્ર : મેલું મન, દુષ્ટ મન, સ્વાર્થી ચરિત્ર જો આપણું હશે તો ભગવાન આપણી પાસે આવીને નારાજ થઈને જતાં રહેશે. ભગવાન આ બાબતમાં ખૂબ સંવેદનશીલ છે. દુરાચારી માણસ. દુષ્ટ માણસ દુશ્ચરિત્ર માણસ એમ સમજે કે અમે મંત્ર જપ કરીને માળા ફેરવીને, પૂજા-પાઠ કરીને, તીર્થની યાત્રા કરીને ભગવાનને પ્રસન્ન કરી શકીએ છીએ તો આ બિલકુલ અસંભવ છે. વાલ્મિકીએ રામનું નામ લેવા માટે રાવણનાં કામ બંધ કરી દીધા હતાં.
ઉદ્દેશ્ય : શ્રધ્ધા અને ચરિત્ર પછી ત્રીજી બાબત ગાયત્રીમંત્ર સાથે જોડાયેલી છે એ ઉદ્દેશ્ય. ભગવાન સહાયતા કરતાં પહેલાં તપાસ કરે છે કે અમારો ઉપયોગ ક્યાં કરવામાં આવશે ? પીડિત માનવતાને ઉપર ઉઠાવવા માટે, દેશ, ધર્મ સંસ્કૃતિને શ્રેષ્ઠ અને સુંદર બનાવવાનો દૃષ્ટિકોણ હોવો જોઈએ. ભગીરથનો દૃષ્ટિકોણ જોઈને ગંગા સ્વર્ગથી પૃથ્વી પર આવવા માટે તૈયાર થઈ હતી.
- જયેન્દ્ર ગોકાણી