Get The App

વિશ્વવ્યાપી અદ્ભુત સ્વયંસંચાલિત કર્મની કોર્ટ

Updated: Mar 30th, 2022

GS TEAM


Google News
Google News
વિશ્વવ્યાપી અદ્ભુત સ્વયંસંચાલિત કર્મની કોર્ટ 1 - image


- એક દિવસ એણે શૌચક્રિયા દરમિયાન જોયુ કે, એક માણસે ખંજરથી બીજા માણસની હત્યા કરી. હત્યારો ભાગી છૂટયો. જજસાહેબે ખૂનીને આંખોઆંખ બરાબર જોયો હતો.

અ પરાધ, ગુના, અદાલત, ન્યાયને, ધર્મ અને અધ્યાત્મના પરિપ્રેક્ષમાં જાણવાં જોઈએ. કર્મસિદ્ધાન્તની દંડનીતિ અદ્ભુત છે. દાર્શનિક કર્મવિજ્ઞાાન સમજવા જેવું છે.

સંસારની કોર્ટમાં તો જે ગુનેગાર પ્રત્યક્ષ દેખાતા હોય, ગુનો દેખનાર સાક્ષી મળે, પ્રત્યક્ષ કે સાંયોગિક પુરાવા ઉપલબ્ધ હોય તો જ ગુનેગારોને સજા થઈ શકે છે.

સાંયોગિક પુરાવાને કારણે નિર્દોષને દંડાઈ જવાનો પણ ભય રહે છે. ખોટો સાક્ષી, કપટ કે ષડયંત્રના ભોગે નિર્દોષને પણ દોષી ઠેરવી શકાય છે.

એક શ્રીમંત યુવાન ખુનના કેસમાં સપડાઈ ગયો. એણે ઊંચી ફી આપીને બાહોશ વકીલ રાખ્યો. કેસ ચાલ્યો. સામાપક્ષના ધારાશાસ્ત્રીએ બધી દલીલો કરી. ન્યાયાધીશે પેલા વકીલને કહ્યું કે, હવે તમે દલીલ કરો, પણ આશ્ચર્ય !  એણે કોઈ દલીલ જ ન કરી. છેવટે ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે, 'હેન્ગ હીમ.'  પેલા વકીલે મલકાઈને પોતાના અસીલના કાનમાં કહી દીધું કે, ચિંતા ન કરીશ. તને બચાવી લઈશ. ફાંસીનો માંચડો તૈયાર થયો. યુવાનના ગળામાં દોરડું ભરાવાયું અને સહેજ જ પાટિયુ ખસ્યું કે, તરત જ દોરડુ ખેંચનારને અટકાવી દઈને વકીલ બોલ્યો, 'સજામાં માત્ર હેન્ગ હીમ' આ જ આદેશ છે. મારો અસીલ એ સજા અત્યારે સજા પુરી કરી ચૂક્યો ગણાય, માટે એને છોડી મૂકો. કાયદા મુજબ  એક જ સજાનો અમલ બીજી વાર કરી ન શકાય ! ત્યાર પછી ન્યાયતંત્રના કાયદાઓમાં સુધારો કરવો પડયો કે, 'હેન્ગ હીમ ટીલ ડેથ.' મૃત્યુ થાય ત્યાં સુધી લટકાવી રાખો. આમ બુદ્ધિના આટાપાટાથી દોષી પણ છુટી ગયાના દાખલા છે.

એકાંતમાં ગુપ્ત રીતે ગુનો કરનારને કર્મની કોર્ટ તો સજા આપી જ દે છે, જાણે તેને કરોડો આંખો ન હોય ! કર્મની કોર્ટમાં જેવો ગુનો આચર્યો કે તરત જ સજા, કારણ અહીં સાક્ષી તો પોતાનો આત્મા સદાકાળ સાથે જ છે. મન વચન કે કાયા વડે ગુનો આચરે તે કર્મબંધ ઉદયમાં આવતા કર્તાએ ભોગવવું પડે છે. હા, તપ દ્વારા નિર્જરા કે કર્મ પાતળા પડી શકે.

સેંકડોની હત્યા કરનારને મૃત્યુદંડ એક વાર જ મળે જ્યારે કર્મના કાયદામાં નારકીના ભવમાં બજારો વાર મૃત્યુનું વેદન થાય. વળી ૨૦ વર્ષની સજા પામેલ બે વર્ષમાં મૃત્યુ પામે તો તેણે બે જ વર્ષની સજા ભોગવી પણ કર્મની કોર્ટમાં પછીના ભવમાં પણ આ સજા ભોગવવી પડે છે.

કર્મસત્તાના ન્યાયતંત્રની કરામતને એક પ્રસંગ દ્વારા સમજીએ. જિલ્લા કોર્ટનો એક ન્યાયાધીશ તે જિલ્લાથી ૨૫-૩૦ કિલોમીટરને અંતરે આવેલા પોતાના મૂળ ગામમાં વેકેશન ગાળવા આવ્યા. પોતાના વતનના આ નાનકડા ગામમાં રોજ સવારે ને નદીકિનારે ફરવા જાય. નદીતટનાં વૃક્ષોનાં ઝૂંડ પાછળ શૌચક્રિયાનું કામ પણ પતાવી લે.

એક દિવસ એણે શૌચક્રિયા દરમિયાન જોયુ કે, એક માણસે ખંજરથી બીજા માણસની હત્યા કરી. હત્યારો ભાગી છૂટયો. જજસાહેબે ખૂનીને આંખોઆંખ બરાબર જોયો હતો.

આ અંગેનો કેસ એમની જ અદાલતમાં આવતા આરોપી હાથમાં ન આવતા, પોલીસે ભળતા માણસને આરોપી તરીકે ઊભો કરી દીધો છે !

વળી, વકીલ પણ એવો બાહોશ નીકળ્યો કે  તેણે પોતાનું બધુ જ બુદ્ધિકૌશલ વાપરીને તે માણસને ખૂની તરીકે સાબિત કરી દીધો.

જજ તો સ્તબ્ધ થઈ ગયા. આંખો ના પાડે છે કે આ વ્યક્તિ હત્યારો નથી. કાયદો કહે છે કે તે જ હત્યારો છે. તે દિવસે ન્યાયાધીશની મૂંઝવણ વધતાં તે ચુકાદો આનમત રાખે છે. પરંતુ ન્યાયાધીશને ધર્મમાં શ્રદ્ધા હતી. તે જાણતા હતા કે મનુષ્ય ભૂલ કરે, પરંતુ કર્મસત્તાનું સ્વયંસંચાલિત સુપર કોમ્પ્યુટર કદી ભૂલ ન કરે.

બીજે દિવસે તે પહેલા આરોપીને પોતાની ચેમ્બરમાં લઈ જઈને સાચી હકીકત જણાવવા કહે છે. તે કહે છે કે, મેં હત્યા નથી કરી. પોલીસે જબરજસ્તીથી કબૂલ કરાવ્યું છે. જજે પૂછયું, આ પહેલાં તેં કોઈનું ખૂન કરેલુ ? આરોપી કહે હા. આ પહેલાં મેં બે ખૂન કરેલાં, પણ હોશિયાર વકીલને કારણે હું છૂટી ગયો હતો. આ સાંભળી ન્યાયાધીશને શાંતિ થઈ. સાથે વિશ્વના અદૃશ્ય કર્મના સ્વયંસંચાલિત ન્યાયતંત્ર પરત્વે શ્રદ્ધા દૃઢ થઈ.

- ગુણવંત બરવાળિયા

Tags :