ચોપડા ચોખ્ખા રાખીશું? .
આપણે આપણું ભલું ઈચ્છીએ તે સ્વાભાવિક છે પરંતુ ભલા બનવું કે ભલું કરવું તે પણ જરૂરી છે. ગરીબોને, વયસ્કોને કે જરૂરિયાતમંદોને મદદગાર થઈશું તો આપણું જ હિત થવાનું છે. જીવનમાં જો ક્રોધ, ઈર્ષ્યા, ગુસ્સો, લાલચ કે લત હશે તો નુકશાન આપણને જ થવાનું છે.
સામાન્ય રીતે વેપારીવર્ગ, ઉદ્યોગ વિભાગ, નોકરિયાત વર્ગના લોકો વર્ષના અંતે પોતાનો હિસાબ ચોખ્ખો કરતા હોય છે, વેપારી લોકો આખા વર્ષનું સરવૈયું કાઢીને નફા-નુકશાનની ગણતરી પણ કરતા હોય છે. કોના કેટલા લેણા છે, તથા કેટલા દેણા છે તે પણ જોવાનું હોય છે. ખાસ કરીને દિવાળીમાં અથવા હવે અંગ્રેજી વર્ષ પ્રમાણે માર્ચ માસમાં આ બધું કરવાની પ્રથા છે. પરંતુ શું આપણે આપણા જીવનનો સરવાળો માંડીએ છીએ ખરા ? જીંદગીમાં કેટલું કમાણા તેનો સરવાળો માંડીએ તો આપણે ક્યાં ઉભા છીએ તેનો ખ્યાલ આવે છે. જીંદગીના હિસાબમાં પણ લેતી-દેતી, નફા-નુકશાન હોય જ છે. કર્મની ગતિ ન્યારી છે. આપણાં કર્મો આપણને આપણી પરિસ્થિતીનો ખ્યાલ આપે છે. કહેવાય છે કે ઉપર ચિત્રગુપ્ત ચોપડા લખે છે. આપણાં સારાં-નરસાં કર્મોનો હિસાબ ચિત્રગુપ્ત રાખે છે તે પરથી આપણને સ્વર્ગ મળશે કે નર્ક તે નક્કી થઈ શકે છે.
આપણે આપણું ભલું ઈચ્છીએ તે સ્વાભાવિક છે પરંતુ ભલા બનવું કે ભલું કરવું તે પણ જરૂરી છે. ગરીબોને, વયસ્કોને કે જરૂરિયાતમંદોને મદદગાર થઈશું તો આપણું જ હિત થવાનું છે. આપણાં જીવનમાં જો ક્રોધ, ઈર્ષ્યા, ગુસ્સો, લાલચ કે લત હશે તો નુકશાન આપણને જ થવાનું છે. આપણે 'કર ભલા, તો હોગા ભલા' શબ્દો પણ ન ભુલવા જોઈએ. જીવનના ચોપડા જો ચોખ્ખા હશે તો કલ્યાણ આપણું જ થશે તે નક્કી છે. જીવનના ચોપડામાં ચેકચાક, ગોટાળો કે અસંદિગ્ધ હિસાબ રાખીશું તો નુકશાન આપણે જ ભોગવવું પડશે.
માનવ જીવનની ઘટમાળ દુ:ખ પ્રધાન તથા સુખ અલ્પ થકી ભરેલી છે. બદલાતા સંજોગો તથા પરિસ્થિતીની સમીક્ષા આપણે અવારનવાર કરવી જરૂરી છે. શું આપણે કદી શાંત ચિત્તે વિચારીએ છીએ ખરા કે જીવનની નાવ ડોલે છે કે સ્થિર છે ? જીવનના હિસાબોનું પણ આવું જ છે. જીવનમાં આપણે કરેલાં કર્મોનો હિસાબ ઉપર વાળો રાખતો હોય છે. ભલા-બુરાનો બદલો પણ તરત જ મળતો હોય છે. માટે આપણે આપણા જીવનના ચોપડામાં ગોટાળાને સ્થાન ન દેવું જોઈએ જેમ હિસાબોનું ઓડિટ થાય છે તેવું જ આપણાં કર્મોનું ઓડીટ ઉપર બેસેલ પ્રભુ રૂપી ઓડીટર કરે છે. ક્યારેક ભુલ થાય તે ક્ષમ્ય છે. પરંતુ જાણી જોઈને કે વારંવાર થતી ભુલોનું પુનરાવર્તન માફીને લાયક હોઈ ન શકે.
વીતેલાં વર્ષોનો અનુભવ પરથી ભવિષ્યમાં ભુલો કે દોષો ન થાય તે માટે આપણે સજાગ રહેવું જરૂરી છે. ચાલો આપણે પણ હિસાબોનાં નાણાંકીય વર્ષમાં (એપ્રીલ થી માર્ચ) આપણા ચોપડા ચોખ્ખા રાખવાનો ઘનિષ્ઠ પ્રયાસ કરીએ તે જ સાંપ્રત સમયની માંગ છે.
- ભરત અંજારિયા