Get The App

ઈન્દ્રિય સંયમ શા માટે? : શરીરમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ પાંચ જ્ઞાાનેન્દ્રિયો

Updated: May 25th, 2022

GS TEAM

Google News
Google News
ઈન્દ્રિય સંયમ શા માટે? : શરીરમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ પાંચ જ્ઞાાનેન્દ્રિયો 1 - image

આ માનવજીવન ઈશ્વરદત્ત એક અમૂલ્ય ઉપહાર છે. પૂર્વ જન્મોના પુણ્યકર્મોના ફળસ્વરૂપે આપણને આ માનવ શરીર પ્રાપ્ત થયું છે. એની રચના ઉત્તમ છે. એનું એક એક અંગ અને ઈન્દ્રિય કાર્યક્ષમતામાં અદ્ધિતીય છે.

આપણા શરીરમાં આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ પાંચ જ્ઞાાનેન્દ્રિયો છે. જેનાથી આપણને વિષયનું જ્ઞાાન થાય છે. આંખથી સારું-નરસું જોવું. કાનથી કોમળ-કઠોર શબ્દ સાંભળવા, નાકથી સુગંધ દુર્ગંધનો ભેદ પારખવો, જીભથી ખાદ્ય-અખાદ્યનો સ્વાદ જાણવો, અને ત્વચાથી કોમળતા - કઠોરતાનો અનુભવ થાય છે. આ દરેક ઈન્દ્રિયના એક એક દેવતા છે. તદ્દનુસાર આંખનો વિષય રૂપ છે અને તેનો દેવતા સૂર્ય છે. કાનનો વિષય શબ્દ છે અને તેનો દેવતા આકાશ છે. નાકનો વિષય ગંધ છે અને તેનો દેવતા પૃથ્વી છે. જીભનો વિષય રસ અને દેવતા જળ છે. ત્વચાનો વિષય સ્પર્શ અને દેવતા વાયુ છે. આ કારણે આપણી પાંચ જ્ઞાાનેન્દ્રિયો ખૂબસશક્ત અને ઘણી રીતે ઉપયોગી છે.

આપણા શરીરમાં વાણી, હાથ, પગ, જનનેન્દ્રિય અને ગુદા એ પાંચ કર્મેન્દ્રિયો છે. તેના વિષય અનુસાર વાણીથી આપણે બોલીએ છીએ. મુખથી સ્વાદ આપીએ છીએ. હાથથી કાર્ય કરીએ છીએ જનનેન્દ્રિયથી મૂત્રત્યાગ અને ગુદાથી મળત્યાગ કરીએ છીએ.

આ દશ ઈન્દ્રિયો આત્માની વિકાસ યાત્રાનાં સહાયક સાધનો છે. જેની સહાયતાથી આત્મા પોતાની આવશ્યકતાઓ પૂર્ણ કરી સુખ મેળવે છે. આ ઈન્દ્રિયોના સદુપયોગથી પરમાત્મા આપણા પર પ્રસન્ન થાય છે. તે વરદાન આપી આપણા જીવનને સફળ બનાવે છે.

આ ઈન્દ્રિયો બાબતે એક બાબત મનનીય છે, તે મુજબ કહીએ તો પરમાત્માએ પાંચ જ્ઞાાનેન્દ્રિયોને આપણા શરીરની ઉપરની બાજુએ બનાવી છે અને કર્મેન્દ્રિયોને નીચેની તરફ રાખી છે એનો અર્થ એ છે કે, પરમાત્માએ જ્ઞાાનને પ્રધાનતા આપી છે અને સંકેત આપ્યો છે કે જ્ઞાાન અને વિવેક અનુસાર કર્મ કરવામાં આવે તો આપણને સાચું સખ મળશે. આપણો ઉત્કર્ષ થશે, પ્રગતિ થશે, આપણું જીવન ધબડતું થશે. આપણા અજ્ઞાાન અને અવિવેકને લીધે જો આ ઈન્દ્રિયો અન્ય વિષયમાં ભટકતી રહેશે તો આપણા માટે કાળ રૂપ બની આપણને પતનની ગર્તામાં ધકેલી દેશે.

ઉપનિષદકારે કહ્યું છે :- ''આ શરીર એક આત્માને આ વાહન મોક્ષપ્રાપ્તિ માટે મળ્યું છે. દશેય ઈન્દ્રિયો આ રથના ઘોડા છે. મન આ ઘોડાઓને નિયંત્રણમાં રાખનાર લગામ છે. આ વાહન પર મનુષ્યની બુદ્ધિ અને વિવેક સારથિ છે. જો તે સજાગ હોય તો ઈન્દ્રિયો વિષયમાં ન ભટકીને કુશળતાપૂર્વક પોતાના સ્વામીને પ્રભુની નજીક પહોંચાડી દે છે.'' આપણા જીવનની સાર્થકતા આમ ઈન્દ્રિય સંયમમાં નિહિત છે. સુજ્ઞોષુ કિં બહુના ?

- કનૈયાલાલ રાવલ

Tags :