Get The App

'જનોઈ' શા માટે? તેનું મહત્વ શું છે?

Updated: Aug 10th, 2022

GS TEAM


Google News
Google News
'જનોઈ' શા માટે? તેનું મહત્વ શું છે? 1 - image


જ નોઈ-એક સંસ્કાર છે. જીવનનાં સોળ સંસ્કારો માનો આ મુખ્ય સંસ્કાર છે આને યજ્ઞાોપવિત્ર સંસ્કાર પણ કહે છે. યજ્ઞાોપવિત્ર સંસ્કાર જનોઈનો સંસ્કાર એ વૈદિકજીવન ધારણાનું પ્રતીક છે. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું અર્થાત્ ગુરુ પાસે લઈ જવાની યોગ્યતાનું પ્રતિક છે. આનું હાર્દ માનવને ઉચ્ચકોટીનો ધાર્મિક અનુસરણીય સત્યનિષ્ટાવાન, આદર્શવાન બનાવવાનો છે.

જીવનનું અંતિમ ધ્યેય 'શિવ' સાથેનું મિલન છે. તેની સાથેનું ઐક્ય થવાનું તેમાં વિલીનીકરણ થઈ પોતાનામાં શિવજીનાં ગુણો પ્રાપ્ત કરવાનું છે. વૈદિક વિચાર ધારા જીવ-શિવનું મિલન કરાવનાર છે. અને એ એ વિચારધારાની દીક્ષા એટલે જ યજ્ઞાોપવીત્ર (જનોઈ) ધારણ કરવું એના માટેની ધાર્મિક વિધિ એટલે જ ઉપનયન સંસ્કાર.

માનવ જન્મ દેવોને પણ દુર્લભ છે. તેમાંય સંસ્કારોથી થયેલ માનવ એક વિશિષ્ટકક્ષા ધરાવે છે. દરેક માનવ જન્મથી શુદ્ધ હોય છે. પરંતુ તે સંસ્કારોથી સોનામાંથી થતી સોનામોરની માફક સંસ્કૃત થયેલ માનવ બને છે. તેમાંય યજ્ઞાોપવિત્રએ માનવામાં બ્રહ્મત્વનું નિર્માણ કરનાર સંસ્કાર વિધિ છે.

હિંદુ સંસ્કૃતિની આ અણમોલ ભેટ છે. જે આદિકાળથી આપણા ઋષિમુનિઓની આપણને જીવન જીવવાની અને સત્માર્ગ પર ચાલવાની દિશા દર્શાવે છે. આથી આને સંસ્કાર કહે છે.

યજ્ઞાોપવિતને 'જનોઈ' બ્રહ્મસૂત્ર વ્રત બન્ધ પણ કહેવાય છે. વસ્તુત ઃ યજ્ઞાશબ્દનો બીજો શબ્દ યજન છે. આમાંથી 'જન' અને ઉપવીતમાંથી 'ઉ' રાખીને જન ઉ-(જનોઈ) શબ્દ બન્યો છે. આમ આ મૂળ યત્રોપવીતનું જ ટુકુ રૂપ છે.

યજ્ઞાોપવીતને જ 'બ્રહ્મસૂત્ર' કહે છે. કારણકે આ સૂત્રને ધારણ કરવાથી વ્યક્તિ બ્રહ્મને જ સમર્પિત થઈ જાય છે. તેથી તેને બ્રહ્મસૂત્ર પણ કહે છે તેનાથી તેને શક્તિ-આયુષ્ય અને તેજ દેનાર સૂત્ર કહેવાયું છે.

આને વ્રતબન્ધ પણ કહેવાય છે. કારણકે તેને ધારણ કરવાથી પહેરવાથી અનેક પ્રકારનાં વ્રત-નિયમોમાં તે બન્ધાય છે.

ઉપનયન સંસ્કાર વખતે મુંજ દોરી-મેખલાબંધ કમરે બાંધવામાં આવે છે. જ્ઞાાન-સંપાદન કરવું હોય તેને ઢીલી કમર રાખે ન પાલવે. જીવનમાં આવનારી આસુરી વૃત્તિને કમરકસી દેવી શક્તિની જાગૃતતા લાવવાનાં સંઘર્ષ સામેની તત્પરતા દર્શાવતું પ્રતિક છે.

જનોઈ આપતી વખતે બટુકના હાથમાં દંડ પણ આપવામાં આવે છે. તે દંડ ગુરુ પાસે જઈ સજા આપવાની  વિનંતી કરીને કહેવાનું કે 'ગુરુજી' મારાથી કોઈ ભૂલ કે અપરાધ થયો હોય તો આ દંડથી મને સજા કરજો. સાથો સાથ ગુરુ પાસે જતા રસ્તામાંનાં ભોજન માટે દંડ ઉપર ભોજનની પોટલી પણ બાંધવામાં આવે છે.

'જનોઈ પહેરવાની રીત ઃ જનોઈ ડાબાખંભાથી જમણી બાજુ તરફ રાખવામાં આવે છે. કારણકે હૃદયનું મર્મસ્થાન ડાબી બાજુએ આવેલું છે.

યજ્ઞાોપવિત-જનોઈની એક ખાસ વિશેષતા એ છે કે અમીર-ગરીબ કે તવંગર-ચક્રવર્તી સમ્રાટ કે સામાન્ય માણસ માટે પણ એ સૂતરના દોરામાંથી બનાવેલી પહેરવામાં આવે છે. સોના કે ચાંદીના નહીં.

બોધાયન સૂત્ર મુજબ માથા પાસે ડાબા ખંભા ઉપરથી જમણી તરફ રાખવામાં આવે છે. ' યજ્ઞાોપવીત શિરસિ દક્ષિણ કર્ણે વા ક્રત્વા (બો. ગૃહ- ૪-૬-૯)

જનોઈ મળ-મૂત્રનાં ત્યાગ સમયે જમણા કાન ઉપર ચઢાવવામાં આવે છે. અને જનોઈની વિધી માટે કે દીક્ષા માટે આચાર્ય દ્વારા ગુપ્ત મંત્રો પણ જમણા કાને જ આપવામાં આવે છે. કારણકે વાયુ, ચંદ્ર, ઇન્દ્ર, અગ્નિ, મિત્ર તથા વરુણ એ બધા દેવતાઓ બ્રાહ્મણના જમણાં કાનમાં રહે છે. શ્રોતે તિષ્ઠતિ દક્ષિણે । (ગો. ગૃહ ર/૮૦) આ કારણે જ જનોઈ જમણા કાન ઉપર રાખવામાં આવે છે.

જનોઈ બદલવાની વિધી ઃ જનોઈ બદલતી વખતે સ્નાન- પૂજા-ગાયત્રીમંત્રની માળા- સૂર્ય નમસ્કાર કરીને જ નીચેનો મંત્ર બોલીને જૂની જનોઈ કાઢતી જવી અને નવી જનોઈ પહેરતી જવી. આ પણ એક સંસ્કાર જ છે. ઇશ્વર મુર્તિમાં કાષ્ઠ કે સોનામાં પત્થરમાં નથી પરંતુ શ્રદ્વામાં રહેલા છે. જેથી ગાયત્રી તથા ઇષ્ટદેવનું સ્મરણ-પૂજન-કરવાથી જનોઈ દોરામાંથી એક અકલ્પ્ય- અમૂલ્ય તેવું બ્રહ્મસૂત્ર બની જાય છે.  અને રક્ષાસૂત્ર થઈ જાય છે.

નાભીથી નીચેનો ભાગ અપવિત્ર ગણાય છે. આથી મળ-મૂત્રના ત્યાગ વખતે જનોઈને જમણા કાન ઉપર ચઢાવી દેવામાં આવે છે.

આજ સુધી હે બ્રહ્મસૂત્ર! તમે મારા બ્રહ્મત્વનું રક્ષણ કર્યુ છે. પરંતુ જીર્ણ થવાથી તમારો ત્યાગ કરૂ છું, ક્ષમા કરશો અને મને સુખ આપજો.

યત્રોપવીત પરમ પવિત્ર પ્રજાપતિ ઇશ્વરે તે સર્વ બનાવ્યું છે. તે આયુષ્ય વર્ધક-સ્ફૂર્તિદાયક-બંધનોમાંથી છોડાવનાર અને બળ તથા તેજસ્વી પણું આપનારું છે. પછી ગાયત્રીમંત્રનો જાપ કરી નવી જનોઈ ધારણ કરવી જોઈએ.

ક્યારે બદલવી? તૂટી જાય ત્યારે, ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય ત્યારે, કોઈનું મૃત્યુ થાય ત્યારે મડદા વગેરેનો સ્પર્શ થાય ત્યારે બળેવનાં તહેવારો યજ્ઞાોપવીતને બદલવાનો વિધાન છે.

Tags :