ઉત્તરાયણ પર્વ પવિત્ર કેમ ? 'પતંગ'ના આ પર્વમાં તલસાંકળી ખાવાનો રિવાજ કેમ?
- પાપ કર્યા વિના પવિત્ર જીવન ગાળવા છતાં મૃત્યુ વખતે દુઃખ કેમ પડે છે ભિષ્મ પિતામહનો ભગવાન કૃષ્ણને પ્રશ્ન !
ઉ ત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ. ઉર્ધ્વ ગમન, જેના મરણ સમયે સૂર્ય પરમ ગતી કરે છે તે દિવસો. પવિત્ર અને પુણ્યશાળી ભાગવતમાં વર્ણવ્યા છે. ઋગ્વેદમાં પણ કહ્યું છે કે સૂર્યને અવકાશમાં જે ઘૂમાવે છે એજ શક્તિ મનુષ્યના અંતરમાં પણ શુભ વૃત્તિઓનો ઉદય કરે છે.
મહાભારતના યુદ્ધમાં ભિષ્મ પિતામહ બાણોથી ખૂબ જ ઘવાયા છે. અસંખ્ય બાણોની વેદના તેઓના અંતીમ દિવસોમાં થાય છે. તેઓને ભગવાન શ્રી કૃષ્ણના દર્શનની ઇચ્છા છે તેથી ભગવાન કૃષ્ણ મળવા આવે છે.
અનેક પ્રશ્નોત્તરીમાં પિતામહ ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ ! આટલું બધું આખી જિંદગી પવિત્ર જીવન ગાળ્યું છે. કદાપિ મેં પાપ કર્યું નથી છતાંય જીવનના અંતીમ દિવસોમાં આટલી બધી વેદના કેમ ?
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપે ઋષિ જેવું જીવન ગાળ્યું છે પણ દ્રૌપદીના ચીર હરણ વખતે આપે પાપને નીહાળ્યું અને પરોક્ષ રીતે ભાગીદાર થયા. આપ નરી આંખે આ કૃત્ય નીહાળ્યું ત્યાંથી ગયા નહીં તે પાપમાં આપ ભાગીદાર બન્યા તે પાપની સજા આજે ભોગવી રહ્યા છો. ભિષ્મ પિતામહ આ દિવસોમાં ઇચ્છીત મૃત્યુ માંગે છે. કારણ આ ઉત્તરાયણના દિવસો મંગલકારી અને પવિત્ર ગણાયા છે. આમય સૂર્યોદયનો (રાત્રિનો ચોથો પ્રહર) બ્રહ્મમૂહુર્ત ગણાય છે. તે એક સતયુગ ગણાય છે. આ વખતે કરેલી ભગવાનની પૂજા અધિક ફળ આપે છે. મકરસંક્રાંતિ એ દાન દક્ષિણા જે કરે છે તેને અધિક ફળ મળે છે.
ભગવાન કૃષ્ણને ગાયો ખૂબ જ વ્હાલી હતી. આથી જ ગાય ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ ગોપાલ પડયું. જે દિવસે ગાયો ચરાવવા પ્રભુ વનમાં પ્રથમ ગયા તે ગોપાષ્ટમીનો દિવસ ગણાયો. આથી ગાયોની સેવા કરવાથી પુણ્યમાં વધારો થાય છે. પ્રભુ જે દાન કરે છે તેના જીવનની દોર સંભાળે છે. જીવનના આકાશમાં તેની પતંગ સ્થિર બને છે. માનવોએ ભક્તિની દોરીથી જીવનના પતંગને આકાશમાં ઉડાડવાની ખાસ જરૂર છે.
આ દિવસોમાં તલગોળના લાડુ ખાવાનો રિવાજ છે. તેની પાછળ ભાવના છે કે સૌ ભેગા થઇ નવી શક્તિનું નિર્માણ કરીયે. તલમાં સ્નિગ્ધતા છે. રૂક્ષ થયેલા સંબંધોમાં આ તલ પ્રેમ આપી વિકાસ કરે છે. તલ આરોગ્યની દ્રષ્ટિએ પુષ્ટિ વર્ધક છે.
શિયાળામાં મોંઘા સુકા મેવા કે વસાણા ન ખવાય તો આ તલના લાડુ આરોગ્યની દ્રષ્ટિએ એક વસાણાની ગરજ સારે છે.
મહારાષ્ટ્રમાં આજે પણ આ દિવસોમાં એકબીજાને તલ-ગોળ આપવાનો રિવાજ છે.
ઉત્તરાયણના દિવસોમાં પ્રભુને પ્રાર્થના કરવા જેવી છે કે હે પ્રભુ ! મારા જીવનની પતંગ જિંદગીના આકાશમાં તું સ્થિર રાખજે ! આ પતંગ અધવચ્ચે ફસકી ન જાય તે તું સંભાળજે ! મારી જીવન દોર તારા હાથમાં છે તેને તું સંભાળજે !
સુરતીલાલાઓ અને અમદાવાદીઓને આ પર્વ ખૂબ જ ઉત્સાહ આપે છે. પતંગ રસીયાઓનું આ પર્વ આનંદ ઉત્સાહનું પર્વ છે. લોકો એ કાઇપો ! એ કાઈપો ! ના નારાથી નાચી ઉઠે છે.
ધાબા ઉપર લોકો ઉધિયુ, જલેબીની ઉજવણી કરે છે.
પ્રત્યેક વર્ષે ૧૪મી જાન્યુઆરીએ જ આવતું આ પર્વ ભારતીય અંગ્રેજી તારીખ પ્રમાણે અનેરૂ છે.
ભારતમાં ઇ.સ. ૧૭૫૦ની આસપાસ મનાય છે.
લખનૌમાં પતંગનો વિકાસ ખૂબ થયો.
ભગવાન શ્રી કૃષ્ણે પણ પતંગ ચઢાવ્યાનો ચિત્રો દ્વારા મળે છે.
પતંગ એ સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ 'ઉડનારો' એવો થાય છે. હિન્દીમાં સમાનાર્થી શબ્દ 'ચીલ' તેલુગુમાં 'ગાલીયટમ' શબ્દ છે. 'કાઈટ' શબ્દ કાઈટ નામના પક્ષી ઉપરથી આવેલો મનાય છે.
'પતંગ'નું ગગનમાં ઉડવું આનંદ આપે છે. પતંગની શોધ ચીનમાં થઈ મનાય છે.
અમેરિકાના પતંગબાજ પીટર જેમ્સના મત મુજબ ભારતમાં જ પતંગના પેચ લડાવાય છે.
વિશ્વમાં પતંગની 'સહેલ'નો આનંદ મનાવાય છે.
ઉત્તરાયણમાં આરોગ્યની રક્ષા માટે તલ, ગોળ, શેરડી, ખૂબ ખાવા જોઈએ આથી લોકો તલ ગોળના લાડુ, તલ સાંકડી, સીંગપાક ખાવાનો રિવાજ છે.
શ્રી રામના યુગમાં પતંગ હશે કે નહિ પણ તુલસીદાસની ચોપાઇમાં પતંગનો ઉલ્લેખ છે. ઃ-
'કટ્ટ તિલંગી, નક્ષત્ર નભા સાહિલ નાવ તૂફાન,
ડોલત શરાબી કહાં ગીરત, વો જાનત્ ભગવાન.'
અર્થાત્ કપાયેલી પતંગ આભથી ખરતો તારો (ઉલ્કા) તોફાનમાં સપડાયેલું વહાણ અને નશામાં ઝુમતો શરાબી ક્યાં જઈને પડશે તે તો ભગવાન જ જાણે.'
સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણને ઘણા 'ખિહર' કહે છે. (ખિહર એટલે ખિચડી) આ દિવસે ખિચડો ખાવાનો રિવાજ છે. તામીલનાડુમાં 'પોંગલ' નો મહોત્સવ ઉજવાય છે.
આકાશમાં ઉડતો સ્થિર પતંગ બધાને ગમે છે. આવા સ્થિર પતંગની સહેલ આનંદ આપે છે. માનવીઓએ પણ જીવનના આકાશમાં ભક્તિની દોરી અને શ્રદ્ધા અને સંયમની કિન્યાં બાંધી જીવનના આકાશમાં પતંગ ઉડાડવી જોઈએ.
જીવનના આકાશમાં જે ભક્તિની દોરીથી પતંગ ઉડાડે છે તે પ્રભુની સમીપે પહોંચે છે તેનો પતંગ ગોથાં ખાતો નથી !
- બંસીલાલ જી. શાહ
14મી જાન્યુઆરીએ જ આ પર્વ ઉજવાય છે
સમગ્ર વિશ્વમાં 'પતંગ'નો મહિમા વધ્યો છે. આ ધાર્મિક પર્વ છે.
તામીલમાં 'ઓણમમ્ના દિવસ આંધ્રમાં 'પોંગલ'ના દિવસે ઉજવાય છે.
એન્સાઇક્લોપીડીયા બ્રિટાનીકામાં પતંગ એટલે એવું રમકડું જે આનંદ આપે.
ગરમ પ્રદેશમાં 'કાઈટ' નામનું પક્ષી છે તેના નામ ઉપરથી 'પતંગ' કાઈટ શબ્દ આવ્યો.
પતંગનો જન્મ ચીન દેશમાં થયો મનાય છે. ચીનના સેનાપતિ હાન્હસી એ સૌ પ્રથમ પતંગ ઉડાડયો હતો !
ભારતમાં સર્વ પ્રથમ ઇ.સ. ૧૭૫૦માં શાહઆલમ શાસનકાળ દરમ્યાન પતંગ બાજી શરૂ થઈ મનાય છે.
'પતંગોત્સવ' આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌ પ્રથમવાર ૧૯૮૯માં અમદાવાદમાં યોજાયો.
પતંગ દ્વારા સ્કોટલેન્ડમાં ડો. એલેકઝાન્ડર મિલ્સન્ટે તથા ટોમસી મેલવિલે વાદળનું ઉષ્ણતામાન સર્વ પ્રથમ આપ્યું.
પતંગ દ્વારા વિજ્ઞાાનીકોને અનેરી સફળતા મળી છે.