Get The App

અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય છે' કેમ બોલવામાં આવે છે ?

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
અંતિમ યાત્રામાં 'રામ નામ સત્ય છે' કેમ બોલવામાં આવે છે ? 1 - image

આપણે સૌએ અંતિમ યાત્રા દરમિયાન 'રામ નામ સત્ય છે' નો ઉદ્ઘોષ સાંભળ્યો છે. આખરે આ પરંપરા ક્યારે અને કેમ શરૂ થઈ ? તેની પાછળ ગોસ્વામી તુલસીદાસજી સાથે જોડાયેલી એક અદ્ભૂત કથા પ્રચલિત છે.

એક સમયની વાત છે, જ્યારે ગોસ્વામી તુલસીદાસજી પોતાના ગામમાં રહેતા હતા. ત્યારે સદાય પ્રભુ રામની ભક્તિમાં લીન રહેતા. તેમની અનન્ય ભક્તિ જોઈને ઘરના સભ્યો અને ગામના લોકોએ તેમને 'ઢોંગી' કહીને ઘરમાંથી કાઢી મૂક્યા. તુલસીદાસજી ગંગા કિનારે રહેવા લાગ્યા અને ત્યાં જ પ્રભુની આરાધના કરવા લાગ્યા.

આ એ જ સમય હતો જ્યારે તેઓ 'રામચરિત માનસ'ની રચના આરંભી રહ્યા હતા. તે જ દિવસે તેમના ગામમાં એક યુવકના લગ્ન થયા. તે પોતાની નવવધૂને લઈને ઘરે આવ્યો, પરંતુ દુર્ભાગ્યવશ તે જ રાત્રે કોઈ કારણવશ તે યુવકનું મૃત્યુ થયું. ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું.

સવારે જ્યારે લોકો યુવકની અર્થી સજાવીને સ્મશાન ઘાટ લઈ જવા લાગ્યા, ત્યારે તેની પત્ની પણ સતી થવાની ઇચ્છાથી અર્થીની પાછળ-પાછળ ચાલવા લાગી. શબયાત્રા એ જ રસ્તેથી પસાર થઈ રહી હતી જ્યાં તુલસીદાસજી રહેતા હતા.

નવવધૂની નજર તુલસીદાસજી પર પડી. તેણે વિચાર્યું, 'પતિ સાથે સતી થવા જઈ રહી છું, એકવાર આ બ્રાહ્મણ દેવતાને પ્રણામ કરી લઉં.' તે જાણતી નહોતી કે આ તુલસીદાસ છે. જેવી તેણે ચરણસ્પર્શ કર્યા, તુલસીદાસજીના મુખમાંથી નીકળ્યું - 'અખંડ સૌભાગ્યવતી ભવઃ'. આ સાંભળતા જ સાથે ચાલી રહેલા લોકો હસવા લાગ્યા અને બોલ્યા, 'અરે તુલસીદાસ ! અમે તો તને પાખંડી સમજતા હતા, પણ તું તો મહામૂર્ખ પણ છે. આ છોકરીનો પતિ મરી ચૂક્યો છે, તે અખંડ સૌભાગ્યવતી કેવી રીતે હોઈ શકે ? તું પણ જૂઠો અને તારો રામ પણ જૂઠો !'

તુલસીદાસજીએ દ્રઢતાથી કહ્યું, 'હું જૂઠો હોઈ શકું છું, પરંતુ મારા રામ ક્યારેય જૂઠા ન હોઈ શકે.'

લોકોએ પ્રમાણ માંગ્યું. તુલસીદાસજીએ અર્થી રોકાવી અને તે મૃત યુવક પાસે જઈને તેના કાનમાં બોલ્યા - 'રામ નામ સત્ય છે.'

એક વાર બોલવા પર યુવકના શરીરમાં હલચલ થઈ. બીજી વાર બોલવા પર તેમાં થોડી ચેતના આવી. અને જેવી ત્રીજી વાર તુલસીદાસજીએ 'રામ નામ સત્ય છે' કહ્યું, તે યુવક અર્થી પરથી બેઠો થઈ ગયો !

બધા આશ્ચર્યચકિત થઈ ગયા. સૌએ તુલસીદાસજીના ચરણોમાં પડીને ક્ષમા માંગી. તુલસીદાસજી બોલ્યા, 'આ બધું મારા પ્રભુ રામની લીલા છે. જો તમે લોકો આ રસ્તેથી ન ગયા હોત, તો 'રામના નામ સત્ય' હોવાનું પ્રમાણ કેવી રીતે મળત ?'

માનવામાં આવે છે કે તે દિવસથી જ આ પ્રથા શરૂ થઈ કે અંતિમ સમયે માત્ર 'રામનું નામ જ સત્ય' હોય છે, બાકી બધું નશ્વર છે.

- મુકેશ ટી. ચંદારાણા