પીઠોરી અમાસને 'માતૃદિન' કેમ કહેવામાં આવે છે ?
શ્રા વણ વદ અમાસને દર્ભગ્રહણી અમાવાસ્યા કે પીઠોરી અમાવાસ્યા કહેવામાં આવે છે. આ અમાસે સ્ત્રીઓ પીઠોરી વ્રત કરે છે. આ વ્રતવિધાન મુજબ સ્ત્રીઓ તાજો સત્ત્વશીલ દર્ભ લાવી ચોસઠ દેવીઓની ષોડશોપચાર પૂજા કરે છે. ફલસ્વરૂપ તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. સ્ત્રીને સૌભાગ્ય આપનાર આ અમાસ 'માતૃદિન' તરીકે પણ ઓળખાય છે.
ભવિષ્યપુરાણની કથા અનુસાર એક સ્ત્રીને મૃતપુત્રો જન્મતા હતા. એટલે તેણે વનમાં જઈ ચોસઠ જોગણીઓને પ્રસન્ન કરી, પોતાના પુત્રો જીવંત રહે તેવી પ્રાર્થના કરી. અને જોગણીઓના આશીર્વાદથી તેના પુત્રો જીવવા લાગ્યા. આ કથાનો સારાંશ એટલો જ કે પુત્રો જીવવા જોઈએ. જીવંત પુત્રો એટલે ગુણવાન પુત્રો, સંસ્કારી પુત્રો જે કુળને ઉજાળી કુળદીપક બની શકે. અને હા, આવા પુત્રોથી જ માતાનું મસ્તક જગતમાં ગૌરવથી ઊંચુ રહી શકે છે. આપણે ત્યાં સીમંતિની સ્ત્રીને કહેવામાં આવે છે કે- ' નિસ્તેજ, અશક્ત કે નિરુત્સાહી પુત્રને તું કદી જન્મ આપતી નહિં.' સો મૂર્ખ પુત્રો કરતાં એક ગુણવાન પુત્ર શ્રેષ્ઠ છે. એક ચંદ્ર જે અંધકારને ફેડે છે. તારાઓનો સમૂહ નહિ.
આવા જીવંત પુત્રોને જન્મ આપનારી માતા સર્વથા વંદનીય છે. ભારતીય સંસ્કૃતિએ માતાને દેવ સમાન ગણી તેનું ગૌરવ વધાર્યું છે. માતાના વાત્સલ્યથી અને સંસ્કાર સિંચનથી બાળકનું જીવન ઘડાય છે. માતા હતાશની આશ છે. ભાંગ્યાની ભેરૂ છે. નાસીપાસની પ્રેરણા છે. વિશ્વનું સર્વોત્તમ તીર્થધામ છે. માતાના ચરણતળે જ સ્વર્ગ છે. જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે છે. અર્પી દઉં સો જન્મ એવડું મા તુજ લહેણું ! માતાને કેવી ભવ્ય અંજલિ !
ભારતીય સંસ્કૃતિ આવી અનેક વીર માતાઓથી વિભૂષિત છે. પોતાના બાળકમાં સાચી વિરકિતના ભાવો જગાડનાર જ્ઞાાનમૂર્તિ મદાલસા ચિરસ્મરણીય છે. જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડયું તે' સર્વદમન' એટલે કે ભરતને જન્મ આપનારી આદ્યજનની શકુંતલાને કેમ ભુલાય ? શુભદર્શના માતા કૌશલ્યા પાસેથી દરેક માતાએ જીવનદર્શન મેળવવા જેવું છે. લક્ષ્મણ-જનની સુમિત્રા પણ સર્વથા વંદનીય છે. લવકુશની માતા સીતા પણ માનને પાત્ર છે. હનુમાનને જન્મ આપી માતા અંજની કૃતાર્થ થઈ ગઈ. મહાભારત કાળમાં કુંતાએ પણ અનેક મુશ્કેલીઓ વેઠીને, પોતાના પુત્રોનું સુપેરે જીવનઘડતર કરી માતૃપદનું ગૌરવ દીપાવ્યું હતું. અભિમન્યુની માતા સુભદ્રા પણ નમસ્કારને પાત્ર છે. શિવાજી મહારાજના જીવન ઘડતરમાં જીજાબાઈનો ફાળો નાનો સૂનો નથી. આવી માતાઓને યાદ કરતાં કરતાં રાષ્ટ્રમાતા કે સંસ્કૃતિમાતાનું સ્મરણ કરી તેનું ગૌરવ વધારવા આપણે કૃતસંકલ્પ બનીએ એ જ સાચા અર્થમાં ભક્તિની પરાકાષ્ઠા છે. માતામાં ભગવાન જોવાની આધ્યાત્મિક દૃષ્ટિ આપતા આ માતૃદિન ઉત્સવને આપણે સૌ અંતરના આનંદથી ઊજવીએ. સુજ્ઞોષુ કિં બહુના ?
- કનૈયાલાલ રાવલ