FOLLOW US

શિવ મંદિરોમાં એકતરફ હનુમાનજી અને બીજી તરફ ગણેશજી શા માટે રખાય છે?

Updated: Sep 14th, 2023


- જો કે હનુમાન ચાલીસા માં શંકરસુવન કેસરી નંદન કહીને હનુમાનજીને શંકરજીના પણ પુત્ર માન્યા છે. તે જ બતાવે છે કે આ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી પરંતુ કોઈ આધ્યાત્મિક રૂપક જ છે. કેસરીનંદન, શંકર સુવન, પવન-સુત, અંજનીનંદન, અંજની તેની માતા છે.

શિ વાલયની અંદર પ્રવેશ કરતા એક તરફ ગણપતિ તથા તેની સામેના ભાગમાં બીજી તરફ હનુમાનજીની પ્રતિમા હોય છે.

પાર્વતીને સ્નાન કરવાની ઇચ્છા થઈ. શરીર ઉપરથી મેલ ઉતારીને પૂતળું બનાવ્યું. તેમાં પ્રાણ ફૂંક્યા ને જીવતું થયું, તે બાળકને બહાર પહેરો ભરવા માટે ઉભો રાખ્યો અને જણાવ્યું કે કોઈ આવે તેને અંદર આવવા દેવાના નથી. હું સ્નાન કરવા બેસું છું. આમ કહીને પાર્વતી સ્નાન કરવા બેઠા.

બરાબર આજ સમયે કૈલાસમાં શિવજીની સમાધિ ખૂલી અને હાથમાં ત્રિશૂળ લઈને તેઓ ઘર તરફ ઉપડયા. આવીને જુએ તો એક બાળક ઘરની બહાર પહેરો ભરી રહ્યો છે. જે શિવજીને અંદર જતા રોકે છે. અટકાવે છે.

પોતાના જ ઘરમાં પોતાના પ્રવેશને અટકાવનાર કોણ ?? શિવજીને ક્રોધ ચઢયો. અને ક્રોધનાં આવેશમાં તેણે ત્રિશૂળ માર્યું એટલે બાળકનું માથું કપાઈ ગયું અને શિવજી અંદર પ્રવેશ્યા. લોહીવાળું ત્રિશૂળ જોઈને પાર્વતી બોલ્યા કે આ શું કરી આવ્યા છો ? તો શિવજીએ કહ્યું કે એક છોકરો મને અંદર આવવા દેતો ન હતો, તેને ઠેકાણે પાડીને આવ્યો છું તેનું લોહી લાગ્યું છે.

આ ઘટના સાંભળીને પાર્વતીજીને આઘાત લાગ્યો. ઝટ બહાર આવીને જોયું તો ગણેશનું ધડ અને માથું જુદા જુદા કપાયેલ પડયા હતા. તેઓ ઉકળી ઉઠયા અને કહેવા લાગ્યા કે આ શું કર્યું ? આ તમારો જ પુત્ર હતો. તેનો વધ કરીને તમે બહુ મોટી ભૂલ કરી છે...વગેરે કહેવા લાગ્યા. સાંભળી શિવજીને પણ પશ્ચાતાપ થયો.

તેમણે તરત જ પેલું ત્રિશૂળ ફેંકી અને દૂર કોઈ સ્થળે હાથી ચરતો હશે તેનું માથું કાપીને માથું લઈને ત્રિશૂળ પાછું આપ્યુું. અને પેલા છોકરાના ધડ ઉપર હાથીનું માથું બેસાડી જીવિત કરી વરદાન આપ્યું કે...

''જા બેટા, હવેથી કોઈપણ શુભ કાર્યમાં મારા કરતા પણ પહેલા પ્રથમ પૂજા તારી થશે. સર્વ પ્રથમ તારી પૂજા થશે તે પછી જ બીજા દેવોની પૂજા થશે.''

બસ, પછી ત્યારથી ગણેશ ભગવાનની પ્રથમ પૂજા થવા માંડી. પ્રત્યેક ધાર્મિક વિધિમાં ગણપતિ હોય જ.

હાથીનું જ માથું કેમ ?

ગણેશના માટે નવા માથા તરીકે બીજા ઘણાં માથા હોવા છતાં હાથીનું માથું પસંદ કરવાનું કારણ તે શૈવી બુદ્ધિનું પ્રતિક છે. સ્વરૂપ છે. મોટા કાન, લાંબું નાક, ઝીણી આંખો, મોટું પેટ, મોટું માથું વગેરે અંગોને સામુદ્રિક શાસ્ત્રની દ્રષ્ટિએ મહાપુરૂષની બાહ્ય નિશાનીઓ છે. જેનો ભાવ આવો થઈ શકે ઃ

મોટું માથું - વિશાળ જ્ઞાાનથી ભરપૂર - મોટા કાન - બહુ શ્રૂત (સાંભળનારા) ઘણું સાંભળી ને જ્ઞાાન જેણે જ્ઞાાન બુદ્ધિને વધારી છે. જે વધુ સાંભળવા તૈયાર રહે છે. ઝીણી આંખો - સૂક્ષ્મ - નાનામાં નાનું અવલોકન કરવાની ક્ષમતા. વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજી શકવાની ક્ષમતા. લાંબુ નાક - દૂર સુધીની સુગંધ - દુર્ગંધને ઓળખી શકવાની ક્ષમતા. તેમજ વિશાળ પેટ - બધી વાતોને પચાવવાની - સમાવવાની શક્તિ. આ બધાં મહાપુરૂષનાં લક્ષણોને લક્ષિત કરનારી છે.

ઉંદરનું વાહનઃ 

વાહન વિનાનો કોઈ દેવ નથી પ્રત્યેક દેવ જુદા જુદા અનેક પ્રકારનાં વાહનો ઉપર બિરાજે છે.

ગતિ કરાવે તે વાહન. તે નિયમ પ્રમાણે ગણેશ-શૈવીબુદ્ધિ - વિવેક બુદ્ધિની ગતિનો આધાર કોણ થઈ શકે ? તર્ક-તર્ક એજ ઉંદર છે. તર્ક વિના બુદ્ધિનો વિકાસ શક્ય નથી. પણ એ તર્ક જો નિરાકુંશ હોય તો ઉંદરની માફક નિરર્થક કાપકૂપ કર્યા કરે, તેવું ના થાય એટલા માટે તેના ઉપર ગણેશનું ભારે વિવેકાત્મક શરીર ગોઠવ્યું છે. જેથી કાપકૂપ કરનાર ઉંદર જ તર્કરૂપથી બુદ્ધિનો વિકાસ થઈ જાય છે.

શિવજીનાં નિજ મંદિરોમાં બિરાજેલ ભગવાન ભક્તોને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુદ્ધિનો ઉચ્છેદ કરીને તેની જ પાસે શુદ્ધબુદ્ધિની સ્થાપના કર. અને આ શૈવી બુદ્ધિ જ શિવને પમાડે છે. વાસના વાળી બુદ્ધિ નહિ. તે બતાવવા શિવાલયમાં ગણપતિની પ્રતિમા મૂકવામાં આવી છે અને આ જ તેનું તાત્પર્ય છે.

હનુમાજીનું પ્રતિક ઃ

શિવ મંદિરની અંદર એક તરફ હનુમાનજીનું પ્રતીક બિરાજેલું હોય છે. ગણપતિ માટે તો એમ કહી શકાય કે તે ભગવાન શંકરના પુત્ર હોવાથી શિવાલયમાં પધરાવ્યા છે પણ હનુમાન માટે શું કારણ આપી શકાય ? હનુમાનજીની પ્રતિમા શિવમંદિરમાં કયા કારણે મુકવામાં આવી છે ?

જો કે હનુમાન ચાલીસા માં શંકરસુવન કેસરી નંદન કહીને હનુમાનજીને શંકરજીના પણ પુત્ર માન્યા છે. તે જ બતાવે છે કે આ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી પરંતુ કોઈ આધ્યાત્મિક રૂપક જ છે. કેસરીનંદન, શંકર સુવન, પવન-સુત, અંજનીનંદન, અંજની તેની માતા છે. કેસરી તેના પિતા છે, પરંતુ શંકર તથા પવનને પણ પિતાને સ્થાને કેમ સ્થાપ્યા છે ?? આ તત્ત્વ જ બતાવે છે કે આ કોઈ આધ્યાત્મિક રહસ્ય છે.

હનુમાન અનન્ય ભક્તિ, પરાક્રમ તથા પૂર્ણ વૈરાગ્યનાં પ્રતીક છે, શ્રીરામનાં અનન્ય ભક્ત છે. મહાપરાક્રમી (વાયુ એ પરાક્રમનો દેવ છે) અને પૂર્ણ વૈરાગ્યવાન (શંકર એ વૈરાગ્યનાં દેવ છે) તરીકે તેમનું વ્યક્તિત્ત્વ પ્રસિદ્ધ છે. તેમણે પોતાની સેવાનાં બદલામાં કદી કાંઈ જ અપેક્ષા રાખી નથી. ઉલટુ જ્યારે શ્રીરામે તેમને નવલખો હાર ભેટમાં આપ્યો ત્યારે તેને તોડી તોડીને ફેંકવા માંડયા હતા. કારણ પૂછતા તેમણે જણાવ્યું હતું કે જેમાં શ્રીરામ ના હોય તે વસ્તુની મારે જરૂર નથી. હું તો માત્ર રામનો જ ભૂખ્યો છું. લોકોને હૃદય ચીરીને બતાવ્યું કે જો આમાં રામ ના બિરાજતા હોત તો આ હૃદયને પણ ફેંકી દીધું હોત.

આમ, આવી નિષ્કામ ભાવભરી અનન્ય ભક્તિ, પૂર્ણ પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્ય હોય તે જ ભગવાન સંકરને પ્રાપ્ત કરી શકે તેથી શિવાલયમાં હનુમાજીનું પણ સ્થાન છે. પ્રતીક છે.

આ આપણને ત્રણ તત્ત્વોની પ્રેરણા આપવા માટે જ છે. (૧) અનન્ય ભક્તિ (૨) પરાક્રમ અને (૨) વૈરાગ્ય સાથો સાથ હનુમાનજીનાં હાથમાં ઔષધિઓ વાળો પર્વત પણ છે. તે એમ બતાવે છે કે લક્ષ્મણની માફક સંસારની કોઈ ભીષણ ઘટનાથી જીવન મૂર્છિત થઈ ગયું હોય તો ગભરાવાની જરૂર નથી. નાસિપાસ થવાની જરૂર નથી. જીવનને પુનઃચેતના આપનારી મહાઔષધિ મારી પાસે છે.

બીજા પગ નીચે પનોતીને દબાવી છે. પનોતી જે વ્યક્તિને લાગે તેને હેરાન કરી નાખે છે તે જ પનોતીને હંમેશા તેઓ પગ નીચે દબાવી રાખે છે. પનોતી પરાક્રમી તથા વૈરાગ્યવાન પુરુષની દાસી બની જતી હોય છે તેમ બતાવવાનું આ પ્રતીક છે. (શિવતત્ત્વદર્શનમાંથી)

આ બન્ને પ્રતીકો મંગળમૂર્તિ છે.

- ડૉ. ઉમાકાંત જે. જોષી

Gujarat
English
Magazines