સૌ વ્રજવાસીઓને પ્રશ્ન થાય છે... કે 'નંદ યશોદા ગોરાં છે... તો આ કૃષ્ણ કનૈયો કેમ કાળો છે?'
ભાગવત કથાકારો આ પ્રશ્નની ભક્તિભાવે રસપ્રદ રજૂઆત કરતા હોય છે.
યશોદા કનૈયાને પૂછે છે, 'કનૈયા ! તું કોનો ?' મોંઢું મલકાવતાં કનૈયો જવાબ આપે છે... 'મા ! હું તો, તારો જ છું ને !'
યશોદા કનૈયાને કહે છે, 'કનૈયા ! આ બધાં વ્રજવાસીઓને શંકા જાય છે કે યશોદા-નંદ ગોરાં અને તું કેમ કાળો ।'
કનૈયો ખડખડાટ હસતાં ને માની આંખોમાં આંખો પરોવી વ્હાલથી કહે છે, 'મા, મારા જન્મ વખતે તો હું ગોરોજ હતો... પણ...'
જશોદા પૂછે છે... 'પણ શું...?'
કનૈયો ગંભીર થઈને બોલ્યો... 'મા ! મારા જન્મ વખતે અંધારું છવાયેલું હતું. મારો જન્મ થયો ત્યારે બધાં સૂતેલાં હતાં. તું પણ સૂઈ ગયેલી હતી. હું આખી રાત પથારીમાં તારા પડખામાં અંધારામાં આળોટતો રહ્યો. તેથી અંધારું મને વળગી પડયું... ચોંટી પડયું એટલે કાળો થયો છું...' ને પછી યશોદાને વળગી મલક મલક હસવા માંડયો.
ગોપીઓ ભોળાભાવે પ્રેમથી કહે છે, 'કાનજી અમારી આંખમાં નિત્ય વસે છે. અને આંખમાં મેંશ આંજીએ છીએ એટલે અમારી આંખની 'મેંશ' લાગવાથી કનૈયો કાળો થયો છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં એક કથા છે. શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવા આવ્યા છે ત્યારે દુર્યોધન મશ્કરી કરતો હોય તેમ શ્રીકૃષ્ણને પૂછે છે 'નંદ-જશોદા ગોરાં અને તમે, કાળા કેમ એ તો કહો..'
ત્યારે શ્રીકૃષ્ણએ તેજોમય બની... પ્રભાવક બની કહ્યું, 'હું કૌરવોના કાળ તરીકે જન્મ્યો છું તેથી કાળો થઈને આવ્યો છું.' કાનજીને કોઈ હરાવી ન શકે. જેવો સામે વ્યક્તિ તેવો સામે તેનો જવાબ.
લીલા નિકુંજમાં રમતાં રાધાજીએ પૂછયું, 'નાથ ! તમે સુંદરતમ છો... પણ સહેજ કાળા... શ્યામ કેમ લાગો છો ? ત્યારે કૃષ્ણ રસમય જવાબ આપે છે કે, 'હું તો તારી શોભા મારા કરતાં વધે, તે માટે કાળો થયો છું.'
આવા શ્રીકૃષ્ણપ્રભુની ચિન્મય લીલામાં પ્રવેશ મળતાં જ સૂરદાસજી કહે છે :
મોહન મન મોહી લિયો,
લલિત વેણુ બજાવી રે,
મુરલિ ધુનિ શ્રવણ સુનત,
બિબસ ભઈ માઈ રે.
સૂરદાસ પ્રભુ કી લીલા,
નિગમ નેતિ ગાઈ રી...
ભક્તની ઇચ્છા પ્રમાણે વર્તનારા, બાળલીલામાં દૂધ વગેરેની ચોરી કરી, યશનો વિસ્તાર કરનારા, વ્રજવાસીઓને આનંદ પમાડનારા, ગિરિરાજધારી શ્રીકૃષ્ણ અમારા પ્રભુ છે.
મમ પ્રભુ: શ્રી ગિરિરાજધારી. શ્રીકૃષ્ણ.
- લાભુભાઈ ર. પંડયા


