માનવીની મહત્વાકાંક્ષા ઘણીવાર પૈસાના પ્રેમનું રૂપ ધારણ કરે છે. પાર વગરનાં માણસોને સાહિત્ય, કલા કે ચિંતનમાં કશોય રસ નથી હોતો એમનો રસ એક જ; પૈસામાં. એમની મહત્વકાંક્ષા વૈભવો ભેગા કરવાની લાખના સવા લાખ કેમ થાય એ જોવામાં જ એનો રસ. મોટેભાગે લોકો જીવનને ટકાવા માટે મહેનત કર્યે જતાં હોય છે. એ વળી હકીકતનું બીજુ પાસુ છે. બિચારા સવારથી સાંજ સુધી વૈતરું કૂટે ત્યારે રાત્રે માંડ ધાનનો અપૂરતો કોળિયો પામે, પણ એક નાનકડો વર્ગ એવો છે જે સરળતાથી પોતાનું પૂરુ કરીને બે પૈસા એક બાજુ મુકી શકે છે પછી એને બાર પૈસા મુકવાનું મન થાય. એમને આવકમાં માત્ર વધારો જ ગમે છે. એમને વધારો થતા પોતે સફળ હોવાનો આનંદદાયક અનુભવ થાય છે.
જે લોકો ધનના ગેરલાભ વિશે વાતો કરે છે એ જ લોકો ધન મેળવવા માટેનાં પ્રયત્નો પણ કરતા હોય છે. જલદ રૂપમાં કરતા હોય છે. આમા જો કંઇ ખોટું હોય તો તે એટલું જ કે ભોળા માણસોના હૃદયમાં સંઘર્ષ થાય છે. એક બાજુ એમને ધનનાં વિરોધ કરવાનું મન થાય છે ને બીજી બાજુ ધન પ્રાપ્તિની ધૂન જાગે છે. વર્ષો વધે તેમ આવક વધે એ કોને ના ગમે ? એનાથી મજા તો પડે છે જ. પૈસાના લાભ એટલા બધા છે કે તમે એના ગેરલાભ વિશે ભાષણ આપવા માગો તોય એ માટે જોઇતી શક્તિ મેળવવા ને જાળવવા જે ખોરાક જોઇએ એ માટે પૈસા તો જોઇએ જ. પૈસાના ગેરલાભ છે જ એ તરફ આંખ મિંચામણા કરવાથી આપણે એમનો વંશવેલો કાપી શકવાના નથી. પણ સારો રસ્તો કોન્ફ્યુશન ને અનુસરવાથી છે.
''પૈસાના ગુલામ થયા વગર એની સેવાઓનો લાભ લેવો જોઇએ.'' પૈસો અને પૈસાનો પ્રેમ સાથે જ વસતા જોવા મળે છે. આમ કશું જ આશ્ચર્ય નથી. પ્રકૃતિએ વ્યાપક અથવા તો માનવીની પોતાની પૈસામાં એવી મોહિની મુકી છે કે માણસ એમાં ગાંડો થઇ જાય છે. બની પણ જાય છે. પછી એ બીજી દુનિયા ભૂલી જાય છે, ભાન ભુલી જાય છે. આત્મા, પરમાત્મા, અધ્યાત્મ, જીવન વિકાસ વગેરેમાં એને રસ રહેતો નથી. અમુક અપવાદ બાદ કરતા એકાદ-બે ગરીબો તમારી આસપાસમાં પણ હશે. રોજ ઘરખર્ચમાં રૂપિયા વાપરનારા એક બહેન શાકના ભાવ માટે કેવા ધમાલ કરતા હોય છે. પાણી તરસ વધારે છે એ સહુનાં અનુભવની વાત છે. ઉનાળામાં જેમ જેમ પાણી પીએ એમ એ વધારે પીવાનું મન થાય છે. એમ ધનની તૃષ્ણા પણ એ જ રીતે વધે છે. ધનનો ધરવ થયો હોય એવા લોકો આંગળીનાં વેઢે ગણાય એટલી હદે ઓછા મળશે. માત્ર પૈસાને માટે જ પૈસા મેળવવાનો પ્રયત્નો થાય છે ત્યારે આવી સ્થિતિ પેદા થાય છે. જ્ઞાની અને સમજુ માણસે હતાશા, વિફલતા જેવી અવદશામાંથી મુક્ત રહેવાનો સબબ ને ધનનું મૂલ્ય સમજે છે. તો ધનનું જીવનમાં મહત્વ શું? એમ તો કોઇ પણ વસ્તુનું શું મહત્વ છે એ નક્કી કરવાનું માપદંડ હોય છે. જ્ઞાન, શક્તિ, સૌંદર્ય..આ બધુ જ આપણને મળ્યું હોય ને આપણને તેમનો યોગ્ય ઉપયોગ કરતા ના આવડતું હોય તો? આપણું જ્ઞાન બીજાની સાથે સાચી-ખોટી દલીલો કરવામાં જ વપરાઈ જાય છે તો એને જ્ઞાન કેમ કહેવાય? શક્તિ જો અન્યને ઉપયોગી થવાને બદલે માત્ર પીડા આપવામાં વપરાય તો? સૌંદર્ય આપણા અભિમાનમાં વધારો કરે તો ? ધનનો સદ્પયોગ થઇ શકે છે. આરામ-એટલે ભરપુર કામ પછી આરામ. પુસ્તકો પોતે જ્ઞાન નથી પણ એ જ્ઞાનના મોટા માધ્યમ તો છે જ. જેની પાસે ધનની સુવિધા નથી એ ભલે ગ્રંથાલયમાં જાય પણ જેની પાસે મનગમતા પુસ્તકો ખરીદવાની સગવડ છે એ તો પોતાના મનગમતા પુસ્તકો ખરીદી સારા વાતાવરણમાં સમય પસાર કરી શકે છે. વળી પ્રવાસ પણ જ્ઞાન, મનોરંજન અને આરામનું સાધન છે. સાવ સામાન્ય પ્રવાસો કરવા માટે પણ માણસને પૈસા જોઇએ. દૂરના પ્રવાસો માટે ખિસ્સા બરાબર તર જોઇએ.
ધનનો આપણ સદ્પયોગ છે. કામ ધન દ્વારા વધારે સરળ બને છે. જો કે, જે લોકો સારી મૂર્તિઓ અને વિશ્વવિખ્યાત ચિત્રોનો સંગ્રહ કરે છે એ બધા કલાપ્રેમી હોય છે એવું નથી. પણ આર્થિક સુવિધા કલાપ્રેમ વાળાને ઉપયોગી થઈ શકે જેમાં શંકા જ નથી. ટોલ્સટૉય કહેતા. આપણે કદી પૈસાની અવગણના કરવાના નથી. એનું મૂલ્ય છે જ. પણ જો એના મૂલ્યની વિચારણા કરતા રહીશું તો જીવનમાં કશુક મૂલ્ય છે એનો વિચાર કરવાનો અવકાશ જ નહીં રહે.
- ચેતન એસ ત્રિવેદી


