યુનાનનું એ ખૂબ પ્રાચીન મંદિર. મંદિરમાં ડોલ્ફીના નામની દેવીની મૂર્તિ હતી. આ દેવી ખૂબ જ ચમત્કારી હતી. રોજ ભલે નહીં, પણ અવસરે અવસરે તે કેટલીક ઘોષણાઓ કરતી. મંદિરમાં ભક્તો કંઈક પૂછે તો દેવી પ્રસંગોપાત્ત પ્રત્યુત્તર આપતી.
એક દિવસ એક ભક્તે ડોલ્ફીના દેવીને પ્રશ્ન પૂછયો : 'સમસ્ત વિશ્વમાં અત્યારે સૌથી વધુ જ્ઞાન કોની પાસે છે ? કોણ એવી વ્યક્તિ છે, જે વિશ્વમાં સૌથી વધુ જ્ઞાની છે?'
દેવીએ ત્વરિત ઉત્તર આપતા કહ્યું : 'આ યુનાનના જ સૂકરાત નામના જે સંત છે, તે સમસ્ત વિશ્વમાં સૌથી મહાન જ્ઞાની છે.' હજી તો દેવી પાસેથી ઉત્તર મળ્યો ન મળ્યો, ને કેટલાક લોકો દોડીને સૂકરાત પાસે પહોંચ્યા. અને ડોલ્ફીના દેવીએ જે ઉત્તર આપ્યો તે સૂકરાતને જણાવ્યો. સૂકરાતે જવાબ આપ્યો : ' અરે, દુનિયામાં મારા જેવો કોઈ અજ્ઞાની નથી. હું સ્વયં કોઈ જ્ઞાનીને શોધી રહ્યો છું. જે મારામાં ઘણું અજ્ઞાન છે, તેને દૂર કરે.'
તો લોકોએ પૂછયું : 'આપ અજ્ઞાની છો, તો શું દેવી ખોટું બોલે છે ?'
'ના ના, દેવી ખોટું તો ના જ બોલે, પણ ઉતાવળમાં તેમના મુખમાંથી મારું નામ નીકળી ગયું હશે. અથવા તેમણે બીજું કંઈ નામ કહ્યું હશે, અને તમે બીજું કંઈ સમજ્યા હશો!' ત્યાંથી લોકો પાછા ડોલ્ફિના દેવી પાસે ગયા, અને સૂકરાતનો જવાબ દેવીને સંભાળાવ્યો કે સૂકરાત તો એમ જ કહે છે કે હું તો હજી આજ્ઞાની છું.'
દેવીએ હસીને સૌને કહ્યું : 'આ જ તો જ્ઞાનીનું લક્ષણ છે. જે સ્વયં જ્ઞાની હોવા છતાં પોતાને આજ્ઞાની માને, એ જ સાચો જ્ઞાની છે, બાકી થોડું ઘણું ભણીને પોતાને જ્ઞાની માનનાર ખરેખર તો મહાઆજ્ઞાની છે.'
- રાજ સંઘવી


