- કાયદા, કાનૂનો ઘડવામાં આવે છે નાગરિકની સુવિધા, સુખ, સગવડ માટે. તેનો ભંગ પણ નાગરિકોનો એક વર્ગ કરે છે. અપ્રમાણિકતા તો ખરી જ. અનૈતિકતા પણ કહેવાય જ. એને જનતા વિરોધી પણ કહેવું જોઈએ
કોઈ સામાજિક કાર્યનાં સંબંધમાં એક વખત એક સજ્જનના મોઢે વાત સાંભળી. તેમને મળવા એક યુવાન માણસ, શક્તિથી ઉભરાતા, ઉત્સાહી હતા. સામાન્ય વાતચીત થયા પછી તે સજ્જને પૂછયું, 'તમે શું કામ કરો છો ?' 'હું વકીલ છું.' તેમણે જવાબ આપ્યો. 'તમે સિવિલ કોર્ટમાં પ્રેક્ટીસ કરો છો કે ક્રિમિનલ કોર્ટમાં? શેના એક્સપર્ટ તમે ?' 'હું કોર્ટમાં વકીલ નથી. તમે બધા જેમ ઇન્કમટેક્સ, સેલ્સટેક્સ વકીલ કહેવાઓ છો તેમ હું સરકારી અને મ્યુનિસિપલ ખાતાઓ સાથે કામ કરું છું. તેથી વકીલ જ કહેવાઉં ને ?'
'પણ તમે એક્સપર્ટ ઈન અનઓથોરાઈઝ્ડ વર્ક કહ્યું તે શું ?'
'વેરી સિમ્પલ, સરકારના અને મ્યુનિસિપાલિટીના જુદા જુદા ડિપાર્ટમેન્ટના કાયદા કાનૂનો, નિયમો, પ્રોસીજર, પોલીસી એ બધું ગાઢ અને ગીચ જંગલ જેવું છે. કે સામાન્ય માણસને તો એમાં કંઈ સમજ જ ન પડે. ઉપરાંત જેમને તેમની સાથે કામ પડે તેમને માત્ર કાયદો એલાઉ કરે - એટલું કે કાયદાના અક્ષરે અક્ષર પ્રમાણે કામ કરવાનું નથી હોતું. એમ થઈ શકે જ નહીં પરંતુ દરેક કાયદા અને નિયમને કંઈક છટકબારી હોય છે. માણસની બુદ્ધિ આવા 'લૂપહોલ્સ' છટકબારીઓ, કાયદાની બારીકીઓ, અપવાદો એવું શોધી કાઢે છે. સરકારો અને મ્યુનિસિપાલીટીના ઓફિસરો અને કર્મચારીઓ આ કામમાં સૂઝ પાડે છે, મદદ કરે છે, ભાગીદાર થાય છે. આમ જે કાયદેસર પણ કદાચ ન કહી શકાય - માત્ર 'અનઓથોરાઈઝ્ડ' કહી શકાય - તેવા કામો કરાવી આપવાનો હું 'એક્સપર્ટ' છું. દરેક ખાતાઓમાં આપણી ઓળખાણ છે સમજ્યા સાહેબ !'
પેલા સજ્જને લંબાણપૂર્વક સમજાવ્યું. પેલા સજ્જનની વાત સાંભળી વિચારમાં પડી ગયો કે કાયદાઓ છે, નિયમો છે અને તેના અપવાદો છે, છટકબારીઓ છે અને 'લૂપહોલ્સ' છે અને એ બધું કરી આપનારા 'વકીલો' છે. આ સમાજ છે. સમાજ દિવસે ને દિવસે વધુને વધુ સુશિક્ષિત, સુસંસ્કૃત, જાગૃત અને કાનૂનપરસ્ત થતો જાય છે એમ સાધારણપણે કહેવાય છે. એટલે કે સામાન્ય નાગરિક કે દેશવાસીનાં 'લાભ' માટે ઘડાય છે. તેના વહીવટ માટે વિશાળ તંત્રો રચાય છે પણ પછી એ સામાન્ય માણસનું શું થયું ? તેને કેટલો લાભ મળ્યો ? તે વાત પૂછવાની ભૂલાઈ જવાય છે, તે આ કાયદાઓનો 'લાભ' લે છે. સરકારી અધિકારીઓ તેમને મદદરૂપ થાય છે અને સામાન્ય માણસો તે નામે દેશની ગરીબ જનતાને નામે આ કારોબાર ચાલ્યા કરે છે. આગળ પણ આ કારોબાર કદાચ ચાલતો હશે. તેમાં 'વચલા' માણસો પણ ન્યાલ થઈ જાય છે. દલાલો, એજન્ટો, ક્યારેક પ્રોફેશનલ માણસો 'સમરથ કો નહી દોષ 'ગુસાઈ' એ છત્ર નીચે ઢંકાઈ જાય છે. સહન કરવાનું રહે છે સામાન્ય માણસને. પ્રશ્ન થાય છે કે આમ કાયદાની છટકબારીઓનો લાભ લઈને, જે કાયદેસર નથી તે કાર્ય કરવું - એ કદાચ કાયદાની પરિભાષામાં ગેરકાનૂની ન હોય તો પણ શું અનૈતિક નથી ? બધું જ કાયદેસર હોય ? નૈતિકતા ક્યાંય ન આવે ? કાયદા, કાનૂનો અને નિયમો ઘડવામાં આવે છે નાગરિકની સુવિધા, સુખ, સગવડ માટે, તેનો ભંગ પણ એ નાગરિકોનો એક વર્ગ કરે છે. અપ્રમાણિકતા તો ખરી જ. અનૈતિકતા પણ કહેવાય જ. એને જનતા વિરોધી પણ કહેવું જોઈએ અને એ અનૈતિકતા મોટા પાયા પર આચરવામાં આવતી હોય તો રાષ્ટ્રવિરોધી અને માનવજાતની વિરોધી પણ ગણીને તેનો વિરોધ-તિરસ્કાર કરવો જોઈએ. પણ એવું થઈ શકતું નથી કારણ આમાં આપણે પણ સામેલ છીએ. કારણ કે કાયદાઓ એટલા બધા હોય છે અને તેનો ભંગ એટલી બધી જગાએ થાય છે અથવા એની બારીકીનો લાભ ન લઈએ તો એટલી બધી અગવડોમાં મુકાવું પડે છે કે માણસ નીતિ-અનીતિ કે સારુ-ખરાબનો વિચાર કર્યા વિના તેમાં ઝંપલાવે છે. કાયદાઓ છે નિયમો છે તો સામે આ બધું તોડવાના ઉપાયો ! પણ છે. કાયદાની છટકબારીનો લાભ લઈને વ્યક્તિને ફાયદો પણ કરી આપવો. સવાલ કે સરકાર એવા કાયદાઓ ઘડે છે કેમ કે જેને તોડવા પડે ? જેના એવા ઉપાયો શોધવા પડે? આજે દેશ દરેક સ્થાને પ્રગતિ કરી રહ્યો છે. આપણો ધર્મ સહુથી ઊચ્ચ સ્થાને છે. આ સંતોનો દેશ છે તો પછી આવા પવિત્ર દેશને કોની નજર લાગી છે. રોજ કંઈક ખોટું થાય છે, ભ્રષ્ટાચાર, ચોરી, બળાત્કાર શું આ બધું યોગ્ય છે. આ બધું રોકનાર કોઈ નથી? આશા રાખીએ એક દિવસ રામ રાજ્ય આવશે ચોક્કસ.
- ચેતન એસ. ત્રિવેદી


