એક શેઠને ત્રણ મિત્રો હતા. નિત્ય મિત્ર, પર્વ મિત્ર અને નમસ્કાર મિત્ર, 'નિત્યમિત્ર' દરરોજ શેઠને ઘેર આવે, અને શેઠને સન્માનની દૃષ્ટીએ જુએ. સહકાર, સહયોગને સાથ પણ આપતો. ખાવા-પીવામાં, ચા-નાસ્તામાં બંન્ને સાથે રહેતાં. ગુપ્ત વાત પણ શેઠ નિત્યમિત્રથી છૂપાવતાં નહીં જીગરજાન દોસ્તની જેમ વ્યવહાર ચાલતો. 'પર્વમિત્ર' ખાસ ખાસ પર્વોના દિવસોમાં જ શેઠને મળતો, તે સમયે જે મિષ્ઠાન વગેરે બન્યાં હોય તે વાપરીને પોતાને ઘેર ચાલ્યો જતો. ત્રિજો 'નમસ્કારમિત્ર' રસ્તામાં શેઠ મળી જાય તો વિનયપૂર્વક નમસ્કાર કરી લેતો, બાકીનો કોઈ વ્યવહાર રાખતો નહીં.
એકાએક પ્રદેશનો રાજા શેઠ ઉપર કોપાયમાન થયો, તેનું કારણ કોઈ જાણતું ન હતું. ક્રોધિત રાજાએ શેઠને 'દેશનિકાલ'નો આદેશ - હૂકમ ફરમાવ્યો. શેઠ તો સ્તબ્ધ બની ગયાં, કદી આવો માઠો પ્રસંગ દેખેલો નહીં. વિચાર કરવા લાગ્યા કે, હવે શું કરશું ? ત્યાં તેમને તેમનો નિત્યમિત્ર યાદ આવ્યો તે મનમાં થોડી ટાઢાશ બંધાઈને વિચાર્યું કે તેને ત્યાં જાઉં. આશાભરી દૃષ્ટિએ નિત્યમિત્રના ઘેર ગયાં, શેઠે પોતાની પરિસ્થિતિની વિગતવાર જાણ કરી અને કહ્યું કે, આ જગતમાં તું જ મારો જિગરીદોસ્ત છે, તું મને શરણ દે અને બચાવ. નિત્યમિત્રએ કહ્યું, 'તારી વાત તો સાચી છે - પણ રાજાએ તમને દોષિત જાહેર કરેલાં છે તેથી રાજ્યના અપરાધીને ઘરમાં રાખી શકાય નહીં. મારે મારાં કુંટુંબની સલામતી અને કાયદાનો વિચાર કરવો પડે, આવા નિરાશાજનક શબ્દો સાંભળી શેઠ ઢીલા થઈ ગયાં. શરમના માર્યા ત્યાંથી નિકળી 'પુર્વમિત્ર'ને ત્યાં ગયા, ત્યાં પોતાની આપવિતી જણાવી અને આશ્રય અને મદદ માટે વિનંતી કરી, અહીંયા પણ તેને સહયોગ કે મદદ ન મળી, શેઠ ઢીલા ગઈ ગયાં.. શરમ ના માર્યા ત્યાંથી નિકળી ગયાં અને વિકલ્પોની જાળ વણતા વણતા ચાલ્યાં જતાં હતાં, ત્યાં રસ્તામાં અચાનક 'નમસ્કાર મિત્ર'નો ભેટો થઈ ગયો. શેઠનો ફીક્કો ચહેરો જોઈ પૂછયું કેમ વીલે મોઢે દેખાવ છો ?
શેઠે પ્રારંભથી અબ સુધીની કહાની કહી સંભળાવી નમસ્કાર મિત્ર તુરત જ કહેવા લાગ્યો કે ભાઈ ગભરાવવાની કોઈ જરૂર નથી, ધૈર્ય ધરો અને મારા ઘેર ચાલો.
શેઠને મનમાં થોડી શાંતિ જન્મી, મિત્રના ઘેર મિત્રે આખી ઘટના ફરી સાંભળી અને ધર્મને ધ્યાને રાખી રસ્તો શોધી કાઢયો, આ ઉપાય- અમલમાં મૂકાતાં શેઠનું સંકટ ટળી ગયું, અને રાહત થઈ.
જ્ઞાાનીઓએ - સંતોએ શરીરને નિત્યમિત્ર-પરિવારને પર્વમિત્ર અને ધર્મને નમસ્કાર મિત્ર તરીકે ગણાવ્યાં છે. દુ:ખમાં સાચો સહયોગી માત્ર ધર્મ છે. શરીર તો માત્ર તાળીમિત્રનું કામ કરે છે. માલ-પાણી ઉડાળે પછી પોતાનું અસલી રૂપ બતાવી છટકી જાય છે. સગા સૌ સ્વાર્થના સગા છે. તે પૈકી કોઈ કોઈનું દુ:ખ લેતું. આપતુ નથી. તેતો મોઝમઝામાં માત્ર ભાગ પડાવે છે. જ્યારે તારણહાર - શરણહાર તો માત્ર ધર્મ જ છે. તેથી સૌ જીવોએ ધર્મમિત્રની દોસ્તી કરવી અને વધારવી તેનાં ઉપર વિશ્વાસ કરવો તે જ સાચો મિત્ર ને દોસ્ત છે.
(આધાર :- સદ્ વિચારોનું ઉપવન)
- દિનેશ શાહ


