Get The App

ગુરૂ કોણ બની શકે? .

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
ગુરૂ કોણ બની શકે?                                   . 1 - image


- એક શિષ્યએ ગુરૂદેવને કહ્યું: 'ગુરૂદેવ! ઘણાં દિવસોથી અહીં આપને જે માન અપાય છે તે જોઈ મને પણ ગુરૂ બનવાનું મન થયું છે. હું પણ જો ગુરૂ બની જઉં તો સેંકડો શિષ્યોનોગુરૂ બનું

એક આશ્રમમાં વિશાળ સંખ્યામાં શિષ્યો ગુરૂ પાસે અભ્યાસ કરતા હતા. એક દિવસ એક બાળક શિષ્યએ ગુરૂદેવને કહ્યું: 'ગુરૂદેવ ! ઘણાં દિવસોથી અહીં આપને જે માન અપાય છે, તે જોઈ મને પણ ગુરૂ બનવાનું મન થયું છે. હું પણ જો આપની જેમ ગુરૂ બની જઉં તો સેંકડો શિષ્યોનો ગુરૂ બનું. સૌ મારા ચરણોમાં બેસી અભ્યાસ કરે. સૌ શિષ્યોને હું દીક્ષા આપું. આવું માન મારે જોઈએ છે. એ માટે મારે ગુરૂ બનવું છે. આપ જણાવો, આમ આપની જેમ હું ગુરૂ ક્યારેય બની શકું ?'

બાળ શિષ્યની વાતથી ખડખડાટ હસતા ગુરૂદેવે કહ્યું: 'વત્સ ! તું ગુરૂ તો બની શકીશ. પણ તે માટે વર્ષો સુધી જ્ઞાનપ્રાપ્તિ કરવી પડશે. કેટલાક વર્ષોની સાધના પછી પૂર્ણ પાત્રતાની પ્રાપ્તિ થાય, તે પછી તને ગુરૂપદ મળશે, અને શિષ્યો થશે. એ પછી જ શિષ્યો દ્વારા માન મળશે - સૌ ચરણોમાં બેસી અભ્યાસ કરશે.'

બાળ શિષ્યએ તો નિખાલસતાથી કહ્યું: 'ગુરૂદેવ ! આટલા બધા વર્ષો રાહ કેમ જોવાની ! મારે તો આજે જ - આજે નહીં હમણાં જ આપની જેમ ગુરૂ બનવું છે. કઈ રીતે બનવું તે માર્ગ આપ મને જણાવો.'

ગુરૂને લાગ્યું કે શિષ્ય બાળ છે. એટલે સીધી રીતે સમજાવવાથી નહીં સમજે, તેને બીજી કોઈ રીતે સમજાવવો પડશે. તરત થીયરીકલ નહીં પણ પ્રેક્ટિકલ ઉત્તર વિચારી બાળ શિષ્યને કહ્યું: 'વત્સ ! ચલ પ્રથમ આપણે મંદિરમાં જઈએ. ત્યાં પ્રભુના આશીર્વાદ લઈ પછી તને ગુરૂ બનાવું. 'કહી ગુરૂદેવ ચાલવા લાગ્યા, તો શિષ્ય પણ તેમની સાથે ઉતાવળમાં ચાલવા લાગ્યો. ગુરૂ બનવામાં કોને રસ નથી ? એ પ્રશ્ન છે.

ગુરૂદેવ મંદિર પાસે પહોંચ્યા. મંદિર ખૂબ ઊંચું હતું. ઉપર ચઢવા ઘણાં પગથિયાં ચડવા પડે તેમ હતા. સૌથી નીચેના પગથિયે શિષ્યને ઉભો રાખી ગુરૂદેવ દસ પગથિયાં ઉપર જઈને ઊભા રહ્યા. ત્યાંથી કહ્યું: 'વત્સ ! તારે હવે એક કાર્ય કરવાનું છે કે તું જ્યાં ઉભો છે,ત્યાંથી એક પણ પગથિયું ચઢયા વિના મારો હાથ પકડીને તારે મને છેક ઉપર ભગવાન સુધી પહોંચાડવાનો છે.'

ગુરૂદેવની વાત સાંભળી શિષ્ય વિચારવા લાગ્યો. તે બોલ્યો: 'ગુરૂદેવ ! આપ સાવ કેવી બાળ જેવી વાત કરો છો. હું એકદમ નીચે છું, અને આપ દસ પગથિયા ઉપર, અને એક પણ પગથિયું ચઢયા વિના આપનો હાથ પકડી આપને ઉપર કેવી રીતે લઈ જઈ શકું ? આપનો હાથ પકડવા માટે મારે પ્રથમ તો ઉપર આવવું પડશે.'

હવે ગુરૂદેવ દસ પગથિયા ઉતરી નીચે આવી શિષ્યના મસ્તક ઉપર હાથ મૂકી બોલ્યા: 'વત્સ ! તેં જે કહ્યું, એ એકદમ બરાબર છે. કોઈને ઉપર લઈ જવા માટે આપણું તે સ્તરે હોવું આવશ્યક છે. ગુરૂની પ્રથમ ફરજ આ છે કે તેઓ પોતાના શિષ્યની આંગળી પકડી જીવનમાં એક-એક પગથિયા ઉપર ચઢાવે. જો મારી ઈચ્છા ગરૂ બનવાની છે, તો એ માટે મારે શિષ્યોને ઉપર લઈ જવા પડશે અને એ પૂર્વે વર્ષો સુધી જ્ઞાન સંપાદન કરી ઉચ્ચ સ્તર સુધી પહોંચવું પડશે.' ગુરૂદેવ શું કહેવા માગે છે તે બાળ શિષ્ય સ્પષ્ટ સમજી ગયો.

- રાજ સંઘવી

Tags :